અનિષ્ટમિષ્ટં મિશ્રં ચ ત્રિવિધં કર્મણઃ ફલમ્ ।
ભવત્યત્યાગિનાં પ્રેત્ય ન તુ સન્ન્યાસિનાં ક્વચિત્ ॥ ૧૨॥
અનિષ્ટમ્—અપ્રિય; ઈષ્ટમ્—પ્રિય; મિશ્રમ્—મિશ્ર; ચ—અને; ત્રિ-વિધમ્—ત્રણ પ્રકારનું; કર્મણ: ફલમ્—કર્મોના ફળો; ભવતિ—ઉપજે છે; અત્યાગિનામ્—જેઓ વ્યક્તિગત ફળ પ્રત્યે આસક્ત છે; પ્રેત્ય—મૃત્યુ પશ્ચાત્; ન—નહીં; તુ—પરંતુ; સંન્યાસિનામ્—કર્મોના ત્યાગી માટે; કવચિત્—કદાપિ.
Translation
BG 18.12: જે લોકો વ્યક્તિગત ફળ પ્રત્યે આસક્ત હોય છે, તેમને મૃત્યુ પશ્ચાત્ પણ કર્મોના ત્રણ પ્રકારનાં—ઇષ્ટ, અનિષ્ટ તથા મિશ્ર—ફળો પ્રાપ્ત થાય છે. પરંતુ જે લોકો તેમનાં કર્મોના ફળોનો ત્યાગ કરી દે છે, તેમને અહીં કે મૃત્યુ પશ્ચાત્ પણ આવા કોઈ પણ ફળો ભોગવવાં પડતા નથી.
Commentary
મૃત્યુ પશ્ચાત્ આત્મા ત્રણ પ્રકારના ફળો ભોગવે છે: ૧. ઈષ્ટમ્ અર્થાત્ સ્વર્ગીય લોકનાં સુખદ અનુભવો, ૨. અનિષ્ટમ્ અર્થાત્ નરકીય લોકનાં અસુખદ અનુભવો, તથા ૩. મિશ્રમ્ અર્થાત્ પૃથ્વીલોક પર માનવસ્વરૂપે મિશ્ર અનુભવો. જે લોકો પુણ્યશાળી કર્મો કરે છે, તેમને સ્વર્ગીય લોકનું ફળ પ્રાપ્ત થાય છે; જે લોકો પાપ કર્મો કરે છે, તેમને નિમ્નતર લોકમાં જન્મ આપવામાં આવે છે; તથા જે લોકો બંને- મિશ્ર કર્મો કરે છે, તેઓ માનવદેહમાં પાછા ફરે છે. પરંતુ આ ત્યારે જ લાગુ પડે છે, જયારે કર્મોનું પાલન ફળની કામના સાથે કરવામાં આવ્યું હોય. જયારે આ સકામ કામનાઓનો ત્યાગ થઈ જાય છે અને કર્મ કેવળ ભગવાન પ્રત્યેના ઉત્તરદાયિત્ત્વ તરીકે કરવામાં આવે છે, ત્યારે કર્મ દ્વારા આવા કોઈપણ ફળ ઉપાર્જિત થતા નથી.
આ સમાન નિયમ સંસારમાં પણ અસ્તિત્ત્વ ધરાવે છે. જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની હત્યા કરે છે તો તેને હત્યારો માનવામાં આવે છે, જે એવો ગુનો છે જેનું પરિણામ મૃત્યુદંડ પણ હોઈ શકે છે. પરંતુ, જો સરકાર ઘોષણા કરે કે કોઈ નામચીન ખૂની કે ચોર જેને જીવંત કે મૃત પકડવાનો છે, તો આવી વ્યક્તિની હત્યાને કાયદાની દૃષ્ટિએ ગુનો માનવામાં આવતો નથી. તેના બદલે, તેને સરકાર તરફથી પુરસ્કાર આપવામાં આવે છે અને એવા હત્યારાને રાષ્ટ્રીય નાયક તરીકે સન્માનવામાં આવે છે. એ જ પ્રમાણે, જયારે આપણે આપણા કર્મોમાં અંગત ઉદ્દેશ્યનો ત્યાગ કરીએ છીએ ત્યારે કર્મોના ત્રણ પ્રકારનાં ફળો ઉપાર્જિત થતાં નથી.