Bhagavad Gita: Chapter 18, Verse 5

યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ ।
યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્ ॥ ૫॥

યજ્ઞ—યજ્ઞ; દાન—દાન; તપ:—તપ; કર્મ—કર્મ; ન—કદાપિ નહીં; ત્યાજ્યમ્—ત્યજવા યોગ્ય; કાર્યમ્ એવ—અવશ્ય કરવા જોઈએ; તત્—તે; યજ્ઞ:—યજ્ઞ; દાનમ્—દાન; તપ:—તપ; ચ—અને; એવ—વાસ્તવમાં; પાવનાનિ—શુદ્ધ કરનારા; મનીષિણામ્—વિદ્વાનો માટે.

Translation

BG 18.5: યજ્ઞ, દાન અને તપને આધારિત કાર્યોનો કદાપિ પરિત્યાગ કરવો જોઈએ નહીં; તેમનું અવશ્ય પાલન થવું જોઈએ. વાસ્તવમાં, યજ્ઞ, દાન અને તપના કાર્યો મહાત્માઓને પણ શુદ્ધ કરનારા છે.

Commentary

અહીં શ્રીકૃષ્ણ તેમના નિર્ણયનો ઉદ્ઘોષ કરે છે કે આપણી ઉન્નતિ કરનારા તથા માનવજાતિ માટે કલ્યાણકારી કાર્યોનો આપણે કદાપિ ત્યાગ કરવો જોઈએ નહીં. આવા કાર્યો જો સુયોગ્ય ચેતના સાથે કરવામાં આવે તો આપણને બંધનકારક બનતા નથી, પરંતુ તેનાથી વિપરીત આપણને આધ્યાત્મિક રીતે ઉન્નત થવામાં સહાયરૂપ થાય છે. આ માટે ઈયળનું ઉદાહરણ લઈ શકાય. પોતાના કાયાંતરણ માટે તે એક કોશેટો કાંતે છે. ઉત્ક્રાંતિના સોપાન તરીકે તેમાં બંધાઈ જાય છે. જયારે તે પતંગિયું બની જાય છે ત્યારે તે કોશેટોને તોડીને આકાશમાં ઊંચું ઉડી જાય છે. આ વિશ્વમાં આપણું સ્થાન આ પતંગિયા જેવું જ છે. એક કુરૂપ ઈયળની જેમ, વર્તમાનમાં આપણે આ વિશ્વ પ્રત્યે આસક્ત છીએ અને ઉમદા ગુણોથી વંચિત છીએ. સ્વ-ઘડતર તથા સ્વ-શિક્ષણના ભાગરૂપે આપણે એવા કાર્યો કરવાની આવશ્યકતા છે કે જે આપણે ઈચ્છીએ છીએ એવા આંતરિક પરિવર્તનનું આહ્વાન કરે. યજ્ઞ, દાન અને તપ એવાં કાર્યો છે કે જે આપણી આધ્યાત્મિક ઉન્નતિ તથા પ્રગતિમાં સહાય કરે છે. કોઈ સમયે એવું પણ લાગે કે તે આપણા માટે બંધનકર્તા છે પરંતુ તે ઈયળના કોશેટો સમાન છે. તેઓ આપણી અશુદ્ધતાને ઓગાળીને આપણને આંતરિક રીતે સુંદર બનાવે છે તથા પૃથ્વીલોકના જીવનની બેડીઓને તોડવામાં અસરકારક રીતે સહાય કરે છે. તેથી, શ્રીકૃષ્ણ આ શ્લોકમાં ઉપદેશ આપે છે કે આવી માંગલિક પ્રવૃત્તિઓનો ત્યાગ કદાપિ ન જ કરવો જોઈએ. આ કાર્યોના પાલન અંગે સુયોગ્ય વૃત્તિનું વર્ણન કરીને હવે તેઓ તેમના નિવેદનને સાર્થકતા બક્ષે છે.