Bhagavad Gita: Chapter 11, Verse 28-29

યથા નદીનાં બહવોઽમ્બુવેગાઃ
સમુદ્રમેવાભિમુખા દ્રવન્તિ ।
તથા તવામી નરલોકવીરા
વિશન્તિ વક્ત્રાણ્યભિવિજ્વલન્તિ ॥ ૨૮॥
યથા પ્રદીપ્તં જ્વલનં પતઙ્ગા
વિશન્તિ નાશાય સમૃદ્ધવેગાઃ ।
તથૈવ નાશાય વિશન્તિ લોકા-
સ્તવાપિ વક્ત્રાણિ સમૃદ્ધવેગાઃ ॥ ૨૯॥

યથા—જેમ; નદીનામ્—નદીઓનાં; બહવ:—ઘણાં; અંબુ-વેગા:—જળના તરંગો; સમુદ્રમ્—સાગર; એવ—ખરેખર; અભિમુખા:—ની તરફ; દ્રવન્તિ—ગતિથી વહેવું; તથા—તેવી રીતે; તવ—આપના; અમી—આ; નર-લોક-વીરા:—મનુષ્યોના રાજા; વિશન્તિ—પ્રવેશ; વક્ત્રાણિ—મુખો; અભિવિજ્વલન્તિ—પ્રજ્વલિત; યથા—જેમ; પ્રદીપ્તમ્—પ્રજ્વલિત; જ્વલનમ્—અગ્નિ; પતંગા:—પતંગિયા; વિશન્તિ—પ્રવેશ; નાશય—નષ્ટ થવા; સમૃદ્ધ વેગા:—તીવ્ર ગતિથી; તથા એવ—તેમજ; નાશાય—નષ્ટ થવા; વિશન્તિ—પ્રવેશ; લોકા:—સર્વ મનુષ્યો; તવ—આપના; અપિ—પણ; વક્ત્રાણિ—મુખો; સમૃદ્ધ-વેગા:—તીવ્ર ગતિથી.

Translation

BG 11.28-29: જે પ્રમાણે નદીનાં અનેક પ્રવાહિત તરંગો તીવ્ર ગતિ સાથે સમુદ્રમાં પ્રવેશ કરે છે તેવી રીતે આ મહાન યોદ્ધાઓ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે. જેમ પતંગિયાં તીવ્ર વેગથી અગ્નિમાં નષ્ટ થવા ધસી જાય છે, તેમ આ મહાન સૈનિકો તીવ્ર ગતિથી આપના મુખોમાં પ્રવેશી રહ્યા છે.

Commentary

યુદ્ધમાં અનેક ઉમદા રાજાઓ અને યોદ્ધાઓ હતા જેઓ તેમના ઉત્તરદાયિત્ત્વ તરીકે લડીને રણભૂમિમાં પોતાના પ્રાણ ત્યાગતા હતા. અર્જુન તેમની તુલના સમુદ્રમાં સ્વેચ્છાથી વિલીન થતાં નદીનાં તરંગો સાથે કરે છે. અન્ય અનેક એવા પણ હતા, જેઓ લોભ અને સ્વાર્થ માટે લડતા હતા. અર્જુન તેમની તુલના ભસ્મ કરી દેતી અગ્નિમાં લાલચને કારણે ભસ્મ થતાં અજ્ઞાનવશ પતંગિયાં સાથે કરે છે. પરંતુ બંને સ્થિતિમાં, તેઓ તીવ્ર ગતિથી તેમનાં નિકટવર્તી મૃત્યુ તરફ કૂચ કરી રહ્યા છે.