મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ ।
મામેવૈષ્યસિ સત્યં તે પ્રતિજાને પ્રિયોઽસિ મે ॥ ૬૫॥
મત્-મના:—મારું ચિંતન કરતાં; ભવ—થા; મત્-ભક્ત:—મારો ભક્ત; મત્-યાજી—મારી આરાધના કર; મામ્—મને; નમસ્કુરુ—પ્રણામ કર; મામ્—મને; એવ—નિશ્ચિતપણે; એષ્યસિ—તું આવીશ; સત્યમ્—સાચી રીતે; તે—તને; પ્રતિજાને—હું વચન આપું છું; પ્રિય:—વહાલો; અસિ—તું છે; મે—મને.
Translation
BG 18.65: સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી આરાધના કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે કરીને, તું નિશ્ચિતપણે મારી પાસે આવીશ. આ મારી તારા પ્રત્યે પ્રતિજ્ઞા છે, કારણ કે તું મને અતિ પ્રિય છે.
Commentary
નવમા અધ્યાયમાં, શ્રીકૃષ્ણે અર્જુનને સર્વાધિક ગુહ્ય જ્ઞાન પ્રગટ કરવાનું વચન આપ્યું હતું અને પશ્ચાત્ ભક્તિના મહિમાનું વર્ણન કરવા લાગ્યા. અહીં, તેઓ શ્લોક સં. ૯.૩૪ની પ્રથમ પંક્તિનું પુનરાવર્તન કરે છે, જેમાં તેઓ તેને તેમની ભક્તિમાં તલ્લીન થવાનું કહે છે. શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રગાઢ પ્રેમનો વિકાસ કરીને તથા તેના મનને સદૈવ તેમની અનન્ય ભક્તિમાં લીન રાખીને, અર્જુન નિશ્ચિતપણે પરમ ધામ પ્રાપ્ત કરશે. ભક્તિમાં પૂર્ણત: તલ્લીનતાનું ઉત્તમ દૃષ્ટાંત રાજા અંબરીષ હતા. શ્રીમદ્દ ભાગવતમ્ વર્ણન કરે છે:
સ વૈ મનઃ કૃષ્ણપદારવિન્દયોર્
વચાંસિ વૈકુણ્ઠ-ગુણાનુવર્ણને
કરૌ હરેર્મન્દિરમાર્જનાદિષુ
શ્રુતિં ચકારાચ્યુતસત્કથોદયે
મુકુન્દલિઙ્ગાલયદર્શને દૃશૌ
તદ્ભૃત્યગાત્રસ્પર્શેઽઙ્ગસઙ્ગમમ્
ઘ્રાણં ચ તત્પાદસરોજસૌરભે
શ્રીમત્તુલસ્યા રસનાં તદર્પિતે
પાદૌ હરેઃ ક્ષેત્ર-પદાનુસર્પણે
શિરો હૃષીકેશ-પદાભિવન્દને
કામં ચ દાસ્યે ન તુ કામકામ્યયા
યથોત્તમશ્લોકજનાશ્રયા રતિઃ (૯.૪.૧૮–૨૦)
“અંબરીષે તેના મનને શ્રીકૃષ્ણના પદારવિંદમાં તલ્લીન કરી દીધું; તેણે તેની વાણીનો ભગવાનનાં ગુણોના મહિમાગાન માટે, હાથોનો મંદિરની સ્વચ્છતા માટે અને કર્ણોનો ભગવાનની દિવ્ય લીલાઓનું શ્રવણ કરવા માટે ઉપયોગ કર્યો. તેણે તેનાં ચક્ષુઓને ભગવદ્દ-દર્શનમાં લીન કર્યા; તેણે તેના અંગોનો ભક્તોનાં દેહ-સ્પર્શ માટે ઉપયોગ કર્યો, તેની નાસિકાનો ભગવાનનાં ચરણ-કમળોમાં સમર્પિત તુલસીપત્રની સુગંધ લેવા માટે તથા રસનાનો પ્રસાદનાં આસ્વાદન માટે ઉપયોગ કર્યો. તેણે તેનાં ચરણોનો ઉપયોગ પવિત્ર ધામોની યાત્રા માટે કર્યો અને શિરનો ઉપયોગ ભગવાનનાં ચરણ-કમળોમાં પ્રણામ કરવા માટે કર્યો. તેણે હારમાળા અને ચંદન જેવી તેની સમગ્ર સામગ્રીઓ ભગવદ્દ-સેવામાં સમર્પિત કરી. તેણે આ સર્વ કોઈ સ્વાર્થી હેતુ માટે નહીં, પરંતુ શુદ્ધિકરણ દ્વારા કેવળ શ્રીકૃષ્ણની નિષ્કામ સેવા પ્રાપ્ત કરવા માટે કર્યું.”
ભક્તિમાં પૂર્ણપણે તલ્લીન થવાનો ઉપદેશ એ સર્વ ગ્રંથોનો સાર છે, શ્રેષ્ઠ જ્ઞાન છે. જો કે શ્રીકૃષ્ણ જે સર્વાધિક ગુહ્યતમ જ્ઞાનનો સંદર્ભ આપી રહ્યા હતા, તે આ નથી, કારણ કે આ અંગે તેમણે પૂર્વે પણ ઉલ્લેખ કર્યો છે. હવે આગામી શ્લોકમાં તેઓ પરમ રહસ્યને પ્રગટ કરે છે.