Bhagavad Gita: Chapter 2, Verse 37

હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્ ।
તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ ॥ ૩૭॥

હત:—હણાઈ જવાથી; વા—અથવા; પ્રાપ્સ્યસિ—પ્રાપ્ત કરીશ; સ્વર્ગમ્—સ્વર્ગલોક; જીત્વા—જીતીને; વા—અથવા; ભોક્ષ્યસે—ભોગવીશ; મહીમ્—પૃથ્વીનું રાજ્ય; તસ્માત્—તેથી; ઉત્તિષ્ઠ—ઉભો થા; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; યુધ્ધાય—લડવા માટે; કૃત-નિશ્ચય—દૃઢ નિર્ધાર.

Translation

BG 2.37: જો તું યુદ્ધ કરીશ, તો કાં તો તું રણભૂમિ પર હણાઈ જઈશ અને સ્વર્ગ પ્રાપ્ત કરીશ અથવા તો તું વિજય પ્રાપ્ત કરીશ અને પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ. તેથી હે કુંતીપુત્ર! કૃતનિશ્ચયી થઈને ઊભો થા અને યુદ્ધ માટે તૈયાર થા.

Commentary

શ્લોક સં. ૨.૩૧થી આગળ વધીને, શ્રી કૃષ્ણ હજી વર્ણાશ્રમ ધર્મના સ્તરે દિવ્ય ઉપદેશનું વ્યાખ્યાન આપી રહ્યા છે. તેઓ અર્જુનને તેના કર્તવ્યના પાલનના પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થનારી બે સંભાવનાઓ વિષે સમજાવી રહ્યા છે. જો અર્જુન વિજયી બનશે, તો પૃથ્વીનું સામ્રાજ્ય તેની પ્રતીક્ષા કરી રહ્યું છે અને જો ધર્મનું પાલન કરતાં તેના પ્રાણ ન્યોછાવર થઈ જશે, તો તે સ્વર્ગલોકમાં જશે.