Bhagavad Gita: Chapter 2, Verse 10

તમુવાચ હૃષીકેશઃ પ્રહસન્નિવ ભારત ।
સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તમિદં વચઃ ॥ ૧૦॥

તમ્—તેને; ઉવાચ—બોલ્યા; હૃષીકેશ:—શ્રી કૃષ્ણ, મન તથા ઇન્દ્રિયોના સ્વામી; પ્રહસન્—સ્મિત કરતાં કરતાં; ઈવ—જાણે કે; ભારત—ભરતવંશી, ધૃતરાષ્ટ્ર; સેનયો:—સૈન્યોની; ઉભયો:—બંનેની; મધ્યે—મધ્યમાં; વિષીદંતમ્—શોકમગ્ન; ઈદમ્—આ; વચ:—વચનો.

Translation

BG 2.10: હે ધૃતરાષ્ટ્ર, તે પછી બંને સૈન્યોની મધ્યે, ભગવાન શ્રી કૃષ્ણે, શોકમગ્ન અર્જુનને સ્મિતપૂર્વક આ પ્રમાણે વચનો કહ્યાં.

Commentary

અર્જુનના શોક્યુક્ત શબ્દોથી તદ્દન વિપરીત, શ્રીકૃષ્ણનું સ્મિત એ પ્રદર્શિત કરે છે કે, પરિસ્થિતિ તેમને નિરાશ કરતી નથી; પરંતુ તેઓ આ પરિસ્થિતિમાં પણ પૂર્ણતયા પ્રસન્ન છે. આ પ્રકારની સમભાવ મનોવૃત્તિ તે જ પ્રદર્શિત કરી શકે જે સર્વ પરિસ્થિતિના જ્ઞાની હોય.

આપણી અપૂર્ણ સમજશક્તિને કારણે, આપણે જે પરિસ્થિતિમાં હોઈએ છીએ તેનો દોષ કાઢીએ છીએ—આપણે તેના વિષે ફરિયાદ કરીએ છીએ અથવા તો અસંતોષ વ્યક્ત કરીએ છીએ, તેનાથી દૂર ભાગવા માગીએ છીએ તથા તેને જ આપણા દુ:ખ માટે જવાબદાર ઠરાવીએ છીએ. પરંતુ પ્રબુદ્ધ સંત મહાત્માઓ આપણને સૂચિત કરે છે કે, ભગવાન દ્વારા સર્જિત આ જગત સર્વ પ્રકારે સંપૂર્ણ છે તથા આપણા જીવનમાં આવતી સારી તેમજ ખરાબ બંને પરિસ્થિતિઓ દિવ્ય પ્રયોજન સાથે આવે છે. તેઓ આપણા આધ્યાત્મિક ઉત્થાન માટે રચાઈ હોય છે, જે આપણને સંપૂર્ણતાની યાત્રામાં આગળ વધવા માટે સહાયરૂપ થાય છે. જેઓ આ રહસ્યને સમજે છે, તેઓ કઠિન સંજોગોમાં ક્યારે પણ વિચલિત થતા નથી, પરંતુ તેનો શાંતિ અને સ્વસ્થતાથી સામનો કરે છે.

“હિમકણો મંદ ગતિથી ભૂમિ ઉપર પડે છે, દરેક કણ તેના યોગ્ય સ્થાને જ પડે છે.” આ તાઓની પ્રચલિત અભિવ્યક્તિ છે. આ કથન જગતની નકશીની અંતર્ગત પરિપૂર્ણતા તથા તેમાં ઘટતી બૃહદ ઘટનાઓને ખૂબ સુંદર રીતે અભિવ્યક્ત કરે છે, છતાં પણ આપણા માયિક પરિપ્રેક્ષ્યથી આપણે તેને જોઈ શકતા નથી.

છાંદોગ્ય ઉપનિષદ્ માં સ્પષ્ટ કર્યું છે કે વિશ્વમાં ભૂકંપો, પ્રચંડ આંધીઓ, ચક્રવાતો, જળ પ્રલયો અને ઝંઝાવાતોનું સર્જન ભગવાન દ્વારા ભવ્ય યોજનાના એક ભાગરૂપે શા માટે કરવામાં આવ્યું છે. તે કહે છે કે, ભગવાન હેતુપૂર્વક આપત્તિજનક પરિસ્થિતિઓનું સર્જન કરે છે કે, જેથી લોકોને તેમની આધ્યાત્મિક પ્રગતિની યાત્રામાં શિથિલ થતા રોકી શકાય. જયારે લોકો આત્મસંતુષ્ટ થઈ જાય છે, ત્યારે કુદરતી આપત્તિ મનુષ્યને તેમની પૂરી શક્તિથી તેનો સામનો કરવા દબાણ કરવા ઉત્પન્ન થાય છે, જે તેમનો ઉત્કર્ષ સુનિશ્ચિત કરે છે. અહીં એ નોંધવું આવશ્યક છે કે, જે ઉન્નતિની આપણે વાત કરી રહ્યા છીએ, તેનું તાત્પર્ય માયિક બહિર્મુખ સુખ-સુવિધાઓમાં વધારો કરવાનો નથી, પરંતુ જીવનના સાતત્યમાં આત્માની ભવ્ય દિવ્યતાના આંતરિક પ્રકટીકરણ અંગે છે.