Bhagavad Gita: Chapter 18, Verse 14

અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ પૃથગ્વિધમ્ ।
વિવિધાશ્ચ પૃથક્ચેષ્ટા દૈવં ચૈવાત્ર પઞ્ચમમ્ ॥ ૧૪॥

અવિષ્ઠાનમ્—શરીર; તથા—પણ; કર્તા—કરનાર (આત્મા); કરણમ્—ઇન્દ્રિયો; ચ—અને; પૃથક્-વિધમ્—વિવિધ પ્રકારનાં; વિવિધા:—અનેક; ચ—અને; પૃથક્—વિભિન્ન; ચેષ્ટા:—પ્રયાસ; દૈવમ્—દિવ્ય પરમાત્મા; ચ એવ અત્ર—અને આ નિશ્ચિત (કારણો); પંચમમ્—પાંચમું.

Translation

BG 18.14: શરીર, કર્તા, વિવિધ ઇન્દ્રિયો, અનેક પ્રકારનાં પ્રયાસો તથા દિવ્ય પરમાત્મા—કર્મના આ પાંચ તત્ત્વો છે.

Commentary

જયારે આત્મા શરીરમાં સ્થિત હોય ત્યારે જ કર્મ કરી શકાય છે. તેથી આ શ્લોકમાં અધિષ્ઠાનમ્  અર્થાત્ “નિવાસસ્થાન” શરીરના સંદર્ભમાં છે. કર્તા  અર્થાત્ “કરનાર”, અને તે આત્માના સંદર્ભમાં છે. યદ્યપિ આત્મા સ્વયં કર્મ કરતો નથી, તથાપિ તે શરીર-મન-બુદ્ધિની યાંત્રિક-રચનાને કર્મ કરવા મારે જીવન-શક્તિ સાથે પ્રેરિત કરે છે. ઉપરાંત, તે પોતાના કર્મો સાથે અહંકારના પ્રભાવને કારણે તાદાત્મ્ય સાધે છે. તેથી, તે શરીર દ્વારા કરાયેલા કર્મો માટે ઉત્તરદાયી છે અને તેને જ્ઞાતા અને કર્તા બંને કહેવામાં આવે છે. પ્રશ્ન ઉપનિષદ્દ વર્ણન કરે છે: એષ હિ દ્રષ્ટા સ્પ્રષ્ટા શ્રોતા ઘ્રાતા રસયિતા મન્તા બોદ્ધા કર્તા વિજ્ઞાનાત્મા પુરુષઃ સ પરેઽક્ષર આત્મનિ સંપ્રતિષ્ઠતે (૪.૯)   “એ આત્મા જ છે, જે જોવે છે, સ્પર્શે છે, સાંભળે છે, અનુભવે છે, આસ્વાદ કરે છે, વિચારે છે તથા ચિંતન કરે છે. આમ, આત્માને—કર્મોના જ્ઞાતા તથા કર્તા—બંને માનવામાં આવે છે. બ્રહ્મ સૂત્ર પણ વર્ણન કરે છે: ‘જ્ઞોઽત એવ (૨.૩.૧૮)   “વાસ્તવમાં આત્મા જ છે, જે જ્ઞાતા છે.” પુન: બ્રહ્મ સૂત્ર કહે છે: કર્તા શાસ્ત્રાર્થવત્ત્વાત્ (૨.૩.૩૩)   “આત્મા કર્મોનો કર્તા છે અને આ શાસ્ત્રો દ્વારા સુનિશ્ચિત થયું છે.” ઉપરોક્ત અવતરણો દ્વારા એ સ્પષ્ટ થાય છે કે કર્મોની પરિપૂર્ણતામાં આત્મા પણ એક ઉત્તરદાયી તત્ત્વ છે.

ઇન્દ્રિયો કર્મો કરવા માટેનું સાધન છે. ઇન્દ્રિયો વિના, આત્મા સ્વાદ, સ્પર્શ, દૃશ્ય, સુગંધ અથવા ધ્વનિનો અનુભવ કરી શકતો નથી. પાંચ કર્મેન્દ્રિયો છે—હાથ, પગ, અવાજ, જનનાંગો અને ગુદા. તેમની સહાય દ્વારા આત્મા વિવિધ પ્રકારનાં કાર્યો પરિપૂર્ણ કરે છે. આ પ્રમાણે, ઇન્દ્રિયોને પણ કર્મોની પરિપૂર્ણતા માટેના સંલગ્ન તત્ત્વોની સૂચિમાં મૂકવામાં આવે છે.

કર્મો માટેના સર્વ સાધનો હોવા છતાં, જ્યાં સુધી વ્યક્તિ તેના માટે પ્રયાસ કરતો નથી ત્યાં સુધી કદાપિ કંઈ પણ થઈ શકતું નથી. વાસ્તવમાં, પ્રયાસ એટલું આવશ્યક તત્ત્વ છે કે ચાણક્ય પંડિત તેમના નીતિ શાસ્ત્રમાં જણાવે છે: ઉત્સાહવતાં શત્રવોપિ વશીભવન્તિ   “પર્યાપ્ત પ્રયાસો દ્વારા દરિદ્ર ભાગ્યને પણ શુભ ભાગ્યમાં પરિવર્તિત કરી શકાય છે.”  નિરુત્વાહાદ્ દૈવં પતિત    “ઉચિત પ્રયાસો વિના સદ્ભાગ્ય પણ દુર્ભાગ્યમાં પરિવર્તિત થઈ શકે છે.” તેથી, ચેષ્ટા: (પ્રયાસો) કર્મો માટેનું અન્ય ઘટક છે.

ભગવાન સાક્ષી સ્વરૂપે જીવંત પ્રાણીના શરીરમાં સ્થિત છે. તેઓ વિભિન્ન મનુષ્યોનાં પૂર્વ કર્મોને આધારે કર્મ કરવા માટે વિભિન્ન  સામર્થ્ય પ્રદાન કરે છે. કોઈ તેને દિવ્ય વિધાતા કહી શકે છે. ઉદાહરણ તરીકે, કેટલાક લોકો અઢળક સંપત્તિનું ઉપાર્જન કરવા માટેની કુશળતા ધરાવતા હોય છે. જટિલ પરિસ્થિતિઓના તેજસ્વી નાણાકીય વિશ્લેષણથી તેમના પરિચિતો આશ્ચર્યચકિત થઈ જાય છે. તેઓ જે કોઈ સાહસ ખેડે છે, તેમાં તેઓ ભાગ્યશાળી સિદ્ધ થાય છે. તેમને આ વિશેષ બુદ્ધિ ભગવાન દ્વારા પ્રદાન થયેલી હોય છે. એ જ પ્રમાણે, અન્ય લોકોમાં ખેલકૂદ, સંગીત, કળા, સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં ભગવદ્-પ્રદત્ત પ્રતિભાઓ જોવા મળે છે. એ ભગવાન છે, જેઓ લોકોને તેમનાં પૂર્વ કર્મો અનુસાર વિશેષ ક્ષમતાઓ પ્રદાન કરે છે. તેઓ વર્તમાન કર્મોના ફળો પણ પ્રદાન કરે છે. તેથી, તેઓ કર્મો માટેના ઉત્તરદાયી તત્ત્વોમાંથી એક તરીકે સૂચિબદ્ધ છે.