ન ચ તસ્માન્મનુષ્યેષુ કશ્ચિન્મે પ્રિયકૃત્તમઃ ।
ભવિતા ન ચ મે તસ્માદન્યઃ પ્રિયતરો ભુવિ ॥ ૬૯॥
ન—નહીં; ચ—અને; તસ્માત્—તેનાં કરતાં; મનુષ્યેષુ—મનુષ્યોમાં; કશ્ચિત્—કોઈપણ; મે—મને; પ્રિય-કૃત્-તમ:—અધિક પ્રિય; ભવિતા—થશે; ન—કદાપિ નહીં; ચ—અને; મે—મને; તસ્માત્—તેના કરતાં; અન્ય:—અન્ય; પ્રિય-તર:—અધિક પ્રિય; ભુવિ—આ પૃથ્વી પર.
Translation
BG 18.69: તેમનાથી અધિક પ્રેમપૂર્વક સેવા અન્ય કોઈ મનુષ્ય કરતા નથી અને મને આ પૃથ્વી પર તેમનાથી અધિક પ્રિય કોઈ નથી.
Commentary
આપણે અન્યને જે કોઈ ઉપહાર પ્રદાન કરીએ છીએ, તે સર્વ ઉપહારોમાં આધ્યાત્મિક જ્ઞાન સર્વશ્રેષ્ઠ ઉપહાર છે કારણ કે તે પ્રાપ્તકર્તાનું શાશ્વત પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. રાજા જનકે તેમના ગુરુને પૂછયું, “આપે મને જે દિવ્ય જ્ઞાન પ્રદાન કર્યું છે તે એટલું મૂલ્યવાન છે કે તે માટે હું આપના પ્રતિ અતિ ઋણભાવ અનુભવું છું. હું આપને બદલામાં શું અર્પણ કરું?” ગુરુ અષ્ટાવક્રએ ઉત્તર આપ્યો, “તમે એવું કંઈ જ આપી શકો તેમ નથી, જે તમને ઋણમાંથી મુક્ત કરે. મેં તમને જે જ્ઞાન પ્રદાન કર્યું છે, તે દિવ્ય હતું અને તમારી પાસે જે કંઈ છે તે માયિક છે. સાંસારિક વિષયો કદાપિ દિવ્ય જ્ઞાનનું મૂલ્ય હોઈ શકે નહિ. પરંતુ તમે એક કાર્ય કરી શકો છો. જો ક્યારેય પણ તમને આ જ્ઞાનનો પિપાસુ મળે, તો તેની સાથે આ જ્ઞાન વહેંચજો.” શ્રીકૃષ્ણ અહીં કહે છે કે ભગવદ્દ ગીતાના જ્ઞાનને પણ વહેંચવું, તેને તેઓ ભગવાનને સમર્પિત સેવાઓમાં સર્વશ્રેષ્ઠ પ્રેમપૂર્ણ સેવા માને છે. પરંતુ, જે લોકો ભગવદ્દ ગીતા અંગે પ્રવચન આપતા હોય, તેમણે પોતે કોઈ મહાન કાર્ય કરી રહ્યા છે તેવો ભાવ રાખવો જોઈએ નહીં. પોતાની જાતને ભગવાનના હાથમાં રહેલા સાધન તરીકે જોવું તથા સમગ્ર શ્રેય ભગવદ્દ-કૃપાને સમર્પિત કરવો એ શિક્ષક તરીકેની ઉચિત મનોવૃત્તિ છે.