શ્રીભગવાનુવાચ ।
કાલોઽસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો
લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ।
ઋતેઽપિ ત્વાં ન ભવિષ્યન્તિ સર્વે
યેઽવસ્થિતાઃ પ્રત્યનીકેષુ યોધાઃ ॥ ૩૨॥
શ્રી ભગવાન્ ઉવાચ—શ્રી ભગવાન બોલ્યા; કાલ:—કાળ; અસ્મિ—હું છું; લોક-ક્ષય-કૃત્—વિશ્વનો નાશ કરનાર સ્રોત; પ્રવૃદ્ધ:—મહાન; લોકાન્—બધા વિશ્વો; સમાહર્તુમ્—નષ્ટ કરવામાં; ઇહ—આ લોક; પ્રવૃત્ત:—સહયોગ; ઋતે—વિના; અપિ—પણ; ત્વામ્—તમારા; ન ભવિષ્યન્તિ—કદી નહીં થાય; સર્વે—બધા; યે—જે; અવસ્થિતા:—સજ્જ; પ્રતિ-અનીકેષુ—વિપક્ષ સૈન્યમાં; યોધા:—સૈનિકો.
Translation
BG 11.32: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હું પ્રલયનું મૂળ કારણ મહાકાળ છું, જે સર્વ વિશ્વોનો નાશ કરવા આવે છે. તારા સહયોગ વિના પણ વિપક્ષ સૈન્યના સજ્જ યોદ્ધાઓનું મૃત્યુ થશે.
Commentary
અર્જુનના ‘આપ કોણ છો’, એ પ્રશ્નનાં ઉત્તર રૂપે શ્રીકૃષ્ણ સ્વયંની સર્વ-શક્તિમાન સમય, બ્રહ્માંડના કાળ સ્વરૂપની પ્રકૃતિ પ્રગટ કરે છે. કાળ શબ્દ કાળયતિ શબ્દ પરથી આવ્યો છે, જે ગણયતિ અર્થાત્, “ગણવું”નો સમાનાર્થી છે. પ્રકૃતિની સર્વ ઘટનાઓ કાળમાં દફન થઈ જાય છે. ઓપ્પનહાઈમર, કે જે પ્રથમ અણુ બોમ્બ બનાવવાની પરિયોજનાના સદસ્ય હતા, તેમણે હિરોશીમા તથા નાગાસાકીના વિનાશના સાક્ષી બન્યા પશ્ચાત્ શ્રીકૃષ્ણના આ શ્લોકને આ પ્રકારે ઉદ્ધરણમાં મૂક્યો હતો: “ કાળ...હું સર્વ વિશ્વોનો સંહારક છું.” કાળ સર્વ પ્રાણીઓના જીવનકાળના લેખા-જોખાં કરે છે અને નિયંત્રિત કરે છે. તે નિશ્ચિત કરે છે કે ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ જેવી મહાન વિભૂતિઓ ક્યારે તેમનાં અંતને પ્રાપ્ત કરશે. તે અર્જુનના યુદ્ધમાં સહયોગ વિના શત્રુના સજ્જ સૈન્યને રણભૂમિમાં નષ્ટ કરી દેશે, કારણ કે સમગ્ર વિશ્વ માટેની બૃહદ્દ યોજના અંતર્ગત એક ભાગરૂપે આમ થવું એ ભગવાનની ઈચ્છા છે. જો યોદ્ધાઓ મૃતક સમાન જ છે, તો પછી શા માટે અર્જુને યુદ્ધ કરવું જોઈએ? શ્રીકૃષ્ણ આગામી શ્લોકમાં આનો ઉત્તર આપે છે.