Bhagavad Gita: Chapter 18, Verse 74

સઞ્જય ઉવાચ ।
ઇત્યહં વાસુદેવસ્ય પાર્થસ્ય ચ મહાત્મનઃ ।
સંવાદમિમમશ્રૌષમદ્ભુતં રોમહર્ષણમ્ ॥ ૭૪॥

સંજય: ઉવાચ—સંજયે કહ્યું; ઈતિ—આ; અહમ્—હું; વાસુદેવસ્ય—વાસુદેવનો; પાર્થસ્ય—અર્જુન; ચ—અને; મહા-આત્માન:—ઉમદા હૃદય ધરાવતો આત્મા; સંવાદમ્—વાર્તાલાપ; ઈમમ્—આ; અશ્રૌષમ્—સાંભળ્યું છે; અદ્ભુતમ્—અદ્ભુત; રોમ-હર્ષણમ્—રોમને પુલકિત કરનારું.

Translation

BG 18.74: સંજયે કહ્યું: આ પ્રમાણે, મેં વાસુદેવ પુત્ર શ્રીકૃષ્ણ અને ઉમદા હૃદય ધરાવતા પૃથાપુત્ર અર્જુન વચ્ચેનો આ અદ્ભુત સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો રોમાંચક છે કે મારાં રુંવાડા ઉભા થઇ ગયા છે.

Commentary

આ પ્રમાણે, સંજય ભગવદ્દ ગીતાના દિવ્ય પ્રવચન કથાના વર્ણનનું સમાપન કરે છે. તેઓ અર્જુનને મહાત્મા (મહાન આત્મા) તરીકે સંબોધે છે કારણ કે તેણે શ્રીકૃષ્ણની આજ્ઞાઓ તથા ઉપદેશને માન્ય રાખ્યા છે અને તેથી તે પ્રકાંડ પ્રબુદ્ધ થઈ ગયો છે. સંજય હવે જણાવે છે કે તેમનો દિવ્ય સંવાદ સાંભળીને તેઓ કેટલા આશ્ચર્યચકિત અને વિસ્મિત છે. રૂંવાડા ઉભા થઈ જવા એ પ્રગાઢ ભક્તિ-આવેશના લક્ષણોમાંથી એક છે. ભક્તિ રસામૃત સિંધુ વર્ણન કરે છે:

           સ્તમ્ભઃ સ્વેદોઽથ રોમાઞ્ચઃ સ્વરભેદોઽથ વેપથુઃ

           વૈવર્ણ્યમશ્રુપ્રલય ઇત્યષ્ટૌ સાત્ત્વિકાઃ સ્મૃતાઃ

“ભક્તિપૂર્ણ પરમાનંદના આઠ લક્ષણો છે: નિ:સ્તબ્ધ અને ગતિહીન થઈ જવું, પ્રસ્વેદ થવો, રુંવાડા ઉભા થઈ જવા, અવાજ રૂંધાવો, ચહેરાનો રંગ ફિક્કો પડવો, અશ્રુ વહેવા અને મૂર્છિત થઈ જવું.” સંજય આવા તીવ્ર ભક્તિપૂર્ણ સંવેદનોનો અનુભવ કરી રહ્યા છે કે દિવ્યાનંદથી તેમનાં રૂંવાડા ઉભા થઈ ગયા છે.

કોઈ એવો પ્રશ્ન કરી શકે છે કે અતિ દૂર યુદ્ધક્ષેત્રમાં થયેલા આ સંવાદનું શ્રવણ કરવું સંજય માટે કેવી રીતે શક્ય હતું? તેઓ આ અંગે આગામી શ્લોકમાં જણાવે છે.