શ્રીભગવાનુવાચ ।
અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ।
ગતાસૂનગતાસૂંશ્ચ નાનુશોચન્તિ પણ્ડિતાઃ ॥ ૧૧॥
શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; અશોચ્યાન્—જે શોક કરવા યોગ્ય નથી; અન્વશોચ:—શોક કરી રહ્યો છે; ત્વમ્—તું; પ્રજ્ઞા-વાદાન્—વિધ્વત્તાપૂર્ણ વાતો; ચ—અને; ભાષસે—કહે છે; ગત અસુન્—પ્રાણ ગયેલા; અગત અસુન્—પ્રાણ નહીં ગયેલા; ચ—પણ; ન—કદી નહી; અનુશોચન્તિ—શોક કરે છે; પંડિતા:—વિદ્વાન પંડિતો.
Translation
BG 2.11: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: તું વિદ્વત્તાભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી, તેના માટે તું શોક કરી રહ્યો છે. જેઓ જ્ઞાની હોય છે, તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી.
Commentary
આ શ્લોક સાથે, શ્રી કૃષ્ણ તેમના ઉપદેશને નાટકીય રીતે પ્રારંભિક વચનથી દીક્ષિત કરે છે. અર્જુન એવા કારણો અંગે શોક કરે છે, જે તેની દૃષ્ટિએ યથાર્થ પ્રતીત થાય છે. પરંતુ તેના પ્રત્યે સહાનુભૂતિ પૂર્ણ વ્યવહાર કરવાના બદલે, શ્રી કૃષ્ણ તેના તર્કોનું ખંડન કરે છે. તેઓ કહે છે, “અર્જુન, યદ્યપિ તને લાગે છે કે તું વિદ્વત્તાપૂર્ણ વાતો કરી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં તું અજ્ઞાનતાપૂર્ણ વાતો અને વ્યવહાર કરી રહ્યો છે. કોઈ પણ કારણ શોકને ન્યાયોચિત સાબિત કરતું નથી. પંડિતો—જેઓ જ્ઞાની છે—તેઓ કદાપિ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. તેથી તું તારાં સગાંઓનો સંહાર કરવાના શોકની જે કલ્પના કરી રહ્યો છે, તે ભ્રામક છે અને તે સિદ્ધ કરે છે કે તું પંડિત નથી.”
શોકથી પરે હોય એવી સમજુ વ્યક્તિને શોધવા ગીતામાં બહુ દૂર જવું પડે એમ નથી, કારણ કે સ્વયં ભીષ્મ પિતામહ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ એક એવા ઋષિ સમાન પુરુષ હતા, જેમણે જીવન અને મૃત્યુના રહસ્યોને સમજ્યા હતા તથા સંયોગોની દ્વૈતતાથી ઉપર ઉઠેલા હતા. પ્રત્યેક સંભવિત પરિસ્થિતિઓમાં સ્વસ્થતા ધારણ કરનાર તેમણે દુષ્ટ વ્યક્તિઓના પક્ષે રહેવાનું પણ સ્વીકાર્યું, જો તે દ્વારા પ્રભુની સેવા થતી હોય! આ દ્વારા તેમણે પ્રદર્શિત કર્યું કે, જેઓ ભગવાનને શરણાગત છે, તેઓ પ્રત્યેક પરિસ્થિતિમાં, પરિણામથી પ્રભાવિત થયા વિના, પોતાની ફરજ નિભાવે છે. આવી વ્યક્તિઓ કદાપિ શોક કરતા નથી કારણ કે, તેઓ તમામ પરિસ્થિતિઓને ભગવાનની કૃપા તરીકે સ્વીકારે છે.