પઞ્ચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે ।
સાઙ્ખ્યે કૃતાન્તે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણામ્ ॥ ૧૩॥
પંચ—પાંચ; એતાનિ—આ; મહા-બાહો—બળવાન ભુજાઓવાળા; કારણાનિ—કારણો; નિબોધ—સાંભળ; મે—મારા દ્વારા; સાંખ્યે—સાંખ્યના; કૃત-અન્તે—કર્મના પ્રતિક્રિયાઓની અટક; પ્રોક્તાનિ—કહેલું; સિદ્ધયે—સિદ્ધિ માટે; સર્વ—સર્વ; કર્માણામ્—કર્મોના.
Translation
BG 18.13: હે અર્જુન, હવે સર્વ કર્મોની સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતમાં ઉલ્લેખિત પાંચ તત્ત્વો અંગેનું મારી પાસે શ્રવણ કર, જે કર્મોના પ્રતિભાવો કેવી રીતે રોકવા તે અંગે સ્પષ્ટતા કરે છે.
Commentary
ફળ પ્રત્યે આસક્ત થયા વિના કર્મોનું પાલન કરવું જોઈએ, એ જાણ્યા પશ્ચાત્ સ્વાભાવિક રીતે એ પ્રશ્ન ઉપસ્થિત થાય: “કર્મનું બંધારણ કેવી રીતે થાય છે?” શ્રીકૃષ્ણ અર્જુન સમક્ષ ઘોષિત કરે છે કે તેઓ હવે આ પ્રશ્ન અંગે વ્યાખ્યા કરવા જઈ રહ્યા છે કારણ કે આ જ્ઞાન કર્મોનાં ફળ પ્રત્યે અનાસક્તિનો વિકાસ કરવામાં સહાય કરશે. સાથે-સાથે તેઓ એ પણ સ્પષ્ટતા કરે છે કે કર્મોનાં પાંચ અંગોનું વર્ણન એ નવીન વિશ્લેષણ નથી, પરંતુ આ પૂર્વે તે અંગે સાંખ્ય તત્ત્વદર્શનમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. સાંખ્યદર્શન મહર્ષિ કપિલ દ્વારા સ્થાપિત તત્ત્વદર્શનનો નિર્દેશ કરે છે જેઓ ભગવાનના અવતાર હતા તથા કર્દમ મુનિ અને દેવહુતિના સંતાન સ્વરૂપે પૃથ્વી પર અવતરિત થયા હતા. તેમણે પ્રસ્થાપિત કરેલ સાંખ્ય તત્ત્વદર્શન વિશ્લેષણાત્મક તર્કસંગતતાની પ્રણાલી પર આધારિત છે. તે સંસારનાં તથા શરીરનાં અંતર્ગત તત્ત્વોનાં વિશ્લેષણ દ્વારા સ્વના જ્ઞાનનો વિકાસ કરે છે. તે કર્મોનાં તત્ત્વોનાં વિશ્લેષણ દ્વારા કાર્ય-કારણની પ્રકૃતિને પણ સુનિશ્ચિત કરે છે.