જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ ।
પ્રોચ્યતે ગુણસઙ્ખ્યાને યથાવચ્છૃણુ તાન્યપિ ॥ ૧૯॥
જ્ઞાનમ્—જ્ઞાન; કર્મ—કર્મ; ચ—અને; કર્તા—કરનાર; ચ—અને; ત્રિધા—ત્રણ પ્રકારના; એવ—નિશ્ચિત; ગુણ-ભેદત:—માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર ભિન્ન; પ્રોચ્યતે—ઘોષણા કરે છે; ગુણ-સંખ્યાને—સાંખ્ય તત્ત્વદર્શન, જે માયિક પ્રકૃતિના ગુણોનું વર્ણન કરે છે; યથા-વત્—જેમ છે તેમ; શ્રુણુ—સાંભળ; તાનિ—તેમને; અપિ—પણ.
Translation
BG 18.19: સાંખ્યદર્શનમાં જ્ઞાન, કર્મ અને કર્તાને તેમનાં ત્રણ માયિક ગુણોને અનુસાર ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ધ્યાનથી સંભાળ, હું આ અંગેનો ભેદ સ્પષ્ટ કરીશ.
Commentary
શ્રીકૃષ્ણ પુન: પ્રકૃતિના ત્રણ ગુણોનો સંદર્ભ આપે છે. અધ્યાય ૧૪માં તેમણે આ ગુણોની પ્રસ્તાવના કરી હતી તથા તેઓ જીવાત્માને જન્મ અને મૃત્યુના સંસારમાં કેવી રીતે બાંધે છે તેનું વર્ણન કર્યું હતું. પશ્ચાત્ તેમણે અધ્યાય ૧૭માં આ ત્રણ ગુણો લોકોની શ્રદ્ધાના પ્રકારને તથા આહારની પસંદને કેવી રીતે પ્રભાવિત કરે છે, તે અંગે વિસ્તૃત વર્ણન કર્યું. તેમણે ત્રણ શ્રેણીના યજ્ઞ, દાન અને તપ અંગે પણ સમજાવ્યું. અહીં, ભગવાન, આ ત્રણ ગુણો અનુસાર ત્રણ પ્રકારના જ્ઞાન, કર્મ અને કર્તા વિષે વ્યાખ્યા કરશે.
ભારતીય તત્ત્વદર્શનની છ વિચાર-પ્રણાલીઓમાંથી સાંખ્યદર્શન (પુરુષ-પ્રકૃતિ વાદ પણ કહેવાય છે)નું માયિક પ્રકૃતિના વિશ્લેષણના વિષયમાં અધિકારત્વ સ્વીકૃત ગણાયું છે. તે આત્માને પુરુષ (સ્વામી) માને છે અને એ પ્રમાણે અનેક પુરુષોને માન્ય ગણે છે. પ્રકૃતિ એ માયા છે અને તેનાથી નિર્મિત સર્વ પદાર્થોનો તેમાં સમાવેશ થાય છે. સાંખ્ય પુરુષની પ્રકૃતિને ભોગવવાની કામનાને દુઃખનું કારણ દર્શાવે છે. જયારે આ ભોગવૃત્તિમાં ઘટાડો થાય છે ત્યારે પુરુષ માયિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થાય છે અને શાશ્વત પરમાનંદ પ્રાપ્ત કરે છે. સાંખ્ય પ્રણાલી પરમ પુરુષ અથવા તો ભગવાનના અસ્તિત્ત્વનો સ્વીકાર કરતી નથી અને તેથી તે પૂર્ણ સત્યને જાણવા માટે અપર્યાપ્ત છે. આમ છતાં, પ્રકૃતિ (માયિક પ્રકૃતિ) અંગેના જ્ઞાનના વિષયમાં શ્રીકૃષ્ણ તેને અધિકૃત ગ્રંથ તરીકે દર્શાવે છે.