Bhagavad Gita: Chapter 2, Verse 29

આશ્ચર્યવત્પશ્યતિ કશ્ચિદેનમ્-
આશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્યઃ ।
આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ
શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત્ ॥ ૨૯॥

આશ્ચર્યવત્—આશ્ચર્યકારક; પશ્યતિ—જુએ છે; કશ્ચિત્—કોઈ; એનમ્—આ આત્મા; આશ્ચર્યવત્—આશ્ચર્યકારક; વદતિ—કહે છે; તથા—તે રીતે; એવ—નિશ્ચિત; ચ—અને; અન્ય:—બીજો; આશ્ચર્યવત્—આશ્ચર્યકારક; ચ—પણ; એનમ્—આ આત્મા; અન્ય:—બીજા; શ્રુણોતિ—સાંભળે છે; શ્રુત્વા—સાંભળીને; અપિ—પણ; એનમ્—આ આત્મા; વેદ—જાણે છે; ન—નહીં; ચ—અને; એવ—નિશ્ચિત; કશ્ચિત્—કોઈ.

Translation

BG 2.29: કેટલાક લોકો આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે, કેટલાક તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કેટલાક તેના વિષે આશ્ચર્ય તરીકે સાંભળે છે, જયારે બીજા તેના વિષે સાંભળ્યા પછી પણ, તેને લેશમાત્ર સમજી શકતા નથી.

Commentary

અતિ લઘુ અણુથી કરીને વિશાળ આકાશગંગાઓ સુધી સમગ્ર વિશ્વ આશ્ચર્યોથી ભરેલું છે, કારણ કે આ બધું ભગવાનનું અદ્ભુત સર્જન છે. એક નાનાં પુષ્પની સંરચના, સુગંધ અને સુંદરતા પોતે પણ એક આશ્ચર્ય છે. પરમપિતા પરમાત્મા સ્વયં સૌથી મોટું આશ્ચર્ય છે. એવું કહેવાય છે કે, અનંત શેષ, દસ હજાર શિષ ધરાવતો દિવ્ય નાગ જેના પર ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે, તે સર્જનના પ્રારંભથી ભગવાનની મહિમાનું નિરંતર ગાન કરે છે, છતાં હજી સુધી પૂર્ણ કરી શક્યો નથી.

આત્મા, ઈશ્વરનો અપૂર્ણ અંશ હોવાથી, વિશ્વના અન્ય સર્વ પદાર્થો કરતા અધિક આશ્ચર્યકારક છે, કારણ કે તે માયિક અસ્તિત્વથી અનુભવાતીત છે. જેમ ભગવાન દિવ્ય છે, તેમ તેનો અંશ આત્મા પણ દિવ્ય છે. તેથી આત્માનું અસ્તિત્વ અને પ્રકૃતિ ગ્રહણ કરવા કઠિન છે અને આ કારણે, કેવળ બૌદ્ધિક કૌશલ્ય આત્માને સમજવા માટે પર્યાપ્ત નથી.

                                   શ્રવણાયાપિ બહુભિર્યો ન લભ્યઃ

                                   શ્રુણ્વન્તોઽપિ બહવો યં ન વિદ્યુઃ

                                   આશ્ચર્યો વક્તા કુશલોઽસ્ય લબ્ધા-

                                   ઽઽશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટઃ (કઠોપનિષદ્દ ૧.૨.૭)

“એક આત્મજ્ઞાની ગુરુ મળવો દુર્લભ છે. આવા ગુરુ પાસેથી આત્મ-સાક્ષાત્કારના વિષયનો ઉપદેશ સાંભળવાનો અવસર પ્રાપ્ત થવો, તે તેનાથી પણ દુર્લભ છે. જો, પરમ સૌભાગ્યથી, આવો અવસર સ્વયં પ્રાપ્ત થઈ જાય તો પણ, એવો શિષ્ય કે જે આ વિષય સમજી શકે, તે તો અતિ દુર્લભ છે. તેથી, પ્રબુદ્ધ ગુરુ, તેના સંનિષ્ઠ પ્રયત્નો છતાં જયારે મોટા ભાગના લોકો કાં તો આત્માના વિજ્ઞાનમાં રુચિ ધરાવતા નથી અથવા તો તેને સમજી શકતા નથી, ત્યારે નિરાશ થતો નથી.