ગુરૂનહત્વા હિ મહાનુભાવાન્
શ્રેયો ભોક્તું ભૈક્ષ્યમપીહ લોકે ।
હત્વાર્થકામાંસ્તુ ગુરૂનિહૈવ
ભુઞ્જીય ભોગાન્ રુધિરપ્રદિગ્ધાન્ ॥ ૫॥
ગુરુન્—ગુરુજનો; અહત્વા—ન મારવું; હિ—ખરેખર; મહાનુભાવાન્—ઉમદા વડીલો; શ્રેય:—અધિક સારું; ભોક્તુમ્—જીવન ભોગવવું; ભૈક્ષ્યમ્—ભિક્ષા માંગીને; અપિ—પણ; ઇહ લોકે—આ જગતમાં; હત્વા—હણીને; અર્થ—લાભ; કામાન્—ઈચ્છાથી; તુ—પરંતુ; ગુરુન્—ગુરુજનો; ઇહ—આ જગતમાં; એવ—નિશ્ચિત; ભુંજીય—ભોગવવું પડે છે; ભોગાન્—ભોગ વિલાસ; રુધિર—રક્ત; પ્રદિગ્ધાન્—રંજીત.
Translation
BG 2.5: આવા આદરણીય મહાપુરુષો કે જેઓ મારા ગુરુજનો છે, તેઓને હણીને જીવન માણવા કરતાં ભિક્ષા માંગીને આ જગતમાં જીવન નિર્વાહ કરવો અધિક શ્રેયસ્કર છે. જો અમે તેમનો સંહાર કરીશું, તો જે ઐશ્વર્ય તથા સુખો અમે ભોગવીશું તે રક્તરંજિત હશે.
Commentary
એમ કહેવું તર્કસંગત છે કે, અર્જુને તેના જીવનનિર્વાહ માટે યુદ્ધ કરવું અને સામ્રાજ્ય હાંસલ કરવું આવશ્યક છે. પરંતુ, અર્જુન એ વિચારધારાનું અહીં ખંડન કરે છે. તે કહે છે કે, તે આવો જધન્ય અપરાધ કરવાને બદલે ભિક્ષા માંગીને જીવનનિર્વાહ કરવાનું પસંદ કરશે. આ ઉપરાંત એ માને છે કે, જો તે યુદ્ધ લડવા જેવા જધન્ય કૃત્યમાં સંલિપ્ત થઈને તેના વડીલો તથા સંબંધીઓની હત્યા કરશે, તો તેનો અંતરાત્મા તેના આવા કૃત્યોના ફળસ્વરૂપ પ્રાપ્ત થયેલ સંપત્તિ અને સત્તાનું સુખ ભોગવવાની અનુમતિ નહિ આપે.
શેક્સપિયરનાં નાટક ‘મેકબેથ’ માં એક એવા પાત્રનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે, જે અનૈતિક વર્તણૂકથી મેળવેલ સંપત્તિ અને સત્તાનો આનંદ લેવાની વાત તો દૂર, તેના ગુનાહિત અંતરાત્માને કારણે તે નિંદ્રાની કુદરતી અવસ્થાને પણ માણી શકતો નથી. મેકબેથ સ્કોટલેન્ડનો એક સમ્માનિત વ્યક્તિ હતો. એક વખત સ્કોટલેન્ડ નો રાજા પ્રવાસ દરમ્યાન રાત્રિ વિશ્રામ માટે તેના ઘરે આવ્યો. મેક્બેથની પત્નીએ તે રાજાનું ખૂન કરવા અને તેનું સિંહાસન પચાવી પાડવા તેને ઉશ્કેર્યો. મેકબેથે તેની સલાહથી પ્રભાવિત થઈને રાજાની હત્યા કરી નાખી, અને પશ્ચાત્ મેકબેથ તથા તેની પત્નીને સ્કોટલેન્ડના રાજા-રાણી તરીકે તાજ પહેરાવવામાં આવ્યા. આમ છતાં, આ ઘટનાનાં વર્ષો બાદ, મેકબેથ રાત્રિ દરમ્યાન સંપૂર્ણ જાગૃત અવસ્થામાં મહેલમાં ફરતો જોવા મળ્યો. લેખક લખે છે, “મેક્બેથે નિંદ્રાધીન વ્યક્તિની ષડયંત્ર રચીને હત્યા કરી છે અને તેથી જ મેક્બેથ ક્યારેય સૂઈ શકશે નહિ.” રાણી વારંવાર તેના હાથ ધોતી જોવા મળી, જાણે રક્તના કાલ્પનિક ડાઘ દૂર કરી રહી હોય! આ શ્લોકમાં, અર્જુન સંવેદના વ્યક્ત કરતાં કહે છે કે, જો તે આ આદરણીય વડીલોનો વધ કરશે, તો તેમના રક્તથી રંજીત તેનો અંતરાત્મા તેને ક્યારેય સામ્રાજ્યના શાસનથી પ્રાપ્ત રાજવી સુખો ભોગવવાની અનુમતિ નહિ આપે.