યયા સ્વપ્નં ભયં શોકં વિષાદં મદમેવ ચ ।
ન વિમુઞ્ચતિ દુર્મેધા ધૃતિઃ સા પાર્થ તામસી ॥ ૩૫॥
યયા—જેના દ્વારા; સ્વપ્નમ્—સ્વપ્ન; ભયમ્—ભય; શોકમ્—શોક; વિષાદમ્—વિષાદ; મદમ્—ઘમંડ; એવ—ખરેખર; ચ—અને; ન—નહીં; વિમુન્ચતિ—ત્યજે છે; દુર્મેધા—બુદ્ધિહીન; ધૃતિ:—સંકલ્પ; સા—તે; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; તામસી—તમોગુણી.
Translation
BG 18.35: હે પાર્થ! તે દુર્બુદ્ધિ પૂર્ણ સંકલ્પ કે જેમાં વ્યક્તિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ અને ઘમંડનો ત્યાગ કરતો નથી, તે તમોગુણી ધૃતિ છે.
Commentary
નિશ્ચય બુદ્ધિહીન તથા ઘમંડીઓમાં પણ જોવા મળે છે. પણ તે ભય, વિષાદ અને ઘમંડમાંથી ઉત્પન્ન થતો અવરોધ છે. ઉદાહરણ તરીકે, કેટલાક લોકો ભય-ગ્રંથિથી પીડાતા હોય છે અને એ જાણવું અતિ રસપ્રદ છે કે કેટલી દૃઢતાથી તેઓ તેને પકડી રાખે છે, જાણે કે તે તેમના વ્યક્તિત્ત્વનો અભિન્ન ભાગ હોય. એવા કેટલાક લોકો પણ છે, જેઓ તેમના જીવનને જીવંત નર્ક બનવી દે છે કારણ કે તેઓ ભૂતકાળની કેટલીક નિરાશાઓને વળગી રહે છે અને તેની તેમના પર થતી વિનાશક અસરને જાણવા છતાં પણ તેને ભૂલવા માંગતા નથી. કેટલાક લોકો તેમના અહંકારને તથા તેમના પોતાના વિષેની કાલ્પનિક વિભાવનાને હાનિ કરતા બધા લોકો સાથે ઝગડો કરવાનો આગ્રહ રાખે છે. શ્રીકૃષ્ણ કહે છે કે આવા બિનઉત્પાદક વિચારો પ્રત્યેના જક્કી વળગણને આધારિત સંકલ્પ તામસિક છે.