ઇતિ તે જ્ઞાનમાખ્યાતં ગુહ્યાદ્ગુહ્યતરં મયા ।
વિમૃશ્યૈતદશેષેણ યથેચ્છસિ તથા કુરુ ॥ ૬૩॥
ઈતિ—એમ; તે—તને; જ્ઞાનમ્—જ્ઞાન; આખ્યાતમ્—વર્ણવ્યું; ગુહ્યાત્—ગુહ્ય જ્ઞાન; ગુહ્ય-તરમ્—અધિક ગુહ્ય જ્ઞાન; મયા—મારા વડે; વિમૃશ્ય—મનન કરીને; એતત્—આ; અશેષેણ—સંપૂર્ણ; યથા—જેમ; ઈચ્છસિ—ઈચ્છે; તથા—તેમ; કરું—કર.
Translation
BG 18.63: આ પ્રમાણે, મેં તને આ જ્ઞાન સમજાવ્યું છે. જે અન્ય સર્વ રહસ્યોની તુલનામાં ગુહ્યતમ છે. તેના અંગે ગહન રીતે મનન કર અને પશ્ચાત્ તારી જે ઈચ્છા હોય તે કર.
Commentary
ગુહ્ય જ્ઞાન તે છે જે અધિકાંશ લોકો માટે સુલભ હોતું નથી. કેટલીક સદીઓ પૂર્વે ભૌતિક વિજ્ઞાનના મહદ્દ સિદ્ધાંતો ગુપ્ત હતા અને હજી અનેક ગુપ્ત હશે. આધ્યાત્મિક જ્ઞાન ગૂઢ છે અને પ્રત્યક્ષ દૃષ્ટિએ અનુભૂત નથી. તે ગુરુ તથા શાસ્ત્રો પાસેથી શીખવું આવશ્યક છે. તેથી, તેને ગુહ્ય તરીકે વર્ણવવામાં આવ્યું છે. દ્વિતીય અધ્યાયમાં, શ્રીકૃષ્ણે આત્મા અંગેનું જ્ઞાન પ્રગટ કર્યું હતું, જે ગુહ્યજ્ઞાન અથવા ગુપ્તજ્ઞાન છે. સપ્તમ્ અને અષ્ટમ્ અધ્યાયમાં, તેમણે તેમની શક્તિઓનું જ્ઞાન પ્રગટ કર્યું, જે ગુહ્યતર અથવા અધિક ગુપ્ત છે. નવમ્ અધ્યાય તથા અનુગામી અધ્યાયોમાં તેમણે તેમની ભક્તિ અંગેનું જ્ઞાન પ્રગટ કર્યું, જે ગુહ્યતમ અથવા સર્વાધિક ગુપ્ત છે. આ અધ્યાયના ૫૫મા શ્લોકમાં, તેમણે પ્રગટ કર્યું કે તેમનાં સાકાર સ્વરૂપને કેવળ તેમની ભક્તિ દ્વારા જાણી શકાય છે. શ્રીકૃષ્ણ હવે ભગવદ્દ ગીતાનું સમાપન કરી રહ્યા છે. અર્જુન સમક્ષ સર્વાધિક ગુહ્યજ્ઞાન સહિત અઢારમાં અધ્યાયની વ્યાખ્યા કરીને હવે તેઓ પસંદગીનો નિર્ણય અર્જુનના હાથમાં છોડી દે છે. તેઓ કહે છે કે “મેં તારી સમક્ષ ગહન તથા ગુહ્ય જ્ઞાન પ્રગટ કર્યું છે. હવે પસંદગી તારા હાથમાં છે.” શ્રી રામે પણ આ સમાન જ કથન અયોધ્યાવાસીઓ સમક્ષ કર્યું હતું. તેમણે તે સર્વને તેમનાં પ્રવચન માટે આમંત્રિત કર્યા:
એક બાર રઘુનાથ બોલાએ, ગુરુ દ્વિજ પુરબાસી સબ આએ
“એકવાર શ્રી રામે સર્વ અયોધ્યાવાસીઓને બોલાવ્યા. ગુરુ વશિષ્ઠ સહિત પ્રત્યેક વ્યક્તિ તેમને સાંભળવા માટે આવ્યાં.” તેમના પ્રવચનમાં શ્રી રામે માનવજીવનનો ઉદ્દેશ્ય અને તેની પરિપૂર્તિનો માર્ગ સમજાવ્યો. અંતે, તેમણે સમાપન કરતાં કહ્યું:
નહિં અનીતિ નહિં કછુ પ્રભુતાઈ, સુનહુ કરહુ જો તુમ્હહિ સોહાઈ (રામાયણ)
“મેં તમને જે ઉપદેશ આપ્યો છે, તે અનૈતિક નથી કે તે અંગે કોઈ દુરાગ્રહ પણ નથી. તેનું ધ્યાનપૂર્વક શ્રવણ કરો, તે અંગે ચિંતન કરો અને પશ્ચાત્ તમારી ઈચ્છા પ્રમાણે કરો.”
પ્રાપ્ય વિકલ્પોમાંથી પસંદ કરવાની સ્વતંત્ર ઈચ્છાશક્તિ ભગવાન દ્વારા આત્માને પ્રદાન કરવામાં આવી છે. પસંદગીની સ્વતંત્રતા અનંત નથી. કોઈ એવો નિર્ણય ન કરી શકે: “હું વિશ્વનો સર્વશ્રેષ્ઠ બુદ્ધિશાળી બનવાનું પસંદ કરું છું.” આપણી પસંદગી આપણા પૂર્વ અને વર્તમાન કર્મો દ્વારા સીમિત છે. તેમ છતાં, આપણે અમુક ચોક્કસ માત્રામાં સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવીએ છીએ, કારણ કે આપણે ઈશ્વરનાં હાથમાં રહેલું કોઈ યંત્ર નથી. પ્રાય: લોકો એવો પ્રશ્ન કરે છે કે જો ભગવાને આપણને સ્વતંત્ર ઈચ્છાશક્તિ પ્રદાન કરી ન હોત તો આપણે કોઈ દુષ્કૃત્ય કર્યું ન હોત. પરંતુ, તો પછી આપણે કોઈ સત્કર્મ પણ ન કર્યું હોત. શુભતાનો અવસર સદૈવ અશુભ કરવાના જોખમ સાથે જ આવે છે. અધિક મહત્ત્વનું તો એ છે કે ભગવાન ઈચ્છે છે કે આપણે તેમને પ્રેમ કરીએ અને પ્રેમ ત્યારે જ સંભવ છે, જયારે કોઈ પસંદગી હોય. એક યંત્ર પ્રેમ કરી શકતું નથી કારણ કે તેને પસંદગીની સ્વતંત્રતા નથી. ભગવાને આપણું સર્જન સ્વતંત્ર ઈચ્છાશક્તિ સાથે કર્યું છે અને આપણી સમક્ષ વિકલ્પો પણ પૂરા પાડયા છે કે જેથી આપણે તેમની પસંદગી કરીએ અને તે દ્વારા તેમના પ્રત્યેના આપણા પ્રેમનો અભ્યાસ કરીએ. સર્વ-શક્તિમાન ભગવાન પણ પોતાને પ્રેમ કરવા કે શરણાગત થવા માટે આત્માને આગ્રહ કરી શકતા નથી; આ નિર્ણય તો આત્માએ પોતે જ લેવો પડે છે. અહીં, શ્રીકૃષ્ણ સ્વતંત્ર ઈચ્છાશક્તિ અંગેનાં અર્જુનનાં ધ્યાનનું આહ્વાન કરે છે તથા તેને પસંદ કરવાનું કહે છે.