નેહાભિક્રમનાશોઽસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે ।
સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ॥ ૪૦॥
ન—નહીં; ઈહ—આમાં; અભિક્રમ—પ્રયત્નો; નાશ:—હાનિ; અસ્તિ—છે; પ્રત્યવાય:—વિપરીત પરિણામ, હ્રાસ; ન—નહીં; વિદ્યતે—છે; સુ-અલ્પમ્—થોડુંક;અપિ—પણ; અસ્ય—આ; ધર્મસ્ય—ધર્મનું; ત્રાયતે—મુક્ત કરે છે; મહત:—મહાન; ભયાત્—ભયમાંથી.
Translation
BG 2.40: આ ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી, હાનિ કે વિપરીત પરિણામ મળતાં નથી અને થોડાંક પ્રયત્નો પણ મહા ભયમાંથી બચાવી લે છે.
Commentary
આપણે એ મહાન ખતરાનો સામનો કરી રહ્યાં છીએ કે, આવનારા જન્મમાં આપણને કદાચ માનવદેહ ન પણ મળે અને તેના બદલે આપણે નિમ્ન જાતિના જીવો જેમ કે, પશુ, પક્ષી, વગેરે જેવી નિમ્ન કક્ષાની યોનિઓમાં જવું પડે. આપણે એવી આત્મસંતુષ્ટિ રાખવી ન જોઈએ કે, આપણા માટે માનવદેહ અનામત રાખવામાં આવશે કારણ કે, પુનર્જન્મનો નિર્ણય આપણા આ જન્મના કર્મો અને ચેતનાવસ્થાના આધારે થાય છે.
પૃથ્વી પર કુલ ૮૪ લાખ યોનિઓ અસ્તિત્વ ધરાવે છે. માનવથી નિમ્ન કક્ષાની જાતિઓ-પશુઓ, પક્ષીઓ, માછલીઓ, જંતુઓ વગેરે- આપણા મનુષ્યો જેવી વિકસિત બુદ્ધિ ધરાવતા નથી. છતાં, તેઓ પણ ખાવું, પીવું, સૂવું, બચવું અને સંભોગ કરવો જેવી પ્રાકૃત ક્રિયાઓ કરે છે. માનવ યોનિ ઉચ્ચ ઉદ્દેશ્ય માટેની જ્ઞાનશક્તિથી સંપન્ન છે કે જેથી તેઓ તેનો ઉપયોગ સ્વયંના ઉત્થાન માટે કરી શકે. જો મનુષ્યો તેમની બુદ્ધિનો ઉપયોગ કેવળ ખાવું, પીવું, સૂવું, સંભોગ કરવો અને બચાવ કરવો, જેવી પાશવી ક્રિયાઓમાં વ્યસ્ત રહીને આનંદ લેવામાં કરે છે તો તે માનવ દેહનો દુરુપયોગ કરવા જેવું છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ ખાદ્યપદાર્થોના સેવનને જ જીવનનું પ્રાથમિક સુખ માનતી હોય તો તેવી વ્યક્તિ માટે ભૂંડનું શરીર વધારે ઉચિત બની જાય છે અને તેથી તે વ્યક્તિ આગામી જીવનમાં ભૂંડનું શરીર પ્રાપ્ત કરે છે. જો કોઈ નિંદ્રાને જીવનનું ધ્યેય બનાવે છે તો ભગવાન આ પ્રકારની પ્રવૃત્તિ માટે ધ્રુવીય રીંછ (polar bear)નું શરીર વધારે યોગ્ય ગણે છે અને અનુગામી જીવનમાં તેને તે યોનિ પ્રદાન કરે છે. તેથી સૌથી મહાન ખતરો આપણી સામે એ છે કે કદાચ આપણને આવતા જીવનમાં માનવજન્મ પ્રાપ્ત ના પણ થાય. વેદો કહે છે:
ઇહ ચેદવેદીદથ સત્યમસ્તિ ન ચેદિહાવેદીન્મહતી વિનષ્ટિઃ (કેનોપનિષદ્ ૨.૫)
“હે મનુષ્યો! માનવ જન્મ એ દુર્લભ અવસર છે. જો તમે તેનો ઉપયોગ તમારું પરમ લક્ષ્ય સાધવા નહિ કરો, તો તમારે મહા પતનનો સામનો કરવો પડશે.” પુન: તેઓ કહે છે:
ઇહ ચેદશકદ્ બોદ્ધું પ્રાક્શરીરસ્ય વિસ્રસઃ
તતઃ સર્ગેષુ લોકેષુ શરીરત્વાય કલ્પતે (કઠોપનિષદ્ ૨.૩.૪)
“જો તમે આ જીવનમાં ભગવદ્દ-પ્રાપ્તિ માટે પ્રયત્નો નહિ કરો, તો તમારે અનંત જન્મો સુધી ૮૪ લાખ યોનિઓમાં પરિભ્રમણ કરવું પડશે.”
જો કે, એકવાર આપણે આધ્યાત્મિક સાધનાની યાત્રાનો પ્રારંભ કરી દઈએ અને પછી જો તેને આ જીવન દરમ્યાન પૂર્ણ ના કરી શકીએ, તો ભગવાન તે માટેનાં આપણા ઉદ્દેશની વિદ્યમાનતા જાણતા હોવાથી તેઓ આપણને પુન: માનવ જન્મનું અનુદાન કરે છે કે જેથી જ્યાંથી આપણી યાત્રા છૂટી ગઈ હતી ત્યાંથી આગળ વધી શકીએ. આ માર્ગે આપણે મહાન સંકટને ટાળી શકીએ છીએ.
શ્રી કૃષ્ણ એ પણ કહે છે કે, આ પથના અનુસરણના પ્રયત્નોથી કદાપિ કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી. આનું કારણ એ છે કે વર્તમાન જીવનમાં આપણે જે કંઈ મિલકત ભેગી કરીએ છીએ તે મૃત્યુના સમયે છોડી જવી પડશે. પરંતુ જો આપણે યોગના પથ ઉપર જે કંઈ આધ્યાત્મિક પ્રગતિ કરીએ છીએ, ભગવાન તેનું રક્ષણ કરે છે અને એ પ્રમાણે આગામી જીવનમાં ફળ આપે છે. જેથી, જ્યાંથી આપણી સાધના છૂટી ગઈ હતી, ત્યાંથી પુન: પ્રારંભ કરી શકીએ. આ પ્રમાણે, અર્જુનને તેના લાભ વિષે સમજાવીને શ્રી કૃષ્ણ હવે આસક્તિરહિત કર્મના વિજ્ઞાન વિષે ઉપદેશ આપવાનો પ્રારંભ કરે છે.