Bhagavad Gita: Chapter 11, Verse 52-53

શ્રીભગવાનુવાચ ।
સુદુર્દર્શમિદં રૂપં દૃષ્ટવાનસિ યન્મમ ।
દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યં દર્શનકાઙ્ક્ષિણઃ ॥ ૫૨॥
નાહં વેદૈર્ન તપસા ન દાનેન ન ચેજ્યયા ।
શક્ય એવંવિધો દ્રષ્ટું દૃષ્ટવાનસિ માં યથા ॥ ૫૩॥

શ્રી ભગવાન્ ઉવાચ—શ્રી ભગવાન બોલ્યા; સુ-દુર્દર્શમ્—જોવા માટે અત્યંત દુર્લભ; ઈદમ્—આ; રૂપમ્—રૂપ; દૃષ્ટ્વાન અસિ—જે તું જોવે છે; યત્—જે; મમ—મારું; દેવા:—સ્વર્ગીય દેવો; અપિ—પણ; અસ્ય—આ; રૂપસ્ય—રૂપનાં; નિત્યમ્—સદા; દર્શન-કાંક્ષિણ:—દર્શનોત્સુક; ન—કદાપિ નહીં; અહમ્—હું; વેદૈ:—વેદાધ્યયનથી; ન—કદાપિ નહીં; તપસા—કઠોર તપશ્ચર્યા દ્વારા; ન—કદાપિ નહીં; દાનેન—દાન દ્વારા; ન—કદાપિ નહીં; ચ—પણ; ઈજ્યયા—પૂજા દ્વારા; શક્ય:—શક્ય છે; એવમ્-વિધ:—એવી રીતે; દ્રષ્ટુમ્—જોવા માટે; દૃષ્ટ્વાન્—જોઈ રહેલા; અસિ—તું છે; મામ્—મને; યથા—જેમ.

Translation

BG 11.52-53: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેનાં દર્શન અતિ દુર્લભ છે. સ્વર્ગનાં દેવતાઓ પણ તેનાં દર્શન કરવા માટે આતુર હોય છે. મારું જે રૂપ તે જોયું છે તે ન તો વેદોનાં અધ્યયનથી કે ન તો તપ, દાન કે હોમ-હવનથી પણ જોઈ શકાય છે.

Commentary

અર્જુનને વિશ્વરૂપના દર્શન કરાવીને તથા તેનાં સિવાય અન્ય માટે તે દુર્લભ છે એવી પ્રશંસા કરીને શ્રીકૃષ્ણ સ્વયંના ભગવાન તરીકેનાં સાકાર સ્વરૂપ માટેના અર્જુનનાં પ્રેમને શિથિલ કરવા ઈચ્છતા નથી. તેથી, શ્રીકૃષ્ણ કહે છે કે અર્જુન ભગવાનનું જે રૂપ જોઈ રહ્યો છે તે અત્યંત દુર્લભ છે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે જે સ્વરૂપમાં તેઓ અર્જુન સમક્ષ ઉપસ્થિત છે તે ભગવાનના દ્વિભુજ સ્વરૂપના સાક્ષાત્કારની ઝંખના સ્વર્ગીય દેવોને પણ હોય છે. આ દર્શન કોઈ વેદોનાં અધ્યયનથી, તપશ્ચર્યાઓથી કે યજ્ઞોથી સંભવ નથી. આધ્યાત્મિકતાનો મુખ્ય સિદ્ધાંત એ છે કે ભગવાનને કોઈ વ્યક્તિનાં સ્વ-પ્રયાસો કે સામર્થ્યથી જાણી શકાતા નથી. પરંતુ, જે લોકો તેમની ભક્તિ કરે છે, તેઓ તેમની કૃપાનાં પાત્ર બને છે. પશ્ચાત્, ભગવાનની કૃપા દ્વારા તેઓ સરળતાથી તેમને જાણી શકે છે.

મુન્ડકોપનિષદ્ વર્ણન કરે છે:

નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન (૩.૨.૩)

“ભગવાનને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા કે બુદ્ધિ દ્વારા જાણી શકતા નથી; કે ન તો તેમને વિવિધ પ્રકારના ઉપદેશોનું શ્રવણ કરીને જાણી શકાય છે.” જો આમાંથી કોઈપણ સાધન દ્વારા ભગવાનને તેમનાં સાકાર સ્વરૂપમાં જાણી શકાતા નથી, તો તેમને આ સ્વરૂપમાં કેવી રીતે જોઈ શકાય? તેઓ હવે આ રહસ્યોદ્ઘાટન કરે છે.