Bhagavad Gita: Chapter 2, Verse 44

ભોગૈશ્વર્યપ્રસક્તાનાં તયાપહૃતચેતસામ્ ।
વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ સમાધૌ ન વિધીયતે ॥ ૪૪॥

ભોગ—ભૌતિક સુખભોગ; ઐશ્વર્ય—ઐશ્વર્ય; પ્રસક્તનામ્—જેમનું મન અતિ આસક્ત છે; તયા—તેના દ્વારા; અપહૃત-ચેતસામ્—વિહવળ બુદ્ધિવાળા; વ્યવસાય-આત્મિકા—દૃઢ સંકલ્પયુક્ત; બુદ્ધિ:—બુદ્ધિ; સમાધૌ—નિયંત્રિત મન; ન—કદી નહીં; વિધીયતે—થાય છે.

Translation

BG 2.44: જેમનું મન સાંસારિક સુખો પ્રત્યે અતિ આસક્ત છે અને જેમની બુદ્ધિ આવા વિષયોથી ભ્રમિત થઈ ગઈ છે, તેઓ એ દૃઢ સંકલ્પ કરવા માટે અસમર્થ હોય છે, જે ભગવદ્-માર્ગ પર સફળ થવા માટે આવશ્યક છે.

Commentary

જે લોકોનું મન ઇન્દ્રિયજન્ય વિષયભોગમાં આસક્ત છે, તેઓ ભોગ અને ઐશ્વર્ય માટે ચિંતિત રહે છે. તેઓ તેમની બુદ્ધિનો ઉપયોગ તેમની આવક વધારવા માટે કરે છે તેમજ કેવી રીતે તેમના ભૌતિક આધિપત્ય અને તેમના ભોગવિલાસમાં વૃદ્ધિ થાય તેનું જ ચિંતન કર્યા કરે છે. આ પ્રમાણે ભ્રમિત થઈને ભગવદ્-માર્ગ પર અગ્રેસર થવા આવશ્યક દૃઢ સંકલ્પ કરવા માટે અસમર્થ થઈ જાય છે.