કિરીટિનં ગદિનં ચક્રહસ્તં
ઇચ્છામિ ત્વાં દ્રષ્ટુમહં તથૈવ ।
તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન
સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે ॥ ૪૬॥
કિરીટીનમ્—મુકુટ ધારણ કરેલા; ગદિનમ્—ગદાધારી; ચક્ર-હસ્તમ્—ચક્રધારી; ઈચ્છામિ—ઈચ્છું છું; ત્વામ્—આપને; દ્રષ્ટુમ્—જોવા; અહમ્—હું; તથા એવ—એ જ પ્રમાણે; તેન એવ—તેમાં જ; રૂપેણ—રૂપમાં; ચતુ:-ભુજેન—ચતુર્ભુજ; સહસ્ર બાહો—હજાર હાથોવાળા; ભવ—થઇ જાઓ; વિશ્વ-મૂર્તે—વિશ્વરૂપ.
Translation
BG 11.46: હે સહસ્ર હાથોવાળા! યદ્યપિ આપ સર્વ સર્જનનાં મૂર્તિમાન સ્વરૂપ છો, તથાપિ હું આપને આપના ગદા અને ચક્રધારી તેમજ મુકુટ ધારણ કરેલા ચતુર્ભુજ રૂપમાં જોવા ઈચ્છું છું.
Commentary
શ્રીકૃષ્ણની વિશેષ કૃપાથી અર્જુનને વિશ્વરૂપના દર્શન કરાવવામાં આવ્યા, જે સરળતાથી કોઈ જોઈ શકતું નથી. અર્જુનને અનુભૂતિ થઈ કે શ્રીકૃષ્ણ કેવળ એક મિત્રથી અત્યાધિક વિશેષ છે. તેમનાં દિવ્ય વ્યક્તિત્ત્વમાં અનંત બ્રહ્માંડો સમાવિષ્ટ છે. છતાં, તે ભગવાનનાં અનંત ઐશ્વર્યથી આકર્ષિત થયો નહિ અને તેને સર્વ શક્તિમાન ભગવાનની ઐશ્વર્ય ભક્તિ કરવામાં રૂચિ પણ ન હતી. તે તો એ સર્વ શક્તિમાન ભગવાનને માનવીય સ્વરૂપમાં જોવાનું પસંદ કરતો હતો કે જેથી તેમની સાથે મૈત્રીપૂર્ણ સંબંધથી જોડાઈ શકે. શ્રીકૃષ્ણને ‘સહસ્રબાહો’ અર્થાત્ હજાર હાથોવાળા તરીકે સંબોધન કરીને, અર્જુન હવે તેમને ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવવા સ્પષ્ટપણે વિનંતી કરે છે.
એક અન્ય અવસરે શ્રીકૃષ્ણ અર્જુન સમક્ષ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા હતા. જયારે દ્રૌપદીનાં પાંચ પુત્રોના હત્યારા અશ્વત્થામાને બાંધીને અર્જુન તેની સમક્ષ લઈ આવ્યો, ત્યારે શ્રીકૃષ્ણે સ્વયંને ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ કર્યા હતા.
નિશમ્ય ભીમગદિતં દ્રૌપદ્યાશ્ ચ ચતુર્ભુજઃ
આલોક્ય વદનં સખ્યુરિદમાહ હસન્નિવ (શ્રીમદ્દ ભાગવતમ્ ૧.૭.૫૨)
“ચતુર્ભુજ શ્રીકૃષ્ણે ભીમ, દ્રૌપદી તથા અન્યનાં કથનો સાંભળ્યા. પશ્ચાત્ તેમણે તેમના મિત્ર અર્જુન સમક્ષ જોયું અને સ્મિત કર્યું.” શ્રીકૃષ્ણને તેમનાં ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રગટ થવાની પ્રાર્થના કરીને અર્જુન એ પણ સુનિશ્ચિત કરે છે કે ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ તેમનાં દ્વિભુજ સ્વરૂપથી અભિન્ન છે.