સઞ્જય ઉવાચ ।
તં તથા કૃપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણમ્ ।
વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદનઃ ॥ ૧॥
સંજય ઉવાચ—સંજય બોલ્યા; તમ્—તેમને (અર્જુન); તથા—તે રીતે; કૃપયા—કરુણાથી; આવિષ્ટમ્—વિહ્વળ થયેલ; અશ્રુ પૂર્ણ—અશ્રુપૂર્ણ; આકુલ—દુઃખીત; ઇક્ષણમ્—નેત્રોવાળા; વિશીદંતમ્—શોકયુક્ત; ઈદમ્—આ; વાક્યમ્—વચન; ઉવાચ—કહ્યાં; મધુસુદન—શ્રી કૃષ્ણ, મધુ દૈત્યનો વધ કરનારા.
Translation
BG 2.1: સંજયે કહ્યું: કરુણાથી વિહ્વળ થયેલા, શોકયુક્ત મનવાળા, અશ્રુપૂર્ણ નેત્રોવાળા અર્જુનને જોઈને, શ્રી કૃષ્ણ નીચે મુજબના વચનો બોલ્યા.
Commentary
અર્જુનના મનોભાવોનું વર્ણન કરવા, સંજયે કૃપયા શબ્દનો ઉપયોગ કર્યો, જેનો અર્થ છે, અનુકંપા અથવા કરુણા. આ કરુણા બે પ્રકારની હોય છે. પ્રથમ છે દિવ્ય કરુણા, જે ભગવાન અને સંતો, સાંસારિક જીવો પ્રત્યે તેમની ભગવાનથી વિમુખ થવાના કારણે વેઠવી પડતી યાતનાઓને જોઈને અનુભવે છે. જયારે બીજી છે લૌકિક કરુણા, જેનો અનુભવ આપણે અન્ય વ્યક્તિઓના શારીરિક કષ્ટો જોઈને કરીએ છીએ. લૌકિક કરુણા એ એવો ઉમદા મનોભાવ છે, જે પૂર્ણ રીતે નિર્દેશિત નથી. એ તો ભૂખથી અધમૂઆ થયેલ વાહનચાલકને જોઈને વાહનના આરોગ્યની ચિંતા કરવા સમાન છે. અર્જુન આ બીજા પ્રકારની સંવેદનાનો અનુભવ કરી રહ્યો છે. યુદ્ધ માટે એકત્રિત થયેલા શત્રુઓ પ્રત્યેની લૌકિક અનુકંપાના કારણે તે વિહ્વળ થઈ ગયો છે. વાસ્તવમાં ગહન શોક અને વિષાદથી સંતપ્ત અર્જુનની પરિસ્થિતિ દર્શાવે છે કે સ્વયં તેને કરુણાની અત્યંત આવશ્યકતા છે. તેથી જ, અન્ય પ્રત્યે દયાળુ બનવાનો તેનો આદર્શ અર્થહીન છે.
આ શ્લોકમાં, શ્રીકૃષ્ણ માટે “મધુસુદન” એમ સંબોધન કરવામાં આવ્યું છે. તેમણે મધુ નામના અસુરનો વધ કર્યો હતો અને તેથી તેમનું નામ મધુસુદન અથવા તો “મધુ દૈત્યના સંહારક” પડયું. અહીં, તેઓ અર્જુનના મનમાં ઉદ્ભવેલ સંશયરૂપી દૈત્યનો સંહાર કરવા ઈચ્છે છે, જે તેને તેના કર્તવ્યનું પાલન કરવાથી રોકી રહ્યો છે.