ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ ।
ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ્ ॥ ૧૨॥
ન—કદી નહીં; તુ—પરંતુ; એવ—નક્કી; અહમ્—હું; જાતુ—કોઈપણ વખતે; ન—નહીં; આસમ્—વિદ્યમાન; ન—નહીં; ત્વમ્—તું; ન—નહીં; ઇમે—આ બધાં; જન-અધિપા:—રાજાઓ; ન—કદી નહીં; ચ—પણ; એવ—નિશ્ચિત; ન ભવિષ્યામ:—ન રહીશું; સર્વે વયમ—આપણે બધા; અત:—હવે; પરમ્—પછી.
Translation
BG 2.12: એવું ક્યારેય ન હતું કે હું વિદ્યમાન ન હતો કે તું ન હતો અથવા તો આ બધાં રાજાઓ ન હતા અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ.
Commentary
ડેલ્ફી સ્થિત એપોલો મંદિરના દ્વાર પર આ શબ્દો કોતરવામાં આવ્યા છે, Gnothi Seuton ગ્નોતિ સ્યુતોન, અર્થાત્ “સ્વયંને જાણો.” એથેન્સના વૃદ્ધ શાણા માણસ, સોક્રેટીસને પણ લોકોને સ્વયંની પ્રકૃતિમાં આંતરિક શોધ કરવાની પ્રેરણા આપવાનો શોખ હતો. ત્યાંની એક સ્થાનિક દંતકથા આ પ્રમાણે છે. એકવાર, સોક્રેટીસ ગહન તત્ત્વજ્ઞાનીય ચિંતનમાં મગ્ન, એક શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતે એક વ્યક્તિ સાથે અથડાઈ ગયા. પેલો માણસ ક્રોધથી ધૂંધવાતા બોલ્યો, “તમને દેખાતું નથી, તમે ક્યાં ચાલી રહ્યા છો? તમે કોણ છો?” સોક્રેટીસે રમૂજમાં ઉત્તર આપ્યો, “મારા પ્રિય મિત્ર, છેલ્લા ચાળીસ વર્ષોથી હું આ પ્રશ્ન અંગે ચિંતન કરી રહ્યો છું. જો તમને ક્યારેય પણ જાણ થાય કે હું કોણ છું તો મહેરબાની કરીને મને પણ જણાવજો.”
વૈદિક પરંપરામાં, જયારે પણ દિવ્ય જ્ઞાન આપવામાં આવે છે, ત્યારે પ્રાય: તેનો પ્રારંભ આત્મજ્ઞાનની શિક્ષાથી થાય છે. શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં આવો જ અભિગમ અપનાવે છે, કે જેનાથી સોક્રેટીસ પ્રભાવિત થઈ ગયો હોત. શ્રી કૃષ્ણ એ ઉપદેશ સાથે પ્રારંભ કરે છે કે, જે અસ્ત્તિત્વને આપણે “સ્વયં” તરીકે ઓળખીએ છીએ, તે વાસ્તવમાં આત્મા છે, નહીં કે માયિક શરીર. તે આત્મા, સ્વયં ભગવાનની સમાન શાશ્વત છે. શ્વેતાશ્વર ઉપનિષદ્દમાં વર્ણન છે:
જ્ઞાજ્ઞૌ દ્વાવજાવીશનીશા-
વજા હ્યેકા ભોક્તૃભોગ્યાર્થયુક્તા
અનન્તશ્ચાત્મા વિશ્વરૂપો હ્યકર્તા
ત્રયં યદા વિન્દતે બ્રહ્મમેતત્ (૧.૯)
ઉપરોક્ત શ્લોક વર્ણવે છે કે, આ સર્જન એ ત્રણ તત્ત્વોનું સંયોજન છે—ભગવાન, જીવાત્મા અને માયા—અને આ ત્રણેય તત્વો શાશ્વત છે. જો આપણે માનતા હોઈએ કે આત્મા નિત્ય છે, તો તે માન્યતા તર્કસંગત છે કે, માયિક શરીરના મૃત્યુ પશ્ચાત્ જીવન છે. શ્રી કૃષ્ણ આ વિષે હવે પછીના શ્લોકમાં આ અંગે ઉપદેશ આપે છે.