Bhagavad Gita: Chapter 18, Verse 6

એતાન્યપિ તુ કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા ફલાનિ ચ ।
કર્તવ્યાનીતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમમ્ ॥ ૬॥

એતાનિ—આ; અપિ તુ—નિશ્ચિતપણે; કર્માણિ—કર્મો; સંગમ્—આસક્તિ; ત્યકત્વા—ત્યજીને; ફલાનિ—ફળો; ચ—અને; કર્તવ્યાનિ—કર્તવ્ય સમજીને કરવા જોઈએ; ઈતિ—એ રીતે; મે—મારો; પાર્થ—અર્જુન, પૃથા પુત્ર; નિશ્ચિતમ્—નિશ્ચિત; મતમ્—મત; ઉત્તમમ્—શ્રેષ્ઠ.

Translation

BG 18.6: આ કર્તવ્યોનું પાલન આસક્તિ તથા ફળની અપેક્ષા રાખ્યા વિના કરવું જોઈએ. હે અર્જુન, આ મારો નિશ્ચિત તથા ઉત્તમ મત છે.

Commentary

યજ્ઞ, દાન તથા તપના કાર્યોનું પાલન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રત્યેની ભક્તિની ભાવના સાથે થવું જોઈએ. જો આવી ચેતના પ્રાપ્ત ન હોય, તો તેમનું પાલન એક ઉત્તરદાયિત્ત્વના રૂપે, ફળની કામના રાખ્યા વિના કરવું જોઈએ. એક માતા તેના સંતાન પ્રત્યેના ઉત્તરદાયિત્ત્વ માટે પોતાના સ્વાર્થી આનંદનો ત્યાગ કરે છે. તે બાળકને સ્તનપાન કરાવે છે અને તેનું પોષણ કરે છે. તે બાળકને આપીને કંઈ ગુમાવતી નથી પરંતુ તેના માતૃત્ત્વની પૂર્ણતા પ્રાપ્ત કરે છે. એ જ પ્રમાણે, એક ગાય દિવસ-પર્યંત ઘાસના મેદાનમાં ઘાસ ચરે છે, પરંતુ આંચળમાં એકત્રિત થયેલા દૂધનું પાન વાછરડાંને કરાવે છે. તેના ઉત્તરદાયિત્ત્વનું પાલન કરીને ગાય નીચી થઈ જતી નથી; પરંતુ તેનાથી વિપરીત, લોકો તેના પ્રત્યે મહાન આદર ધરાવે છે. કારણ કે આ પ્રવૃત્તિઓનું પાલન નિ:સ્વાર્થ રીતે થતું હોવાથી લોકો તેને પવિત્ર ગણે છે. શ્રીકૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે જ્ઞાની મનુષ્યે આ જ પ્રમાણે સ્વાર્થ-રહિત વૃત્તિ સાથે માંગલિક તથા કલ્યાણકારી કાર્યોનું પાલન કરવું જોઈએ. આગામી ત્રણ શ્લોકોમાં તેઓ હવે ત્યાગના ત્રણ પ્રકારો પ્રસ્તુત કરે છે.