Bhagavad Gita: Chapter 2, Verse 35

ભયાદ્રણાદુપરતં મંસ્યન્તે ત્વાં મહારથાઃ ।
યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસિ લાઘવમ્ ॥ ૩૫॥

ભયાત્—ભયથી; રણાત્—રણક્ષેત્રમાંથી; ઉપરતમ્—વિમુખ થયેલો; મંસ્યન્તે—માનશે; ત્વામ્—તને; મહારથા:—મહાન યોદ્ધાઓ કે જેઓ દસ હજાર સામાન્ય યોદ્ધાઓ સમાન બળ ધરાવતા હોય; યેષામ્—જેમને માટે; ચ—અને; ત્વમ્—તું; બહુમત:—અત્યંત આદરપાત્ર; ભૂત્વા—હોઈને; યાસ્યસિ—ગુમાવીશ; લાઘવમ્—તુચ્છ શ્રેણી.

Translation

BG 2.35: જે મહાન સેનાપતિઓ તારા મારે સમ્માનીય અભિપ્રાય ધરાવે છે, તેઓ માની લેશે કે ભયને કારણે તું રણક્ષેત્રમાંથી ભાગી છૂટયો છે અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ.

Commentary

અર્જુન પ્રખ્યાત યોદ્ધા હતો અને ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ વગેરે જેવા કૌરવ પક્ષના મહા શૂરવીર યોદ્ધાઓ માટે એક સમ્માનીય પ્રતિદ્વંદ્વી હતો. તેણે ઘણાં સ્વર્ગીય દેવતાઓ સાથે યુદ્ધ કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. શિકારીના વેશમાં આવેલા ભગવાન શિવ સાથે યુદ્ધ કરીને અર્જુને તેમને દિગ્મૂઢ કરી દીધા હતા. તેની વીરતા અને કૌશલ્યથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને સ્વર્ગીય શસ્ત્ર પાશુપાસ્ત્ર આપીને પુરસ્કૃત કર્યો હતો. તેના ધનુર્વિદ્યાના ગુરુ દ્રોણાચાર્યે તેને વિશેષ શસ્ત્રોરૂપે આશિષ પ્રદાન કર્યા હતા. જો સાવ યુદ્ધના પ્રારંભ પૂર્વે જ અર્જુન રણભૂમિમાંથી નિવૃત્ત થઈ જશે, તો આ અતિ પરાક્રમી યોદ્ધાઓ એ નહિ સમજે કે, સ્વજનો માટેના અનુરાગે તેને ભાગી છૂટવા પ્રેરિત કર્યો છે. તેઓ તો તેને કાયર ગણાશે અને ધારી લેશે કે, તે યુદ્ધમાંથી તેમની વીરતાના ડરથી ભાગ્યો છે.