આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં
સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત્ ।
તદ્વત્કામા યં પ્રવિશન્તિ સર્વે
સ શાન્તિમાપ્નોતિ ન કામકામી ॥૭૦॥
આપૂર્યમાણમ્—બધી દિશામાંથી બંધ; અચલ-પ્રતિષ્ઠમ્—અવિચલિત; સમુદ્રમ્—સમુદ્ર; આપ:—પાણી; પ્રવિશન્તિ—પ્રવેશે છે; યદ્વત્—જેવી રીતે; તદ્વત્—તેવી રીતે; કામા:—વાસનાઓ; યમ્—જેનામાં; પ્રવિશન્તિ—પ્રવેશે છે; સર્વે—બધાં; સ:—તે મનુષ્ય; શાન્તિમ્—શાંતિ; આપ્નોતિ—પ્રાપ્ત કરે છે; કામકામી—વાસનાઓની પૂર્તિ કરનાર મનુષ્ય.
Translation
BG 2.70: જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાઓના જળના અવિરત પ્રવાહ છતાં સમુદ્ર વિચલિત થતો નથી, તેવી રીતે જે મનુષ્ય આસપાસ વાસનાઓનો નિરંતર પ્રવાહ હોવા છતાં અવિચલિત રહે છે: તેને શાંતિની પ્રાપ્તિ થાય છે, નહિ કે તે મનુષ્યને જે કામનાપૂર્તિ માટે મથ્યા કરે છે.
Commentary
સમુદ્રની એ અજોડ ક્ષમતા છે કે નદીઓનાં અવિરત પ્રવાહથી પરિપ્લાવિત રહેવા છતાં, તેની વિક્ષુબ્ધ ના થવાની અવસ્થાને બનાવી રાખે છે. સમગ્ર વિશ્વની તમામ નદીઓ પોતાને નિરંતર સમુદ્રમાં ઠાલવતી રહે છે, જે ન તો છલકાઈ જાય છે કે ન તો ક્ષીણ થાય છે. શ્રી કૃષ્ણ અપૂર્યમાણમ (બધી દિશાઓમાંથી ભરેલો) શબ્દનો ઉપયોગ એ વર્ણવવા કરે છે કે સર્વ નદીઓ વર્ષા ઋતુમાં પોતાનું બધું જ જળ સમુદ્રમાં ભેળવી દે છે છતાં સમુદ્રમાં જળપ્રલય થતો નથી. એ જ પ્રકારે આત્મજ્ઞાની મનુષ્ય શારીરિક આવશ્યકતાઓ માટે ઇન્દ્રિય વિષયોનો ઉપયોગ કરતી વખતે અથવા તો તેનાથી વંચિત રહીને—એમ બંને પરિસ્થિતિઓમાં શાંત અને સ્થિર રહે છે. કેવળ આવા સંત સાચી શાંતિ પ્રાપ્ત કરી શકે છે.