Bhagavad Gita: Chapter 18, Verse 37

યત્તદગ્રે વિષમિવ પરિણામેઽમૃતોપમમ્ ।
તત્સુખં સાત્ત્વિકં પ્રોક્તમાત્મબુદ્ધિપ્રસાદજમ્ ॥ ૩૭॥

યત્—જે; તત્—તે; અગ્રે—આરંભમાં; વિષમ્ ઈવ—વિષ સમાન; પરિણામે—અંતમાં; અમૃત-ઉપમમ્—અમૃત સમાન; તત્—તે; સુખમ્—સુખ; સાત્ત્વિકમ્—સત્ત્વગુણી; પ્રોક્તમ્—કહેવાયું છે; આત્મ-બુદ્ધિ—આત્મજ્ઞાનમાં સ્થિત; પ્રસાદ-જમ્—વિશુદ્ધ બુદ્ધિથી ઉત્પન્ન.

Translation

BG 18.37: જે પ્રથમ વિષ સમાન લાગે છે પરંતુ અંતે અમૃત સમાન લાગે છે, તેને સાત્ત્વિક સુખ કહેવામાં આવે છે. તે વિશુદ્ધ બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે, જે આત્મજ્ઞાનમાં સ્થિત હોય છે.

Commentary

આમળા એ ઉત્તમ આહારમાંથી એક છે, જે સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયક છે. એક આમળામાં ૧૦ સંતરાથી અધિક વિટામીન C હોય છે. પરંતુ તેના તૂરા સ્વાદને કારણે બાળકો તેને પસંદ કરતા નથી. ઉત્તર ભારતમાં માતા-પિતા તેમનાં બાળકોને તેનું સેવન કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને કહે છે:  "આમલે કા ખાયા ઔર બડોં કા કહા, બાદ મેં પતા ચલતા હૈ”   “આમળા ખાવાનો તથા વડીલોની સલાહનો—બંનેના લાભનો અનુભવ ભવિષ્યમાં જ્ઞાત થાય છે.” રસપ્રદ વાત એ છે કે આમળા ખાધા પછી, થોડી જ ક્ષણોમાં તેના તૂરા સ્વાદના સ્થાને મધુર સ્વાદનો અનુભવ થાય છે. વળી, પ્રાકૃતિક વિટામીન Cનું સેવન કરવાના લાભ તો નિ:સંદેહ અનેક છે. ઉપરોક્ત શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે સત્ત્વગુણી સુખની પ્રકૃતિ પણ આ સમાન જ હોય છે; તે થોડા સમય માટે કડવી લાગે છે, પરંતુ અંતે તેના સ્વાદનો અનુભવ અમૃત સમાન હોય છે.

વેદો સાત્ત્વિક આનંદનો ઉલ્લેખ શ્રેય તરીકે કરે છે, જે શરૂઆતમાં અપ્રિય હોય છે પરંતુ અંતત: કલ્યાણકારી હોય છે. તેનાથી વિપરિત પ્રેય છે, જે શરૂઆતમાં પ્રિય લાગે છે પણ અંતત: અકલ્યાણકારી હોય છે. શ્રેય અને પ્રેય અંગે કઠોપનિષદ્દ વર્ણન કરે છે:

           અન્યચ્છ્રેયોઽન્યદુતૈવ પ્રેય

           -સ્તે ઉભે નાનાર્થે પુરુષં સિનીતઃ

          તયોઃ શ્રેય આદદાનસ્ય સાધુ

          ભવતિ હીયતેઽર્થાદ્ય ઉ પ્રેયો વૃણીતે

          શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત

          -સ્તૌ સમ્પરીત્ય વિવિનક્તિ ધીરઃ

          શ્રેયો હિ ધીરોઽભિ પ્રેયસો વૃણીતે

         પ્રેયો મન્દો યોગક્ષેમાદ્ વૃણીતે (૧.૨.૧-૨)

“બે માર્ગો છે—એક ‘કલ્યાણકારી’ (શ્રેય) છે અને બીજો ‘પ્રિય’ (પ્રેય) છે. આ બંને મનુષ્યોને અતિ ભિન્ન અંતની દિશમાં અગ્રેસર કરે છે. આરંભમાં પ્રિય સુખપ્રદ હોય છે પરંતુ અંતે દુઃખમાં પરિણમે છે.અજ્ઞાની સુખની પ્રિયની જાળમાં ફસાઈ જાય છે અને નષ્ટ થઈ જાય છે. પરંતુ જ્ઞાની લોકો તેના આકર્ષણથી છેતરાયા વિના કલ્યાણપ્રદની પસંદગી કરે છે અને અંતત: આનંદ પ્રાપ્ત કરે છે.”