તસ્માત્પ્રણમ્ય પ્રણિધાય કાયં
પ્રસાદયે ત્વામહમીશમીડ્યમ્ ।
પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ
પ્રિયઃ પ્રિયાયાર્હસિ દેવ સોઢુમ્ ॥ ૪૪॥
તસ્માત્—તેથી; પ્રણમ્ય—પ્રણામ કરીને; પ્રણિધાય—નમન કરીને; કાયમ્—શરીર; પ્રસાદયે—કૃપાયાચના કરું છું; ત્વામ્—આપના; અહમ્—હું; ઈશમ્—પરમેશ્વર; ઈડ્યમ્—પ્રશંસનીય; પિતા—પિતા; ઈવ—જેમ; પુત્રસ્ય—પુત્રના; સખા—મિત્ર; ઈવ—જેમ; સખ્યુ:—મિત્ર સાથે; પ્રિય:—પ્રેમી; પ્રિયાયા:—પ્રિયતમ સાથે; અર્હસિ—આપે કરવા યોગ્ય છે; દેવ—ભગવાન; સોઢુમ્—ક્ષમા.
Translation
BG 11.44: તેથી, હે પૂજનીય પ્રભુ! પૂર્ણ રીતે નત મસ્તક થઈને તથા સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને હું આપની પાસે આપની કૃપાની યાચના કરું છું. જેમ એક પિતા તેના પુત્રને સહન કરે છે, એક મિત્ર તેના મિત્રને માફ કરી દે છે અને પ્રિયતમ તેના પ્રિયજનને ક્ષમા કરી દે છે, તેમ કૃપા કરીને મારા અપરાધો માટે મને ક્ષમા કરો.
Commentary
પોતાના વ્યવહારને ભગવાન પ્રત્યે અપરાધ સમજીને અર્જુન તેમની ક્ષમા યાચના કરે છે. શ્રીકૃષ્ણ સાથે આંતરક્રિયાના સમયે—રમતાં, ભોજન લેતાં, ઉપહાસ કરતાં, વાર્તાલાપ કરતાં અને વિશ્રામ કરતાં—તેણે એક પરમ સર્વ-શક્તિમાન પ્રત્યે જે ઉચિત આદર દર્શાવવો જોઈએ, તે દર્શાવ્યો નથી. પરંતુ, જયારે કોઈ અન્ય વ્યક્તિ સાથે ઉચ્ચ કક્ષાની અંતરંગતા ધરાવતું હોય, ત્યારે આવા ઉલ્લંઘનો પ્રત્યે કોઈ ધ્યાન આપતું નથી. કોઈપણ સરકારી અધિકારીને રાષ્ટ્રપતિ સાથે મજાક કરવાનો અધિકાર નથી. છતાં, રાષ્ટ્રપતિનો મિત્ર તેને તંગ કરે છે, મજાક કરે છે અને ઠપકો પણ આપે છે. રાષ્ટ્રપતિ તેને મન પર લેતા નથી. તેનાથી વિપરીત, તે તો અંતરંગ મિત્રના આવા ઉપહાસોને પોતાને અધીનસ્થ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થતા આદરથી અધિક મૂલ્ય આપે છે. હજારો લોકો સેનાના વડાને સલામ ભરતા હોય છે પરંતુ તેમને તેઓ એટલા પ્રિય હોતા નથી જેટલી હૃદયથી તેમને તેમની પત્ની પ્રિય હોય છે, જે તેમની સાથે અંગત રીતે બેઠી હોય છે. એ જ પ્રમાણે, અર્જુનનો શ્રીકૃષ્ણ સાથેનો વ્યવહાર એ ઉદ્દંડતા ન હતી પરંતુ મિત્ર તરીકેની પ્રેમાળ ભાવનાઓની ચેષ્ટાઓ હતી. છતાં, ભક્ત સ્વભાવગત વિનમ્ર હોય છે અને તે વિનમ્રતાને કારણે તે માને છે કે તેણે અપરાધ કર્યો છે અને તેથી ક્ષમા પ્રાર્થે છે.