ત્યાજ્યં દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ ।
યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે ॥ ૩॥
ત્યાજ્યમ્—ત્યાગ કરવો જોઈએ; દોષ-વત્—દોષ-સમાન; ઈતિ—આમ; એકે—અમુક; કર્મ—કર્મો; પ્રાહુ:—ઘોષિત; મનીષિણ:—વિદ્વાનો; યજ્ઞ—યજ્ઞ; દાન—દાન; તપ:—તપ; કર્મ—કર્મ; ન—કદાપિ નહીં; ત્યાજ્યમ્—ત્યાગ કરવો જોઈએ; ઈતિ—આમ; ચ—અને; અપરે—અન્ય.
Translation
BG 18.3: કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ કર્મોને દોષપૂર્ણ ગણીને તેમનો ત્યાગ કરવો જોઈએ, જયારે અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન અને તપ જેવા કર્મોનો કદાપિ ત્યાગ કરવો જોઈએ નહીં.
Commentary
સાંખ્ય વિચારધારા ધરાવતા કેટલાક તત્વદર્શીઓ ભૌતિક જીવનનો શક્ય એટલી ઝડપથી ત્યાગ કરવાની તરફેણ કરે છે. તેઓનો મત છે કે સર્વ કર્મોનો ત્યાગ કરવો જોઈએ કારણ કે તેઓ કામનાઓથી પ્રેરિત હોય છે, જે જીવન-મૃત્યુના ચક્રના સંક્રમણમાં ધકેલે છે. તેઓ તર્ક કરે છે કે સર્વ કર્મો અપ્રત્યક્ષ હિંસા જેવા આંતરિક દોષોને આધીન હોય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ અગ્નિ પ્રજ્વલિત કરે છે તો તેમાં અનેક જંતુઓ અનિચ્છાથી બળી જવાની સદા શક્યતા રહે છે. તેથી, તેઓ શરીરના નિર્વાહ સિવાયના સર્વ કર્મોના શમનના માર્ગની ભલામણ કરે છે.
મીમાંસાની વિચારધારા ધરાવતા તત્ત્વદર્શીઓ જણાવે છે કે નિયત વૈદિક પ્રવૃત્તિઓનો કદાપિ ત્યાગ કરવો જોઈએ નહીં. તેઓ એવો તર્ક કરે છે કે જો ક્યારેક વેદોની બે વિરોધાભાસી આજ્ઞાઓ સામે આવે અને તેમાંથી કોઈ એક વિશેષ રીતે પ્રમુખ હોય તો તેની સમક્ષ સાધારણ આજ્ઞા રદ્દ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, વેદો આપણને ઉપદેશ આપે છે: મા હિન્સ્યત ભૂતાનિ “કોઈપણ જીવંત પ્રાણીની હિંસા ન કરો.” આ સાધારણ ઉપદેશ છે. એ જ વેદ, યજ્ઞમાં બલિદાન કરવાનો ઉપદેશ પણ આપે છે. આ વિશેષ ઉપદેશ છે. એ શક્ય છે કે યજ્ઞના અગ્નિમાં બલિદાન સમયે અજાણતાં કોઈ જીવની હત્યા થઈ જાય, પરંતુ મિમાંસક (મીમાંસા તત્ત્વદર્શનના અનુયાયીઓ) એ દલીલને વળગી રહે છે કે યજ્ઞનો વિશેષ ઉપદેશ પ્રભુત્વ ધરાવે છે અને હિંસા ન કરવાની સાધારણ આજ્ઞા સાથે ઘર્ષણ થતું હોવા છતાં તેનું અનુસરણ કરવું જોઈએ. તેથી, મિમાંસકો કહે છે કે આપણે યજ્ઞ, દાન અને તપ જેવી લાભકારક પ્રવૃત્તિઓનો કદાપિ ત્યાગ કરવો જોઈએ નહીં.