યોગસ્થઃ કુરુ કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા ધનઞ્જય ।
સિદ્ધ્યસિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥ ૪૮॥
યોગ-સ્થ:—યોગમાં સ્થિત; કુરુ—કર; કર્માણિ—કર્તવ્યો; સંગમ્—આસક્તિ; ત્યકત્વા—ત્યજીને; ધનંજય—હે અર્જુન; સિદ્ધિ-અસિદ્ધ્યો:—સફળતામાં કે નિષ્ફળતામાં; સમ:—સમતોલ; ભૂત્વા—થઈને; સમત્વમ્—સમતા; યોગ:—યોગ; ઉચ્યતે—કહેવાય છે.
Translation
BG 2.48: હે અર્જુન! સફળતા અને નિષ્ફળતાની સર્વ આસક્તિ ત્યજીને, તારા કર્મોના પાલનમાં સ્થિર થા. આવી સમતાને સમત્વ યોગ કહે છે.
Commentary
સમત્વ, જે આપણને બધા પ્રકારના સંજોગોને શાંતિથી સ્વીકારવા માટે સમર્થ કરે છે, તે એટલી પ્રશંસનીય છે કે, શ્રી કૃષ્ણ તેને યોગ અર્થાત્ પરમાત્મા સાથેની સંધિ કહે છે. આ સમભાવ પૂર્વ શ્લોકમાં વર્ણિત જ્ઞાનને અમલમાં મૂકવાથી આવે છે. જયારે આપણે એ સમજી જઈએ કે, પ્રયત્નો કરવા આપણા હાથમાં છે, પરિણામ નહિ. તો પછી આપણને કેવળ આપણા કર્તવ્ય પૂરતી જ નિસ્બત રહે છે. પરિણામ તો ભગવાનના સુખ માટે છે અને તેથી આપણે તેને ભગવાનને જ સમર્પિત કરવાં જોઈએ. હવે, જો પરિણામ આપણી અપેક્ષા પ્રમાણે ન મળે તો આપણે તેને શાંતિથી ભગવાનની ઈચ્છા તરીકે સ્વીકારીએ છીએ. આ રીતે આપણે કીર્તિ અને અપકીર્તિ, સફળતા અને નિષ્ફળતા, સુખ અને દુ:ખ આ બધું ભગવાનની ઈચ્છા સમજીને સ્વીકારવા સમર્થ બનીએ છીએ અને જયારે આપણે બંનેને સમાનતાથી અપનાવી લઈએ છીએ, ત્યારે આપણામાં સમભાવ વિકસિત થાય છે, જેના વિષે શ્રી કૃષ્ણ સમજાવે છે.
આ શ્લોક જીવનના ઉતાર-ચડાવનું વ્યાવહારિક નિવારણ છે. જો આપણે સમુદ્રમાં નાવ ચલાવતા હોઈએ તો એ કુદરતી રીતે અપેક્ષિત છે કે, સમુદ્રના મોજાઓથી નાવમાં હલન-ચલન થશે. જો આપણે દરેક વખતે તરંગ દ્વારા નાવના હલનચલનથી વ્યથિત થઈ જશું, તો આપણા દુ:ખોનો કોઈ અંત નહિ રહે. જો આપણે એવી અપેક્ષા રાખીએ કે, તરંગો જ ઉત્પન્ન ના થાય, તો આપણે સમુદ્રને તેની પ્રાકૃતિકતાથી અલગ સ્વરૂપમાં ઢાળવાની વાત કરીએ છીએ. તરંગો, સમુદ્રનું અભિન્ન તત્ત્વ છે. એ જ રીતે, જયારે આપણે જીવન-સાગરમાંથી પસાર થઈએ, ત્યારે તે બધા જ પ્રકારના તરંગો ઉત્પન્ન કરે છે, જે આપણા નિયંત્રણમાં હોતા નથી. જો આપણે નકારાત્મક પરિસ્થિતિઓને દૂર કરવાનો સંઘર્ષ કર્યા કરીશું, તો પણ આપણે દુ:ખને ટાળી શકીશું નહિ. પરંતુ જો આપણે આપણા ઉત્તમ પ્રયત્નોનો ત્યાગ કર્યા વિના, માર્ગમાં જે કંઈ આવે તેનો સ્વીકાર કરતાં શીખી શકીશું, તો આપણે ભગવાનની ઈચ્છાને શરણાગત થઈ શકીશું અને તે જ સાચો યોગ છે.