Bhagavad Gita: Chapter 2, Verse 33

અથ ચેત્ત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસિ ।
તતઃ સ્વધર્મં કીર્તિં ચ હિત્વા પાપમવાપ્સ્યસિ ॥ ૩૩॥

અથ ચેત્—છતાં પણ,જો; ત્વમ્—તું; ઈમમ્—આ; ધર્મ્યમ્ સંગ્રામમ્—ધાર્મિક યુદ્ધ; ન—નહીં; કરિષ્યસિ—કરે; તત:—પછી; સ્વ-ધર્મમ્—વેદો અનુસાર મનુષ્યનું દાયિત્ત્વ; કીર્તિમ્—યશ; ચ—અને; હિત્વા—ગુમાવીને; પાપમ્—પાપ; અવાપ્સયસિ—પ્રાપ્ત કરીશ.

Translation

BG 2.33: આમ છતાં પણ, જો તું તારા સામાજિક કર્તવ્યનો ત્યાગ કરીને, આ ધર્મયુદ્ધ કરવાનો ઇનકાર કરીશ તો તને પાપનું ફળ અવશ્ય મળશે.

Commentary

જો યોદ્ધા, રણક્ષેત્રમાં અહિંસક બનવાનું પસંદ કરે છે, તો તે કર્તવ્યની ઉપેક્ષા ગણાશે અને તેને પાપયુક્ત કર્મની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. તેથી, શ્રી કૃષ્ણ કહે છે કે, જો અર્જુન તેના  કર્તવ્યને અસંગત અને કષ્ટદાયક ગણીને, તેનો ત્યાગ કરશે તો તે પાપ કરશે. પરાશર સ્મૃતિ કહે છે:

                                           ક્ષત્રિયોઃ હિ પ્રજા રક્ષન્શસ્ત્રપાણિઃ પ્રદણ્ડવાન્

                                          નિર્જિત્ય પરસૈન્યાદિ ક્ષિતિં ધર્મેણપાલયેત્ (૧.૬૧)

“યોદ્ધાનો શારીરિક ધર્મ રાષ્ટ્રના નાગરિકોની આક્રમણથી રક્ષા કરવાનો છે. આ કાયદો અને નિયંત્રણની પરિસ્થિતિની જાળવણી માટે હિંસાનો ઉચિત પ્રયોગ આવશ્યક છે. આ રીતે તેણે શત્રુ રાજાના સૈનિકોને હરાવીને, ન્યાયોચિત સિધ્ધાંતોથી રાષ્ટ્રનું શાસન જાળવવામાં સહાયરૂપ થવું જોઈએ.”