બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે ।
તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ્ ॥ ૫૦॥
બુદ્ધિ યુકત:—બુદ્ધિથી યુક્ત; જહાતિ—થી મુક્ત થવું; ઇહ—આ જીવનમાં; ઉભે—બંને; સુકૃત-દુષ્કૃતે—સારાનરસા કર્મો; તસ્માત્—માટે; યોગાય—યોગ માટે; યુજ્યસ્વ—સંલગ્ન થવું; યોગ:—યોગ છે; કર્મસુ કૌશલમ્—બધાં કાર્યોમાં કૌશલ્ય.
Translation
BG 2.50: જેઓ વિચારપૂર્વક આસક્તિરહિત કર્મના વિજ્ઞાનનો અભ્યાસ કરે છે, તેઓ આ જ જીવનમાં સારાં ને ખરાબ બંને પ્રકારના પ્રતિભાવોથી મુક્ત થઈ જાય છે. તેથી યોગ માટે પ્રયાસ કર, જે (ઉચિત ચેતનામાં) કૌશલ્યપૂર્વક કર્મ કરવાની કળા છે.
Commentary
કર્મ-યોગનાં વિજ્ઞાન વિષે સાંભળીને લોકોને આશ્ચર્ય થાય છે કે જો તેઓ પરિણામ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરશે તો શું તેમની કાર્યદક્ષતાનું સ્તર નીચું જતું રહેશે? શ્રી કૃષ્ણ સમજાવે છે કે અંગત સ્વાર્થ વિના કાર્ય કરવાથી કાર્યની ગુણવત્તામાં ઘટાડો થતો નથી, બલ્કે, આપણે અગાઉ કરતા પણ અધિક કૌશલ્યપૂર્ણ થઈ જઈએ છીએ. એક સંનિષ્ઠ સર્જનનું ઉદાહરણ લઈએ, જે શસ્ત્રક્રિયા દરમ્યાન લોકોના શરીરની ચાકુ દ્વારા ચીરફાડ કરે છે. તે પોતાના કર્તવ્યનું પાલન સમભાવથી કરે છે અને દર્દી જીવે કે મૃત્યુ પામે તે ધ્યાનમાં લીધા વિના અવિચલિત રહે છે. આનું કારણ છે કે તે પોતાની ઉત્તમ દક્ષતાનો ઉપયોગ કરીને નિ:સ્વાર્થપણે પોતાના કર્તવ્યનું પાલન કરે છે તેમજ તેના પરિણામ પ્રત્યે આસક્ત નથી. તેથી, જો શસ્ત્રક્રિયા દરમ્યાન દર્દીનું મૃત્યુ થઈ જાય તો તેને હત્યા કરવાના અપરાધભાવની અનુભૂતિ થતી નથી. આમ છતાં, જો આ જ સર્જનના એકમાત્ર સંતાનની શસ્ત્રક્રિયા કરવાની જરૂર ઉભી થાય તો તેનામાં એ કરવાની હિંમત હોતી નથી. ફળ પ્રત્યે આસક્તિ હોવાના કારણે તેને ભય હોય છે કે તે કૌશલ્યપૂર્ણ શસ્ત્રક્રિયા કરી શકશે નહિ અને તેથી અન્ય સર્જનની સહાય લે છે. આ દર્શાવે છે કે, પરિણામ પ્રત્યેની આસક્તિ આપણને કૌશલ્યપૂર્ણ બનાવતી નથી, પરંતુ આસક્તિ આપણી કાર્યદક્ષતા પર વિપરીત અસર કરે છે. તેના બદલે, જો આપણે આસક્તિ વિના કાર્ય કરીએ તો આપણે વ્યાકુળતા, રઘવાટ, ભય, બેચેન અને ઉત્તેજિત થયા વિના, આપણા મહત્તમ કૌશલ્યના સ્તરે તે કાર્ય કરી શકીએ. એ જ પ્રમાણે, અર્જુનનું ઉદાહરણ પણ આ તથ્ય સ્પષ્ટ કરે છે કે, ફળ પ્રત્યેની આસક્તિના ત્યાગથી કાર્યદક્ષતા પર વિપરીત પ્રભાવ પડતો નથી. ભગવદ્ ગીતાના ઉપદેશ પૂર્વે, તે રાજ્ય જીતવાની ઈચ્છાથી યુદ્ધમાં પ્રવૃત્ત થવાનો આશય ધરાવતો હતો. શ્રી કૃષ્ણના મુખે ભગવદ્ ગીતાનો ઉપદેશ સાંભળ્યા પશ્ચાત્ તે લડતો હતો, કારણ કે તે ભગવાન પ્રત્યેનું તેનું કર્તવ્ય હતું અને શ્રી કૃષ્ણ એમ કરવાથી પ્રસન્ન થતા હતા. તે હજી પણ યોદ્ધા જ હતો; આમ છતાં, તેનો આંતરિક હેતુ પરિવર્તિત થઈ ગયો હતો. એ સત્ય છે કે, આસક્તિ રહિત કર્તવ્યપાલને તેને અગાઉ કરતાં લેશમાત્ર પણ ઓછો કાર્યદક્ષ બનાવ્યો ન હતો. વાસ્તવમાં, તે અધિક પ્રેરણાથી યુદ્ધ કરી શક્યો કારણ કે તેનું કર્મ પ્રત્યક્ષ રૂપે ભગવાનની સેવા હતી.