ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન ।
નિર્દ્વન્દ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ॥ ૪૫॥
ત્રૈ-ગુણ્ય—ભૌતિક પ્રકૃતિનાં ત્રણ ગુણો; વિષયા:—વિષયભોગો; વેદા:—વૈદિક ગ્રંથો; નિસ્ત્રૈ-ગુણ્ય:—ભૌતિક પ્રકૃતિના ત્રણેય ગુણોથી પર, ગુણાતીત; ભવ—થા; અર્જુન—અર્જુન; નિર્દ્વંધ:—દ્વૈતભાવથી રહિત; નિત્ય-સત્ત્વ-સ્થ:—સદા શુદ્ધ સત્યમાં સ્થિત; નિર્યોગક્ષેમ:—લાભ તથા રક્ષણના વિચારોથી રહિત; આત્માવાન્—આત્મામાં સ્થિત.
Translation
BG 2.45: વેદોમાં પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુન! આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠીને વિશુદ્ધ આધ્યાત્મિક ચેતનામાં સ્થિત થા. તારી જાતને દ્વૈતભાવથી મુક્ત કરી, શાશ્વત સત્યમાં સ્થિર કરી અને ભૌતિક લાભ તથા સુરક્ષાની ચિંતાથી રહિત થઈ, આત્મામાં સ્થિર થા.
Commentary
માયાશક્તિ તેના અંગભૂત ત્રણ ગુણોથી દિવ્ય આત્માને જીવનની શારીરિક સંકલ્પનામાં બાંધી દે છે. માયિક પ્રકૃતિનાં આ ગુણો છે: સત્ત્વ (સાત્ત્વિકતા), રાજસ (રાજસિકતા) અને તામસ (અજ્ઞાનતા). આ ત્રણેય ગુણોનું સાપેક્ષ પ્રમાણ પ્રત્યેક વ્યક્તિમાં તેના અનંત પૂર્વજન્મના સંસ્કારો પ્રમાણે બદલાય છે કારણ કે, પ્રત્યેક વ્યક્તિની રુચિ અને મનોવૃત્તિ ભિન્ન-ભિન્ન હોય છે. વૈદિક શાસ્ત્રો આ અસમાનતાને સ્વીકારે છે અને બધાં જ પ્રકારના લોકોને ઉચિત ઉપદેશ આપે છે. જો શાસ્ત્રોમાં સાંસારિક-વૃત્તિ ધરાવતા લોકો માટે ઉપદેશ ના હોત તો, તેઓ અવનતિના પથ પર વધારે આગળ નીકળી જાત. તેથી, વેદો તેમને કઠિન કર્મકાંડ કરવા બદલ સાંસારિક લાભ પ્રદાન કરે છે, જે તેમને તામસી ગુણથી રાજસી અને રાજસીથી સાત્વિક ગુણ તરફ ઉપર ઉઠવામાં સહાયરૂપ થાય છે.
આ રીતે વેદોમાં બંને પ્રકારના જ્ઞાન નિહિત છે—સાંસારિક આસક્ત લોકો માટે કર્મકાંડ અને આધ્યાત્મિક મુમુક્ષુઓ માટે દિવ્ય જ્ઞાન. જયારે શ્રી કૃષ્ણ અર્જુનને વેદોનો અસ્વીકાર કરવાનું કહે છે ત્યારે તેમનું આ વિધાન પૂર્વવર્તી તેમજ અનુગામી શ્લોકોના સંદર્ભમાં સમજવું આવશ્યક છે. તેઓનું તાત્પર્ય છે કે, અર્જુને વેદોના એ વિભાગથી આકર્ષિત થવું જોઈએ નહિ, કે જે સાંસારિક લાભો મેળવવા માટે વિધિ-વિધાન તથા અનુષ્ઠાનોનું પ્રતિપાદન કરે છે. તેના બદલે, સ્વયંને પરમ સત્યના સ્તર સુધી ઉન્નત કરવા માટે તેણે વૈદિક જ્ઞાનના દિવ્ય ખંડના ઉપદેશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.