સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિં લભતે નરઃ ।
સ્વકર્મનિરતઃ સિદ્ધિં યથા વિન્દતિ તચ્છૃણુ ॥ ૪૫॥
સ્વે સ્વે—પોતપોતાના; કર્મણિ—કર્મ; અભિરત:—પરિપૂર્ણ; સંસિદ્ધમ્—સિદ્ધિ; લભતે—પ્રાપ્ત કરે છે; નર:—મનુષ્ય; સ્વ-કર્મ—વ્યક્તિના નિર્ધારિત કર્તવ્યો; નિરત:—પરોવાયેલો; સિદ્ધિમ્—સિદ્ધિ; યથા—જેવી રીતે; વિન્દતિ—પામે છે; તત્—તે; શ્રુણુ—સાંભળ.
Translation
BG 18.45: તેમના જન્મજાત ગુણોથી મનુષ્ય પોતાના કર્તવ્યોની પરિપૂર્તિ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. હવે મારી પાસેથી સાંભળ કે વ્યક્તિ કેવી રીતે પોતાના નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધ બની શકે છે.
Commentary
સ્વ-ધર્મ એ નિયત કર્તવ્યો છે, જે આપણા ગુણો અને જીવનના કેન્દ્ર પર આધારિત હોય છે. તેમનું પાલન એ સુનિશ્ચિત કરે છે કે આપણે આપણાં શરીર અને મનની ક્ષમતાઓનો રચનાત્મક અને લાભદાયક શૈલીથી ઉપયોગ કરીએ છીએ. આ શુદ્ધિકરણ તથા ઉન્નતિ તરફ દોરી જાય છે અને વ્યક્તિ તેમજ સમાજ માટે શુભ છે. વળી, નિયત કર્તવ્યો આપણા જન્મજાત ગુણો અનુસાર હોવાથી, તેમનું પાલન કરવામાં આપણને સુવિધા અને સ્થિરતાનો અનુભવ થાય છે. પશ્ચાત્, જેમ જેમ આપણે આપણી ક્ષમતાઓમાં વૃદ્ધિ કરીએ છીએ, તેમ તેમ સ્વ ધર્મમાં પણ પરિવર્તન આવે છે અને આપણે ઉચ્ચતર શ્રેણીમાં પ્રવેશ કરીએ છીએ. આ પ્રમાણે, આપણે કર્તવ્યનિષ્ઠાથી આપણા ઉત્તરદાયિત્ત્વનું પાલન કરીને ઉન્નત થતાં રહીએ છીએ.