Bhagavad Gita: Chapter 11, Verse 19

અનાદિમધ્યાન્તમનન્તવીર્ય-
મનન્તબાહું શશિસૂર્યનેત્રમ્ ।
પશ્યામિ ત્વાં દીપ્તહુતાશવક્ત્રં
સ્વતેજસા વિશ્વમિદં તપન્તમ્ ॥ ૧૯॥

અનાદિ-મધ્ય-અંતમ્—આદિ, મધ્ય અથવા અંતરહિત; અનન્ત—અસીમ; વીર્યમ્—શક્તિ; અનન્ત—અપાર; બાહુમ્—ભુજાઓ; શશિ—ચંદ્ર; સૂર્ય—સૂર્ય; નેત્રમ્—આંખો; પશ્યામિ—હું જોઉં છું; ત્વામ્—આપને; દીપ્ત—પ્રજ્વલિત; હુતાશ—નીકળી રહેલા; વક્ત્રમ્—આપનાં મુખમાંથી; સ્વ-તેજસા—આપનાં તેજ દ્વારા; વિશ્વમ્—બ્રહ્માંડ; ઈદમ્—આ; તપન્તમ્—તપાવી રહેલા.

Translation

BG 11.19: આપ આદિ, મધ્ય અથવા અંતથી રહિત છો; આપની શક્તિની કોઈ સીમા નથી. આપની ભુજાઓ અનંત છે; સૂર્ય તથા ચંદ્ર આપના નેત્રો સમાન છે અને અગ્નિ આપના મુખ સમાન છે. હું આપના સ્વયંના તેજથી સમગ્ર બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું.

Commentary

છઠ્ઠા શ્લોકમાં અર્જુને કહ્યું હતું કે ભગવાનનું વિશ્વરૂપ આદિ, મધ્ય અથવા અંતથી રહિત છે. તે જે જોઈ રહ્યો છે તેની ઉત્તેજનાથી યુક્ત થઈને તે આ જ વિષયનું ત્રણ જ શ્લોક પશ્ચાત્ પુનરાવર્તન કરે છે. જો કોઈ વિધાનનું આશ્ચર્યવશ પુન: પુન: ઉચ્ચારણ કરવામાં આવે તો તેને સાહિત્યિક ત્રુટિ નહીં, પરંતુ આશ્ચર્યની અભિવ્યક્તિ ગણવામાં આવે છે. ઉદાહરણાર્થ, સાપને જોઈને કોઈ “જુઓ, સાપ! સાપ! સાપ!” એમ બૂમો પડે છે. એ જ પ્રમાણે, અર્જુન તેના શબ્દોનું આશ્ચર્યચકિત થઈને પુનરાવર્તન કરે છે.

વાસ્તવમાં, ભગવાન આદિ, મધ્ય તથા અંતથી રહિત છે. તેનું કારણ એ છે કે સમય, આકાશ, કાર્ય-કારણ સર્વ તેમની અંતર્ગત છે. તેથી તેઓ તેમની સીમાના માપથી પર છે. આકાશ, સમય તથા કાર્ય-કારણના સંબંધમાં તેઓ સમાયેલા નથી. ઉપરાંત, સૂર્ય, ચંદ્ર તથા તારાઓ ભગવાનમાંથી તેમની શક્તિ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે, તેઓ જ છે જે આ તત્ત્વો દ્વારા સંપૂર્ણ બ્રહ્માંડને ગરમી પ્રદાન કરે છે.