વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ કુરુનન્દન ।
બહુશાખા હ્યનન્તાશ્ચ બુદ્ધયોઽવ્યવસાયિનામ્ ॥ ૪૧॥
વ્યવસાય-આત્મિકા—દૃઢ સંકલ્પ; બુદ્ધિ:—બુદ્ધિ; એકા—એકજ; ઈહ—આ પથ પર; કુરુનંદન—કુરુના પુત્રો; બહુ-શાખા:—અનેક શાખાઓ; હિ—ખરેખર; અનન્તા:—અપાર; ચ—પણ; બુધ્ધય:—બુદ્ધિ; અવ્યવસાયિનામ્—દૃઢ સંકલ્પરહિત.
Translation
BG 2.41: હે કુરુનંદન, જે મનુષ્યો આ માર્ગનું અનુસરણ કરે છે તેઓની બુદ્ધિ દૃઢ સંકલ્પમાં સ્થિત હોય છે અને તેમનું ધ્યેય પણ એકમાત્ર જ હોય છે. જે મનુષ્યો દૃઢ સંકલ્પમાં સ્થિત નથી, તેઓની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત રહે છે.
Commentary
આસક્તિ એ મનનું કાર્ય છે. મન વારંવાર આસક્તિના વિષયો જેવાં કે વ્યક્તિ, ઇન્દ્રિયજન્ય પદાર્થ, પ્રતિષ્ઠા, શારીરિક સુવિધા, પરિસ્થિતિ વગેરે તરફ દોડે છે, તે આ બાબતને સ્પષ્ટ કરે છે. તેથી જો કોઈ વ્યક્તિ અથવા વિષયના વિચાર પુન: પુન: મનમાં આવે છે, તો મન તેમાં આસક્ત હોવાનો તે નિશ્ચિત સંકેત છે. છતાં પણ, જો મન જ આસક્ત થાય છે તો પછી શ્રી કૃષ્ણ શા માટે બુદ્ધિને આસક્તિના મુદ્દામાં લઈ આવે છે? શું આસક્તિના ઉન્મૂલનમાં બુદ્ધિની કોઈ ખાસ ભૂમિકા છે?
આપણા શરીરમાં સૂક્ષ્મ અંત:કરણ આવેલું છે, જેને આપણે લૌકિક ભાષામાં હૃદય કહીએ છીએ. તે મન, બુદ્ધિ અને અહંકારથી બનેલું છે. આ સૂક્ષ્મ યંત્રમાં બુદ્ધિ મનથી અધિક શ્રેષ્ઠ છે. તે નિર્ણય લે છે, જયારે મન ઈચ્છાઓનું સર્જન કરે છે અને બુદ્ધિના નિશ્ચય પ્રમાણે આસક્તિના વિષય પ્રત્યે મોહિત થાય છે. ઉદાહરણ તરીકે, જો બુદ્ધિ નિશ્ચય કરે કે ધન એ સુખનો સ્ત્રોત છે તો મન સંપત્તિ માટે લાલાયિત થઇ જાય છે. જો બુદ્ધિ નિશ્ચય કરે કે પ્રતિષ્ઠા જીવનમાં સૌથી વધારે મહત્ત્વની છે, તો મનની કીર્તિ અને ખ્યાતિ માટેની ઉત્કંઠા વધી જાય છે. બીજા શબ્દોમાં, બુદ્ધિના જ્ઞાનને અનુસરીને મન ઈચ્છાઓ વિકસિત કરે છે.
સમગ્ર દિવસ દરમ્યાન આપણે માનવો બુદ્ધિ દ્વારા મનને નિયંત્રિત કરીએ છીએ. જયારે આપણે ઘરમાં બેઠાં હોઈએ છીએ, ત્યારે આપણે મનને સુવિધા રહે તેવી અનૌપચારિક મુદ્રામાં બેસીએ છીએ. છતાં, જયારે આપણે કાર્યાલય (ઓફીસ)માં હોઈએ છીએ, ત્યારે ઉચિત ઔપચારિક મુદ્રા જ અપનાવીએ છીએ. એવું નથી કે, મન કાર્યાલયની ઔપચરિકતામાં સુખ અનુભવે છે-અપિતુ અવસર મળતાં જ તે ઘર જેવી અનૌપચારિકતા પસંદ કરશે. આમ છતાં, બુદ્ધિ નિર્ણય કરે છે કે કાર્યાલયમાં ઔપચારિક વર્તણૂક આવશ્યક છે. તેથી બુદ્ધિ મનને નિયંત્રિત કરે છે અને લોકો આખો દિવસ મનની પ્રકૃતિથી વિપરીત કાર્યાલયના શિષ્ટાચારને અનુસરીને ઔપચારિક મુદ્રામાં બેઠા રહે છે. બરાબર એ જ રીતે, મનને કાર્યાલયના કાર્ય કરવામાં આનંદ મળતો નથી—જો તેને સ્વતંત્રતા આપવામાં આવે તો તે ઘરે બેસીને ટેલીવિઝન જોવાનું પસંદ કરશે. પરંતુ બુદ્ધિ આદેશ આપે છે કે જીવનનિર્વાહ અંગે ધન પ્રાપ્ત કરવા કાર્યાલયમાં કાર્ય કરવું આવશ્યક છે. આમ, બુદ્ધિ પુન: મનનાં પ્રાકૃતિક વલણ ઉપર શાસન કરે છે અને લોકો દિવસના આઠ કલાક કે તેનાથી પણ વધારે સમય કાર્ય કરે છે.
ઉપરોક્ત ઉદાહરણ સ્પષ્ટ કરે છે કે માનવ તરીકે આપણી બુદ્ધિ મનને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી આપણે બુદ્ધિને ઉચિત જ્ઞાન દ્વારા કેળવવી જ જોઈએ અને તેનો ઉપયોગ મનને ઉચિત દિશામાં માર્ગદર્શિત કરવા માટે કરવો જોઈએ. બુદ્ધિ યોગ એ પ્રત્યેક કાર્ય ભગવાનના સુખ અર્થે છે તેવા બુદ્ધિના દૃઢ સંકલ્પને વિકસિત કરીને મનને કર્મના ફળ પ્રત્યે અનાસક્ત કરવાની કળા છે. આવી દૃઢ નિર્ણયાત્મક બુદ્ધિ ધરાવતી વ્યક્તિ પોતાના લક્ષ્ય પ્રત્યે એકાગ્ર ચિત્ત થઈ ધ્યાન કેન્દ્રિત કરે છે અને ધનુષ્યમાંથી છૂટેલા તીરની જેમ આ માર્ગ પરથી પસાર થઈ જાય છે. સાધનાની ઉચ્ચતર અવસ્થામાં આ સંકલ્પ એટલો દૃઢ થઈ જાય છે કે, સાધકને આ પથ પર આગળ વધતાં કોઈ અટકાવી શકતું નથી. તે અથવા તેણી વિચારે છે કે, “ જો મારા માર્ગ પર લાખો વિઘ્નો આવે, જો સમગ્ર સંસાર મારી નિંદા પણ કરે, જો મારે મારા પ્રાણ પણ ન્યોછાવર કરવા પડે, તો પણ હું મારી સાધનાનો ત્યાગ નહિ કરું.” પરંતુ જેની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત છે, તેનું મન અનેક દિશાઓમાં ભાગે છે. તેઓ મનની એકાગ્રતા વિકસિત કરવા અસમર્થ હોય છે કે, જે ભગવદ્-માર્ગ પર ચાલવા માટે આવશ્યક છે.