Bhagavad Gita: Chapter 2, Verse 24

અચ્છેદ્યોઽયમદાહ્યોઽયમક્લેદ્યોઽશોષ્ય એવ ચ ।
નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચલોઽયં સનાતનઃ ॥ ૨૪॥

અચ્છેદ્ય—અતૂટ; અયમ્—આ આત્મા; અદાહ્ય—બાળી ન શકાય એવો; અયમ્—આ આત્મા; અક્લેદ્ય:—ભીંજવી શકાય નહીં એવો; અશોષ્ય:—સૂકવી શકાય નહીં તેવો; એવ—નક્કી; ચ—અને; નિત્ય—ચિરસ્થાયી; સર્વગત:—સર્વવ્યાપી; સ્થાણુ:—અપરિવર્તનશીલ; અચલ:—સ્થિર; અયમ્—આ આત્મા; સનાતન:—સદા નિત્ય.

Translation

BG 2.24: આ આત્મા અખંડ અને અદાહ્ય છે, તેને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી. તે ચિરસ્થાયી, સર્વવ્યાપક, અટલ, અચળ અને સનાતન છે.

Commentary

આત્માના  અમરત્વનો મુદ્દો અહીં પુન: ધ્યાન આકર્ષિત કરે છે. એક શિક્ષક માટે કેવળ જ્ઞાન પ્રદાન કરવું પર્યાપ્ત નથી; તે જ્ઞાનને ઉપયોગી બનાવવા માટે, તે વિદ્યાર્થીના હૃદયમાં ઊંડું ઉતરવું જોઈએ. આ કારણે એક નિપુણ શિક્ષક અગાઉ કહેલા વિષયોને ઘણી વાર પુનરાવર્તિત કરે છે. સંસ્કૃત સાહિત્યમાં આને ‘પુનરુક્તિ’ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે અગત્યના આધ્યાત્મિક સિદ્ધાંતો પર ભાર મૂકીને, આ સિદ્ધાંતો તેના વિદ્યાર્થીએ ઊંડાણપૂર્વક ગ્રહણ કર્યા છે કે કેમ તે ખાતરી કરવા વારંવાર પુનરુક્તિનો ઉપયોગ સાધન તરીકે કર્યો છે.