ત્વમાદિદેવઃ પુરુષઃ પુરાણ-
સ્ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્ ।
વેત્તાસિ વેદ્યં ચ પરં ચ ધામ
ત્વયા તતં વિશ્વમનન્તરૂપ ॥ ૩૮॥
ત્વમ્—આપ; આદિ-દેવ:—આદ્ય દિવ્ય પરમેશ્વર; પુરુષ:—મહાપુરુષ; પુરાણ:—પુરાતન; ત્વમ્—આપ; અસ્ય—આ; વિશ્વસ્ય—વિશ્વના; પરમ્—સર્વોપરી; નિધાનમ્—આશ્રય સ્થાન; વેત્તા—જાણનાર; અસિ—તમે છો; વેદ્યમ્—જાણવા યોગ્ય; ચ—અને; પરમ્—સર્વોપરી; ચ—અને; ધામ—લોક; ત્વયા—આપ દ્વારા; તતમ્—વ્યાપ્ત; વિશ્વમ્—વિશ્વ; અનન્ત-રૂપ—અનંતરૂપ ધારણ કરનાર.
Translation
BG 11.38: આપ આદ્ય પરમેશ્વર તથા સનાતન દિવ્ય વિભૂતિ છો; આપ આ બ્રહ્માંડના એકમાત્ર આશ્રય સ્થાન છો. આપ સર્વજ્ઞાતા તથા સર્વજ્ઞેય બંને છો; આપ પરમ ધામ છો. હે અનંત રૂપો ધારણ કરનારા! એકમાત્ર આપ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છો.
Commentary
અર્જુન શ્રીકૃષ્ણને આદ્ય દિવ્ય વિભૂતિ, સર્વ કારણોનું કારણ તરીકે સંબોધન કરે છે. પ્રત્યેક પદાર્થ અને વ્યક્તિનું કારણ હોય છે જેનાથી તેમની ઉત્પત્તિ થાય છે. ભગવાન વિષ્ણુનું પણ કારણ છે. યદ્યપિ તેઓ પણ ભગવાનનું સ્વરૂપ જ છે, તથાપિ તેઓ શ્રીકૃષ્ણનું વિસ્તરણ છે. પરંતુ, શ્રીકૃષ્ણ કોઈપણ વિભૂતિનું વિસ્તરણ નથી. તેઓ કારણરહિત અને વિદ્યમાન સર્વનું પ્રથમ કારણ છે. તેથી, બ્રહ્મા તેમની સ્તુતિ કરે છે:
ઈશ્વરઃ પરમઃ કૃષ્ણઃ સચ્ચિદાનન્દ વિગ્રહઃ
અનાદિરાદિર્ ગોવિન્દઃ સર્વ કારણ કારણમ્ (બ્રહ્મ સંહિતા ૫.૧)
“શ્રીકૃષ્ણ પરમેશ્વરનું આદિ સ્વરૂપ છે. તેમનું વ્યક્તિત્વ જ્ઞાન તથા આનંદથી પરિપૂર્ણ છે. તેઓ સર્વનું મૂળ છે પરંતુ તેઓ સ્વયં કારણરહિત છે. તેઓ સર્વ કારણનું કારણ છે.”
શ્રીકૃષ્ણ સર્વજ્ઞ છે—સર્વના જાણકાર. વળી, તેઓ સર્વ જ્ઞાનનો વિષય પણ છે. શ્રીમદ્દ ભાગવતમ્ વર્ણન કરે છે: સા વિદ્યા તન્મતિર્યયા “વાસ્તવિક જ્ઞાન એ છે કે જે ભગવાનને જાણવામાં સહાય કરે.” જગદ્દગુરુ શ્રી કૃપાલુજી મહારાજ વર્ણન કરે છે:
જો હરિ સેવા હેતુ હો, સોઈ કર્મ બખાન
જો હરિ ભગતિ બઢાવે, સોઈ સમુઝિય જ્ઞાન (ભક્તિ શતક દોહા ૬૬)
“જે કાર્ય હરિ સેવા માટે કરવામાં આવે, તેને જ વાસ્તવિક કર્મ જાણ. જે જ્ઞાન આપણા ભગવાન પ્રત્યેના પ્રેમમાં વૃદ્ધિ કરે તે વાસ્તવિક જ્ઞાન છે.” તેથી, શ્રીકૃષ્ણ બંને જ્ઞાતા અને જ્ઞાનનો વિષય પણ છે.