ધૃત્યા યયા ધારયતે મનઃપ્રાણેન્દ્રિયક્રિયાઃ ।
યોગેનાવ્યભિચારિણ્યા ધૃતિઃ સા પાર્થ સાત્ત્વિકી ॥ ૩૩॥
ધૃત્યા—નિર્ધાર દ્વારા; યયા—જે; ધારયતે—ધારણ કરાય છે; મન:—મનને; પ્રાણ—પ્રાણ; ઈન્દ્રિય—ઈન્દ્રિયો; ક્રિયા:—ક્રિયાઓ; યોગેન—યોગ દ્વારા; અવ્યભિચારિણ્ય—અડગ રીતે; ધૃતિ:—નિર્ધાર; સા—તે; પાર્થ—પૃથાપુત્ર, અર્જુન; સાત્ત્વિકી—સત્ત્વગુણી.
Translation
BG 18.33: જે દૃઢ સંકલ્પ યોગ દ્વારા વિકસિત થાય છે અને જે મન, પ્રાણવાયુ તથા ઈન્દ્રિયોની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે, તે ધૃતિને સત્ત્વગુણી કહેવામાં આવે છે.
Commentary
ધૃતિ (નિશ્ચય) એ કષ્ટો અને વિઘ્નો આવવા છતાં માર્ગ પર અડગ રહેવાની મન તથા બુદ્ધિની આંતરિક શક્તિ છે. ધૃતિ આપણી દૃષ્ટિને આપણા ધ્યેય પર કેન્દ્રિત રાખે છે અને યાત્રામાં દેખીતી રીતે કપરા લાગતા ગતિરોધો પર વિજય પ્રાપ્ત કરવા માટે શરીર, મન તથા બુદ્ધિની સુપ્ત શક્તિઓને ગતિશીલતા પ્રદાન કરે છે.
શ્રીકૃષ્ણ હવે ત્રણ પ્રકારના નિશ્ચયનું વર્ણન કરવા જઈ રહ્યા છે. યોગની સાધના દ્વારા મન અનુશાસિત બને છે અને ઇન્દ્રિયો તથા શરીર પર શાસન કરવાના સામર્થ્યનો વિકાસ થાય છે. જયારે વ્યક્તિ ઈન્દ્રિયોને વશ કરવાનું, પ્રાણવાયુને શિસ્તબદ્ધ કરવાનું અને મનને નિયંત્રિત કરવાનું શીખે છે ત્યારે જે અડગ ઇચ્છાશક્તિનો વિકાસ થાય છે, તે સાત્ત્વિક ધૃતિ (સત્ત્વગુણી નિર્ધાર) છે.