Bhagavad Gita: Chapter 18, Verse 20

સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે ।
અવિભક્તં વિભક્તેષુ તજ્જ્ઞાનં વિદ્ધિ સાત્ત્વિકમ્ ॥ ૨૦॥

સર્વ-ભૂતેષુ—સર્વ જીવોમાં; યેન—જેના દ્વારા; એકમ્—એક; ભાવમ્—સ્વભાવ; અવ્યયમ્—અવિનાશી; ઇક્ષતે—જુએ છે; અવિભક્તમ્—અવિભાજિત; વિભક્તેષુ—વિભિન્નતામાં; તત્—તે;જ્ઞાનમ્—જ્ઞાન; વિદ્ધિ—જાણ; સાત્ત્વિકમ્—સત્ત્વગુણ.

Translation

BG 18.20: જેના દ્વારા વ્યક્તિ સર્વ વિભિન્ન જીવોમાં એક અવિભાજીત અવિનાશી વાસ્તવિકતાને જોવે છે, તે જ્ઞાનને સાત્ત્વિક જાણવું.

Commentary

સૃષ્ટિ જીવંત પ્રાણીઓ તથા માયિક અસ્તિત્ત્વોનું વિહંગમ દૃશ્ય પ્રદાન કરે છે. પરંતુ આ સાદૃશ વિભિન્નતાની પાછળનો મૂળાધાર ભગવાન છે. જેમ વિદ્યુત ઈજનેર વિભિન્ન વિદ્યુતીય ઉપકરણોમાં એકસમાન વિદ્યુતને પ્રવાહિત થતા જોવે છે અને એક સોનાર ભિન્ન-ભિન્ન આભૂષણોમાં એકસમાન જ સુવર્ણને જોવે છે, તેમ જેઓ આ જ્ઞાનદૃષ્ટિ ધરાવે છે, તેઓ સૃષ્ટિનાં વૈવિધ્યમાં અસ્તિત્ત્વમાન ઐક્યનું દર્શન કરે છે.

શ્રીમદ્દ ભાગવતમ્ વર્ણન કરે છે:

           વદન્તિ તત્તત્ત્વ વિદસ્તત્ત્વં યજ્જ્ઞાનમદ્વયમ્ (૧.૨.૧૧)

“સત્યના જ્ઞાતાઓએ વર્ણવ્યું છે કે અસ્તિત્ત્વમાં કેવળ એક જ તત્ત્વ છે, દ્વિતીય નથી.” ચૈતન્ય મહાપ્રભુએ નિમ્નલિખિત ચાર માપદંડોના આધારે, ભગવાનના શ્રીકૃષ્ણ સ્વરૂપનો અદ્વય જ્ઞાન તત્ત્વ (અદ્વિતીય, સૃષ્ટિમાં અસ્તિત્ત્વમાન એકમાત્ર અને સર્વ) તરીકે ઉલ્લેખ કર્યો છે. 

૧. સજાતીય ભેદ શૂન્ય. (તેઓ સર્વ સમાન તત્ત્વો સાથે એકરૂપ છે.) રામ, શિવ, વિષ્ણુ વગેરે સર્વ શ્રીકૃષ્ણના વિભિન્ન પ્રાગટ્યો હોવાથી, શ્રીકૃષ્ણ, ભગવાનના અન્ય વિવિધ સ્વરૂપોથી અભિન્ન છે.

શ્રીકૃષ્ણ આત્મા સાથે પણ ઐક્ય ધરાવે છે કે જે તેમનો વિભાજીત અતિ સૂક્ષ્મ અંશ છે. અંશ તેની સમગ્રતા સાથે એકતા ધરાવે છે, જેમ જ્યોતિ અગ્નિથી અભિન્ન છે, જેનો તે એક અંશ છે.

૨. વિજાતીય ભેદ શૂન્ય. (તેઓ સર્વ અસમાન તત્ત્વોથી એકરૂપ છે.) ભગવાનથી પૃથક્ માયા છે, જે અચેતન છે, જયારે ભગવાન ચેતન છે. પરંતુ, માયા ભગવાનની શક્તિ છે અને શક્તિ શક્તિમાન સાથે એક હોય છે, જેમ અગ્નિની શક્તિઓ–ગરમી તથા પ્રકાશ—તેનાથી અભિન્ન છે.

૩. સ્વગત ભેદ શૂન્ય. (તેમના દેહના વિવિધ અંગો તેમનાથી અભિન્ન છે.) ભગવાનના દેહની અદ્ભુતતા એ છે કે તેમના સર્વ અંગો અન્ય સર્વ અંગોનું કાર્ય કરે છે.

બ્રહ્મ સંહિતા વર્ણન કરે છે:

અઙ્ગાનિ યસ્ય સકલેન્દ્રિયવૃત્તિમન્તિ

પશ્યન્તિ પાન્તિ કલયન્તિ ચિરં જગન્તિ (૫.૩૨)

“ભગવાન, તેમના પ્રત્યેક અંગો દ્વારા જોવે છે, સાંભળે છે, બોલે છે, સૂંઘે છે અને વિચારે છે.” તેથી, ભગવાનના દેહના સર્વ અંગો તેમનાથી અભિન્ન છે.

૪. સ્વયં સિદ્ધ. (તેઓને અન્ય કોઈ તત્ત્વના આધારની આવશ્યકતા નથી.) માયા તથા આત્મા બંને તેમના અસ્તિત્ત્વ માટે ભગવાન પર આધારિત છે. જે તેઓ તેમનામાં શક્તિનો સંચાર ન કરે, તો તેમનું અસ્તિત્ત્વ સમાપ્ત થઈ જશે. જયારે બીજી બાજુ, ભગવાન પૂર્ણ સ્વતંત્ર છે અને તેમને તેમના અસ્તિત્ત્વ માટે અન્ય કોઈ આધારની આવશ્યકતા નથી.

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ ઉપરોક્ત ચારેય માપદંડોની તુષ્ટિ કરે છે અને એ પ્રમાણે, તેઓ અદ્વય જ્ઞાન તત્ત્વ છે. અન્ય શબ્દોમાં, આ સૃષ્ટિમાં વ્યાપ્ત સર્વ અસ્તિત્વોમાં તેઓ વિદ્યમાન છે. આ જ્ઞાન સાથે, જયારે આપણે આ સમગ્ર સર્જનનું દર્શન ભગવાન સાથેની એકરૂપતામાં કરીએ છીએ ત્યારે તેને સાત્ત્વિક જ્ઞાન કહેવામાં આવે છે તથા આવા જ્ઞાન પર આધારિત પ્રેમ જાતીય કે રાષ્ટ્રીય નથી, પરંતુ સાર્વત્રિક છે.