Bhagavad Gita: Chapter 2, Verse 15

યં હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ ।
સમદુઃખસુખં ધીરં સોઽમૃતત્વાય કલ્પતે ॥ ૧૫॥

યમ્—જેને; હિ—નિશ્ચિતરૂપે; ન—નહીં; વ્યથયન્તિ—પીડાકારી હોય છે; એતે—આ; પુરુષમ્—મનુષ્ય; પુરુષ-ઋષભ:—પુરુષશ્રેષ્ઠ, અર્જુન; સમ—સમાન; દુ:ખ—દુ:ખ; સુખમ્—સુખ; ધીરમ્—ધીરને; સ:—તે મનુષ્ય; અમૃતતત્વાય—મુક્તિ માટે; કલ્પતે—યોગ્ય છે.

Translation

BG 2.15: હે પુરુષ શ્રેષ્ઠ, અર્જુન! જે પુરુષ સુખ તથા દુ:ખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે, તે મુક્તિ માટે સર્વથા યોગ્ય છે.

Commentary

પાછલા શ્લોકમાં શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કર્યું કે, સુખ અને દુ:ખ બંનેની અનુભૂતિ ક્ષણિક છે. હવે તેઓ અર્જુનને વિભેદનથી આ દ્વૈતતાથી ઉપર ઉઠવા પ્રોત્સાહિત કરે છે. આ વિભેદનને સમજવા માટે આપણે સર્વ પ્રથમ બે મહત્ત્વના પ્રશ્નોનો ઉત્તર સમજવો પડશે. ૧) શા માટે આપણે સુખની મનોકામના સેવીએ છીએ? ૨) શા માટે માયિક સુખ આપણને સંતુષ્ટ કરતા નથી?

પ્રથમ પ્રશ્નનો ઉત્તર અત્યંત સરળ છે. ભગવાન અનંત આનંદનો મહાસાગર છે,અને આપણે આત્માઓ તેમનો અંશ છીએ. આનો મૂળભૂત અર્થ એ છે કે, આપણે પરમાનંદના અનંત મહાસાગરનો એક વિખૂટો પડેલો ભાગ છીએ. સ્વામી વિવેકાનંદ લોકોને “હે અવિનાશી આનંદના પુત્રો” કહીને સંબોધતા હતા. જે પ્રકારે બાળક પોતાની માતા પ્રત્યે દોરવાય છે, ત્યારે તેનો પ્રત્યેક ભાગ સ્વાભાવિક રીતે તેની સમગ્રતા તરફ ખેંચાય છે. બરાબર એ જ રીતે પરમાનંદના મહાસાગરના અતિ સૂક્ષ્મ અંશ હોવાથી, આપણે આત્માઓ પણ આ જ પરમાનંદ તરફ આકર્ષિત થઈએ છીએ. તેથી જ, આપણે આ સંસારમાં પ્રત્યેક કાર્ય સુખ પ્રાપ્તિના હેતુથી જ કરીએ છીએ. આ સુખ ક્યાં છે તથા તે કયા સ્વરૂપમાં મળશે, તે અંગે આપણા સૌના  ભિન્ન-ભિન્ન મત હોઈ શકે, પરંતુ પ્રત્યેક જીવંત વ્યક્તિ તે સિવાય અન્ય કંઈ ઈચ્છતી નથી.

હવે, આપણે બીજા પ્રશ્નનો ઉત્તર સમજીએ. આત્મા, ભગવાનનો જ સૂક્ષ્મ અંશ હોવાના  કારણે, સ્વયં ભગવાનની સમાન સ્વભાવગત દિવ્ય છે. તેથી જે સુખની કામના આત્મા કરે છે, તે પણ દિવ્ય છે. આ પ્રકારનો આનંદ નિમ્ન લિખિત ત્રણ લક્ષણો ધરાવે છે:

૧. તે અનંત માત્રામાં હોવો જોઈએ.

૨. તે શાશ્વત હોવો જોઈએ.

૩. તે નિત્ય-નૂતન હોવો જોઈએ.

ભગવાનનો આનંદ આવો અલૌકિક છે, જેને સત્-ચિત્-આનંદ અર્થાત્ શાશ્વત-ચેતન-આનંદ મહાસાગર તરીકે વર્ણવવામાં આવ્યો છે. આમ છતાં, ઇન્દ્રિયોના વિષયો સાથેના ઇન્દ્રિયોના સંપર્કને કારણે આપણે જે આનંદની અનુભૂતિ કરીએ છીએ, તે આનાથી વિપરીત છે. તે અસ્થાયી, સીમિત અને ક્ષણિક હોય છે. આથી, લૌકિક આનંદ જેનો બોધ આપણને શરીર દ્વારા થાય છે, તે ક્યારેય દિવ્ય આત્માને સંતોષી શકતો નથી.

આ ભેદના આધારે, આપણે ભૌતિક આનંદના બોધને તથા ભૌતિક દુ:ખના મનોવેગને સમાન રીતે સહન કરતાં શીખવું જોઈએ. (આ બીજા દૃષ્ટિકોણની આગામી શ્લોકો, જેવા કે, ૨.૪૮, ૫.૨૦, વગેરેમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.) તો જ આપણે આ દ્વૈતતાથી ઉપર ઊઠી શકીશું અને આ માયિક શક્તિ આપણને ક્યારેય બંધનયુકત નહિ રહે.