યત્તુ કૃત્સ્નવદેકસ્મિન્કાર્યે સક્તમહૈતુકમ્ ।
અતત્ત્વાર્થવદલ્પં ચ તત્તામસમુદાહૃતમ્ ॥ ૨૨॥
યત્—જે;તુ—પરંતુ; કૃષ્ણ-વત્—જાણે તે પૂર્ણને સમાવિષ્ટ કરતું હોય; એકસ્મિન્—એકલું; કાર્યે—કાર્ય; સક્તમ્—મગ્ન; અહૈતુકમ્—કારણ વિના; અતત્ત્વ-અર્થ-વત્—સત્ય પર આધારિત નથી; અલ્પમ્—ટુકડો; ચ—અને; તત્—તે; તામસમ્—તમોગુણ; ઉદાહ્રતમ્—કહેવાય છે.
Translation
BG 18.22: તે જ્ઞાનને તમોગુણી કહેવામાં આવે છે, જેમાં વ્યક્તિ એક અલ્પ અંશની વિભાવનામાં લિપ્ત રહે છે, જાણે કે તેમાં પૂર્ણ સમાવિષ્ટ હોય અને જે ન તો ઉચિત કારણથી યુક્ત હોય છે કે ન તો સત્ય પર આધારિત હોય છે.
Commentary
જયારે બુદ્ધિ તમોગુણના પ્રભાવ હેઠળ જડ થઈ જાય છે ત્યારે તે આંશિક વિભાવનાને વળગી રહે છે, જાણે કે તે પૂર્ણ સત્ય હોય. આવો દૃષ્ટિકોણ ધરાવતા લોકો પ્રાય: તેમના પૂર્ણ સત્ય અંગેના બોધ માટે કટ્ટરવાદી હોય છે. સામાન્યત: તેમની સમજણ તર્કસંગત પણ હોતી નથી કે શાસ્ત્રો સાથે સંબદ્ધ પણ હોતી નથી અને છતાં તેઓ ઝનૂનથી તેમની માન્યતાઓને અન્ય પર લાદવાની કામના રાખે છે. માનવજાતિના ઈતિહાસે વારંવાર ધર્મઝનૂનીઓ જોયા છે, જેઓ પોતાને ભગવાનના સ્વ-નિયુક્ત સમર્થક અને શ્રદ્ધાના સંરક્ષક માને છે. તેઓ ઝનૂની રીતે ધર્મ-પરિવર્તન કરાવીને સમાન પ્રકારની બુદ્ધિ ધરાવતા કેટલાક અનુયાયીઓ શોધી લે છે અને અંધ-અંધને દોરે એવી ઘટનાનું સર્જન કરે છે. પરંતુ, ભગવાનની અને ધર્મની સેવાના નામે તેઓ સમાજમાં વિક્ષેપનું સર્જન કરે છે તથા તેના સુસંબદ્ધ વિકાસમાં અવરોધ ઉત્પન્ન કરે છે.