Bhagavad Gita: Chapter 2, Verse 3

ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે ।
ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ ॥ ૩॥

ક્લૈબ્યમ્—નપુંસકતા; મા સ્મ—નહી; ગમ:—પ્રાપ્ત થા; પાર્થ—અર્જુન, પૃથા પુત્ર; ન—કદાપિ નહી; એતત્—આ; ત્વયિ—તને; ઉપપદ્યતે—શોભે છે; ક્ષુદ્રમ્—તુચ્છ; હૃદય—હૃદય; દૌર્બલ્યમ્—દુર્બળતા; ત્યકત્વા—ત્યજીને; ઉત્તિષ્ઠ—ઊભો થા; પરમ્-તપ—શત્રુઓનું દમન કરનાર.

Translation

BG 2.3: હે પાર્થ, આ નપુંસકતા તને શોભા દેતી નથી. હે શત્રુઓનું દમન કરનાર, હૃદયની આવી ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા.

Commentary

જ્ઞાનોદયના પથ ઉપર સફળતાપૂર્વક પગલાં પાડવા માટે ઉચ્ચ આત્મબળ અને મનોબળ આવશ્યક છે. આળસ, આદતોની ઘરેડ, અજ્ઞાન, અને આસક્તિ જેવી ભૌતિક મનની નકારાત્મકતા ઉપર વિજય મેળવવા માટે વ્યક્તિએ આશાવાદી, ઉત્સાહી તેમજ ઊર્જાવાન બનવું જોઈએ. શ્રી કૃષ્ણ એક કુશળ ગુરૂ છે, અને આ રીતે અર્જુનને ઠપકો આપીને પરિસ્થિતિનો સામનો કરવા માટે તેની આંતરિક શક્તિઓને પ્રોત્સાહિત કરે છે.

શ્રીકૃષ્ણ અર્જુનને પૃથા-(કુંતીનું અન્ય નામ)-પુત્ર તરીકે સંબોધીને તેને તેની માતા કુંતીનું સ્મરણ કરવા આહ્વાન કરે છે. કુંતીએ દેવલોકના સમ્રાટ ઇન્દ્રની આરાધના કરી હતી, અને તેમના આશીર્વાદથી અર્જુનનો જન્મ થયો હતો. તેથી તે ઇન્દ્ર સમાન અસાધારણ સામર્થ્ય તેમજ પરાક્રમથી સંપન્ન હતો. શ્રી કૃષ્ણ  સ્મરણ કરાવીને તેને પ્રોત્સાહિત કરે છે કે અર્જુન તેના યશસ્વી પૂર્વજોને અનુરૂપ નથી તેવી આ નપુંસકતાને વશ ન થાય. પુન: તેઓ અર્જુનને પરંતપ અથવા તો શત્રુઓનું દમન કરનાર તરીકે સંબોધે છે. આ દ્વારા શ્રીકૃષ્ણ અર્જુનમાં તેના ક્ષત્રિય હોવાના અથવા તો મહાયોદ્ધા તરીકેનું તેનું કર્તવ્ય પાલનનો પરિત્યાગ કરવાની ઈચ્છારૂપી જે શત્રુ તેની અંદર ઉત્પન્ન થયો છે, તેનું દમન કરવા સૂચિત કરે છે.

શ્રીકૃષ્ણ તેને આગળ સ્પષ્ટ કરતાં કહે છે કે, તે જે અનુભૂતિ કરી રહ્યો છે, તે ન તો નૈતિક કર્તવ્ય છે કે ન તો વાસ્તવિક કરુણા છે; વાસ્તવમાં તે શોક અને ભ્રામકતા છે. જેનાં મૂળ તેના મનમાં રહેલી દુર્બળતામાં રહેલા છે. જો તેનું વર્તન વાસ્તવમાં જ્ઞાન અને દયા પર આધારિત હોત તો તેને મૂંઝવણ કે શોકનો અનુભવ થતો ના હોત.