સખેતિ મત્વા પ્રસભં યદુક્તં
હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ ।
અજાનતા મહિમાનં તવેદં
મયા પ્રમાદાત્પ્રણયેન વાપિ ॥ ૪૧॥
યચ્ચાવહાસાર્થમસત્કૃતોઽસિ
વિહારશય્યાસનભોજનેષુ ।
એકોઽથવાપ્યચ્યુત તત્સમક્ષં
તત્ક્ષામયે ત્વામહમપ્રમેયમ્ ॥ ૪૨॥
સખા—મિત્ર; ઈતિ—તરીકે; મત્વા—માનીને; પ્રસભમ્—ગુમાનથી; યત્—જે કંઈ; ઉક્તમ્—સંબોધ્યું; હે કૃષ્ણ—હે શ્રીકૃષ્ણ; હે યાદવ—હે શ્રીકૃષ્ણ, જેમનો જન્મ યદુવંશમાં થયો હતો; હે સખે—હે મારા પ્રિય મિત્ર; ઈતિ—આ રીતે; અજાનતા—અજ્ઞાનવશ; મહિમાનમ્—મહિમા; તવ—આપનો; ઈદમ્—આ; મયા—મારા વડે; પ્રમાદાત્—બેદરકારીથી; પ્રણયેન્—પ્રેમવશ; વા અપિ—અથવા તો; યત્—જે કંઈ; ચ—પણ; અવહાસ-અર્થમ્—ઉપહાસપૂર્વક; અસત્-કૃત:—અનાદર યુક્ત; અસિ—છે; વિહાર—રમતમાં; શય્યા—આરામ સમયે; આસન—બેસવામાં; ભોજનેષુ—ભોજન સમયે; એક:—એકાંતમાં; અથવા—અથવા; અપિ—પણ; અચ્યુત—શ્રીકૃષ્ણ, અચળ; તત્-સમક્ષમ્—અન્યની સામે; તત્—તે સર્વ; ક્ષામયે—ક્ષમા પ્રાર્થી છું; અહમ્—હું; અપ્રમેયમ્—અમાપ.
Translation
BG 11.41-42: આપને મારા મિત્ર માનીને, મેં આપને ‘હે કૃષ્ણ’, ‘હે યાદવ’, ‘હે મારા પ્રિય મિત્ર’ કહીને સંબોધ્યાં છે. મેં આપની પ્રતિભાથી અજાણ રહીને, લાપરવાહી અને અનુચિત પ્રેમ દર્શાવ્યો છે. અને જો, મૂર્ખામીથી મેં વિનોદમાં, વિશ્રામ સમયે, સાથે બેઠા હોઈએ ત્યારે, ભોજન સમયે, એકાંતમાં, અથવા અન્યની સમક્ષ આપનો અનાદર કર્યો છે તો તે સર્વ અપરાધો માટે હું આપનો ક્ષમાપ્રાર્થી છું.
Commentary
ભગવાનની અદ્વિતીય સર્વોપરિતા ઘોષિત કરતાં સર્વ શાસ્ત્રો વર્ણન કરે છે:
અહમેવાસમેવાગ્રે નાન્યત્ કિઞ્ચાન્તરં બહિઃ (ભાગવતમ્ ૬.૪.૪૭)
“હું, પરમ પ્રભુ સર્વ અસ્તિત્વમાનમાં નિવાસ કરું છું. મારાથી અધિક તથા મારાથી ઉચ્ચતર કંઈ નથી.”
ત્વમોમ્કારઃ પરાત્પરઃ (વાલ્મીકિ રામાયણ)
“આદિ ધ્વનિ “ઓમ”કાર એ આપનું પ્રાગટય છે. આપ મહાનતમથી પણ મહાનતમ છો.”
વાસુદેવઃ પરઃ પ્રભુઃ (નારદ પંચરાત્ર)
“શ્રીકૃષ્ણ એ સર્વોચ્ચ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે.”
ન દેવઃ કેશવાત્ પરઃ (નારદ પુરાણ)
“ભગવાન શ્રીકૃષ્ણથી ઉચ્ચ અન્ય કોઈ ભગવાન નથી.”
વિદ્યાત્તં પુરુષં પરમ્ (મનુ સ્મૃતિ ૧૨.૧૨૨)
“ભગવાન સર્વ વિદ્યમાનમાં સર્વોચ્ચ તથા પરમ વિભૂતિ છે.”
પરંતુ, પૂર્વે જણાવ્યા મુજબ, (શ્લોક ૧૧.૨૪ના ભાષ્યમાં) જયારે પ્રેમ પ્રગાઢ થઇ જાય છે ત્યારે તે પ્રિયજનને પ્રિયતમની ઔપચારિક અવસ્થાની વિસ્મૃતિ કરાવી દે છે. આમ,શ્રીકૃષ્ણ પ્રત્યેના અતિ પ્રગાઢ પ્રેમમાં અર્જુને આનંદમાં નિમગ્ન થઈને તેમની સર્વોપરિતા ભૂલીને તેમની સાથે અનેક અંતરંગ અવિસ્મરણીય ક્ષણો વ્યતીત કરી હતી.
ભગવાનના વિશ્વરૂપના દર્શન કરીને અર્જુન હવે એ જાણીને કષ્ટ અનુભવે છે કે શ્રીકૃષ્ણ તેના કેવળ મિત્ર અને ખભે-ખભા મિલાવીને ફરતા અંતરંગ સખા જ નથી પરંતુ પરમ પૂર્ણ દિવ્ય વિભૂતિ પણ છે, જેમની દેવતાઓ, ગંધર્વો, સિદ્ધો વગેરે પવિત્ર ભાવથી પૂજા કરે છે. આમ, દુ:સાહસપૂર્વક શ્રીકૃષ્ણને કેવળ પોતાના મિત્ર માનીને પોતે તેમનો અનાદર કર્યો છે, એવું વિચારીને અર્જુન ખેદ અનુભવે છે. જે લોકો પ્રતિષ્ઠિત કે પૂજ્ય હોય તેમનાં પ્રત્યે આદર પ્રગટ કરવા તેમને નામથી સંબોધન પણ કરવામાં આવતું નથી. અર્જુન ચિંતિત છે કે તેની અતિ પરિચિતતાને કારણે તેણે પોતાને ભગવાનનાં સમકક્ષ પદ પર મૂકીને અવિચારી રીતે તેમને ‘મારા મિત્ર’, ‘મારા પ્રિય સખા’ અને ‘હે કૃષ્ણ’ જેવાં પ્રેમયુક્ત સંબોધનોથી સંબોધ્યા હતાં. તેથી, તે શ્રીકૃષ્ણની દિવ્યતાના વિસ્મરણથી જે કંઈ કર્યું છે, તે માટે ક્ષમાની પ્રાર્થના કરે છે.