સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ ।
તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ ॥ ૩૮॥
સુખ—સુખ; દુ:ખે—દુ:ખમાં; સમે કૃત્વા—સમભાવ રાખીને; લાભ-અલાભૌ—લાભ તથા હાનિ; જય-અજયૌ—જય તથા પરાજય; તત:—તે પછી; યુદ્ધાય—યુદ્ધ માટે; યુજ્યસ્વ—વ્યસ્ત થાઓ; ન—કદી નહીં; એવમ્—એ રીતે; પાપમ્—પાપ; અવાપ્સ્યસિ—પ્રાપ્ત કરીશ.
Translation
BG 2.38: સુખ અને દુ:ખ, લાભ અને હાનિ, જય અને પરાજય, આ બધાં પ્રત્યે સમભાવ રાખીને, કર્તવ્યના પાલન ખાતર યુદ્ધ કર. આ પ્રમાણે તારાં કર્તવ્ય પાલન કરવાથી તને કદાપિ પાપ લાગશે નહીં.
Commentary
અર્જુનને લૌકિક સ્તરે પ્રેરિત કરીને શ્રી કૃષ્ણ હવે કર્મના ગહન શાસ્ત્રની દિશામાં આગળ વધે છે. અર્જુને તેનો ભય વ્યક્ત કર્યો હતો કે, શત્રુઓની હત્યા કરવાથી તેને પાપ લાગશે. શ્રી કૃષ્ણ તેના આ ભયને સંબોધિત કરે છે. તેઓ અર્જુનને તેના કર્મોના ફળ પ્રત્યે આસક્ત થયા વિના તેના કર્તવ્યનું પાલન કરવાની શિખામણ આપે છે. કર્મ પ્રત્યેનો આ પ્રકારનો અભિગમ તેને કોઈપણ પાપપૂર્ણ પ્રતિભાવોથી મુક્ત કરી દેશે.
જયારે આપણે સ્વાર્થયુક્ત આશયથી કર્મ કરીએ છીએ, ત્યારે તે કર્મો તેનાં અનુગામી કાર્મિક પ્રતિભાવોમાં પરિણમે છે. મઠાર શ્રુતિ કહે છે:
પુણ્યેન પુણ્ય લોકં નયતિ પાપેન પાપમુભાભ્યામેવ મનુષ્યલોકમ્
“જો તમે સારાં કર્મો કરશો તો તમે સ્વર્ગલોક જશો; જો તમે ખરાબ કર્મો કરશો તો નિમ્નલોકમાં જશો; જો તમે બંને (સારા અને ખરાબ) કર્મોનું મિશ્રણ કરશો, તો તમે પૃથ્વીલોકમાં પાછા આવશો.” કોઈપણ પરિસ્થિતિમાં આપણે આપણા કર્મોના પ્રતિભાવોથી બંધાઈ જઈએ છીએ. આ રીતે, લૌકિક શુભ કર્મો પણ બંધનયુકત છે. તેઓ સાંસારિક પુરસ્કારમાં પરિણમે છે, જે આપણા કર્મોના સંચયમાં વૃદ્ધિ કરે છે અને આ સંસારમાં સુખ છે, એ ભ્રમને પુષ્ટિ આપે છે.
આમ છતાં, જો આપણે સ્વાર્થી પ્રયોજનનો ત્યાગ કરી દઈએ છીએ, તો આપણા કર્મો કોઈ કાર્મિક પ્રતિભાવો ઉત્પન્ન કરતાં નથી. ઉદાહરણ તરીકે હત્યા કરવી એ ગુનો છે અને વિશ્વનાં બધાં રાષ્ટ્રોનો ન્યાયિક કાયદો તેને સજાપાત્ર ગુનો ઘોષિત કરે છે. પરંતુ એક પોલીસ પોતાના કર્તવ્યનું પાલન કરતાં કોઈ ડાકુઓની ટોળીના સરદારને મારી નાખે તો તેને તે માટે કોઈ સજા થતી નથી. જો એક સૈનિક યુદ્ધમાં શત્રુ સૈનિકની હત્યા કરે છે, તો તેને કોઈ સજા થતી નથી. વાસ્તવમાં તો તેને તેની બહાદુરી માટે ચંદ્રક પણ એનાયત થઈ શકે. અહીં સજા ન થવાનું કારણ એ છે કે આ કર્મો કોઈ દુર્ભાવના કે અંગત આશયથી પ્રયોજિત નથી; તે રાષ્ટ્ર પ્રત્યેની ફરજના રૂપે કરવામાં આવ્યા છે. ભગવાનનો કાયદો પણ ઘણો સમાન છે. જો કોઈ સમગ્ર સ્વાર્થી પ્રયોજનોનો ત્યાગ કરીને, કેવળ પરમાત્મા પ્રત્યેના ધર્મ અર્થે કાર્ય કરે છે, તો આ પ્રકારનું કર્મ કોઈ પણ કાર્મિક પ્રતિભાવોનું સર્જન કરતા નથી.
તેથી શ્રી કૃષ્ણ અર્જુનને શિખામણ આપે છે કે, પરિણામોથી વિરક્ત થઈને કેવળ તેના કર્તવ્ય પાલન ઉપર ધ્યાન કેન્દ્રિત કર. જયારે તે જય અને પરાજય, સુખ અને દુ:ખ બંનેને સમાન ગણીને, સમભાવ અભિગમથી યુદ્ધ કરશે, તો તેના શત્રુઓને મારીને પણ તેને કોઈ પાપ લાગશે નહીં. આ વિષયનું ભગવદ્ ગીતામાં આગળ પણ, શ્લોક સં. ૫.૧૦માં પુનરાવર્તન થયું છે. “જેમ કમળપત્ર જળથી અસ્પર્શ્ય રહે છે, તેમ જેઓ સર્વ આસક્તિનો ત્યાગ કરીને, પોતાના સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરે છે, તેઓને પાપ સ્પર્શી શકતું નથી.”
આસક્તિરહિત કર્મનો ગહન નિષ્કર્ષ ઘોષિત કરીને શ્રી કૃષ્ણ હવે કહે છે કે તેઓએ પોતે જે કંઈ કહ્યું છે, તેનો તર્ક પ્રગટ કરવા કર્મયોગનું વિસ્તૃત વર્ણન કરશે.