ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદ્દેશેઽર્જુન તિષ્ઠતિ ।
ભ્રામયન્સર્વભૂતાનિ યન્ત્રારૂઢાનિ માયયા ॥ ૬૧॥
ઈશ્વર:—પરમેશ્વર; સર્વ-ભૂતાનામ્—સર્વ જીવોમાં; હૃત-દેશે—હૃદયમાં; અર્જુન—અર્જુન; તિષ્ઠતિ—વસે છે; ભ્રામયન્—ભ્રમણ કરાવતાં; સર્વ-ભૂતાનિ—સર્વ જીવો; યન્ત્ર આરુઢાનિ—યંત્ર પર આરૂઢ; માયયા—માયિક શક્તિથી બનેલા.
Translation
BG 18.61: હે અર્જુન, પરમેશ્વર સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે. તેમનાં કર્મ અનુસાર તે આત્માઓના ભ્રમણને નિર્દેશિત કરે છે કે જે માયિક શક્તિથી બનેલાં યંત્ર પર આરૂઢ હોય છે.
Commentary
આત્માના ભગવાન પરના અવલંબન પર ભાર મૂકતાં શ્રીકૃષ્ણ કહે છે, “અર્જુન, તું મારી આજ્ઞાનું પાલન કરે કે ન કરે, તારું સ્થાન સદૈવ મારા પ્રભુત્વ હેઠળ રહેશે. તું જે શરીરમાં નિવાસ કરે છે, તે મારી માયિક શક્તિથી બનેલું યંત્ર છે. તારા પૂર્વ કર્મોને આધારે, મેં તને તારી પાત્રતા અનુસાર દેહ પ્રદાન કર્યો છે. હું પણ તેમાં સ્થિત છું અને તારા સર્વ વિચારો, શબ્દો અને કર્મોની નોંધ કરું છું. તેથી, તારું ભાવિ નિશ્ચિત કરવા માટે તું વર્તમાનમાં જે પણ કરીશ, તેનો પણ હું ન્યાય કરીશ. તું એમ ન માનતો કે કોઈપણ પરિસ્થિતિમાં તું મારાથી સ્વતંત્ર છે. તેથી અર્જુન, મને શરણાગત થવું એ તારા સ્વ-હિતમાં છે.”