Bhagavad Gita: Chapter 2, Verse 60

યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ।
ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરન્તિ પ્રસભં મનઃ ॥ ૬૦॥

યતત:—સ્વ નિયંત્રણનો અભ્યાસ કરતાં; હિ—માટે; અપિ—તેમ છતાં; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; પુરુષસ્ય—મનુષ્યનો; વિપશ્ચિત:—વિવેકજ્ઞાન સભર; ઈન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; પ્રમાથીનિ—ઉત્તેજિત; હરન્તિ—હરી લે છે; પ્રસભમ્—બળપૂર્વક; મન—મન.

Translation

BG 2.60: હે કુંતીપુત્ર અર્જુન! ઇન્દ્રિયો એટલી પ્રબળ અને અશાંત હોય છે કે, તે વિવેક પૂર્ણ જ્ઞાનથી સંપન્ન અને આત્મ-નિયંત્રણની સાધના કરતાં મનુષ્યના મનને પણ બળપૂર્વક હરી લે છે.

Commentary

ઇન્દ્રિયો એ જંગલી ઘોડાઓ જેવી હોય છે જેની તાજી લગામ ખેંચેલી હોય. તેઓ બેકાબૂ અને અવિચારી હોય છે; અને તેથી, તેમને અનુશાસિત કરવી એ સાધક માટે મહત્ત્વપૂર્ણ યુદ્ધ હોય છે, જે તેણે આંતરિક રીતે લડવું પડે છે. આથી, આધ્યાત્મિક ઉન્નતિના અભિલાષીઓએ કાળજીપૂર્વક કામ અને ક્રોધના રંગે રંગાયેલી આ નિરંકુશ ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહિ તો તે ઉત્તમ સાધકની પણ આધ્યાત્મિક પ્રગતિનો વિદ્વંસ કરવાની અને તેને માર્ગથી ચ્યુત કરી દેવાનું બળ ધરાવે છે.

શ્રીમદ્ ભાગવતમ્ (સ્કંધ-૯,અધ્યાય-૬)માં વર્ણિત કથા આ કથનનું ઉપયુક્ત ઉદાહરણ છે. પ્રાચીન સમયમાં એક મહાન તપસ્વી મુનિ હતા, જે સૌભરિના નામે જાણીતા હતા. તેમનો ઉલ્લેખ ઋગ્વેદમાં છે, જેમાં સૌભરિ સૂત્ર નામનો મંત્ર છે. સૌભરિ સંહિતા નામનો એક ગ્રંથ પણ છે. આમ, તેઓ કોઈ સાધારણ તપસ્વી ન હતા.સૌભરિએ પોતાના શરીર પર એટલું નિયંત્રણ પ્રાપ્ત કર્યું હતું કે તેઓ સ્વયંને યમુના નદીમાં ડુબાડીને તેના જળમાં ધ્યાન ધરતા. એક દિવસ તેમણે બે માછલીઓને સમાગમ કરતાં જોઈ. આ દ્રશ્યે તેના મન અને ઇન્દ્રિયોને હરી લીધાં અને તેમનામાં સંભોગ કરવાની ઈચ્છા જાગૃત થઈ. તેમણે તેમની આધ્યાત્મિક સાધનાનો ત્યાગ કરીને જળમાંથી બહાર નીકળીને પોતાની ઈચ્છાઓની તુષ્ટિ કેવી રીતે કરવી તે અંગે વિચારવા લાગ્યા.

તે સમયે અયોધ્યાના રાજા માંધાતા હતા, જેઓ ખૂબ પ્રખ્યાત અને ઉમદા શાસક હતા. તેમને ૫૦ પુત્રીઓ હતી, જે એકબીજાથી અધિક સુંદર હતી. સૌભરિએ રાજાનો સંપર્ક કર્યો અને તેમની પચાસમાંથી એક રાજકુમારીના હાથની માંગણી કરી.

રાજા માન્ધાતાને મુનિના સામંજસ્ય અંગે અચરજ થયું અને તે વિચારવા લાગ્યા, “આ વૃદ્ધ માણસ લગ્ન કરવા ઈચ્છે છે” રાજા સૌભરિની સિદ્ધિઓથી પરિચિત હતા અને તેથી ભયભીત હતા કે જો તે ના પાડશે તો આ તપસ્વી કદાચ શ્રાપ આપી દેશે. પરંતુ જો તે અનુમતિ આપી દેશે તો તેની કોઈ એક પુત્રીનું જીવન નષ્ટ થઈ જશે. તેઓ ધર્મસંકટમાં હતા. તેથી તેમણે કહ્યું, “હે પવિત્ર મુનિ! મને તમારી વિનંતી સામે કોઈ વાધો નથી. કૃપા કરીને આસન ગ્રહણ કરો. હું મારી પચાસ પુત્રીઓને તમારી સમક્ષ ઉપસ્થિત કરીશ અને જે તમારી પસંદગી કરશે તે વિવાહ કરીને તમારી થઈ જશે.” રાજાને વિશ્વાસ હતો કે તેની કોઈપણ પુત્રી આ વૃદ્ધ તપસ્વીને પસંદ નહિ કરે અને આ રીતે તે આ મુનિના શ્રાપમાંથી પણ બચી જશે.

સૌભરિ રાજાના ઈરાદાથી પૂર્ણ જ્ઞાત હતા. તેમણે રાજાને કહ્યું કે, તે આવતીકાલે આવશે. તે સંધ્યાએ, તેમણે પોતાની યૌગિક સિદ્ધિઓનો ઉપયોગ કરીને સ્વયંને સુંદર નવયુવકના રૂપમાં પરિવર્તિત કરી દીધા. પરિણામે બીજા દિવસે જયારે તેઓ મહેલમાં ઉપસ્થિત થયા ત્યારે પચાસે  પચાસ રાજકુમારીઓએ તેમને તેમના પતિ તરીકે પસંદ કરી લીધા. રાજા તેણે આપેલા વચનોથી વિવશ હતો અને તેની બધી જ પુત્રીઓના વિવાહ આ તપસ્વી સાથે કરાવવા બંધાયેલો હતો.

હવે રાજાને પચાસ બહેનો વચ્ચે ઉત્પન્ન થનારા કલેશ અંગે ચિંતા થવા લાગી, કારણ કે તેઓએ કેવળ એક જ પતિ સાથે જીવન વ્યતીત કરવાનું હતું.  જો કે, સૌભરિએ પુન: પોતાની યૌગિક સિદ્ધિઓનો ઉપયોગ કર્યો. રાજાના સંશય પર વિરામ મૂકીને તેણે પચાસ રૂપો ધારણ કર્યા અને પચાસ પત્નીઓ માટે પચાસ મહેલોની રચના કરી તે પ્રત્યેક સાથે અલગ-અલગ રહેવા લાગ્યા. આમ ને આમ હજારો વર્ષો વીતી ગયા. પુરાણો કહે છે કે, સૌભરીને પ્રત્યેક પત્નીથી અનેક સંતાનો થયાં અને તે સંતાનોને પણ સંતાનો થયા અને અંતે એક નાનું નગર બની ગયું. એક દિવસ સૌભરિ ભાનમાં આવ્યા અને તેમણે કહ્યું, “અહો ઇમં પશ્યત મે વિનાશં" (ભાગવતમ્ ૯.૬.૫૦) “હે મનુષ્યો! તમારામાંથી જેઓ સાંસારિક ઉપલબ્ધિઓ દ્વારા સુખ પ્રાપ્ત કરવાની યોજનાઓ બનાવે છે, તેઓ સાવધાન થઈ જાઓ. મારું પતન જુઓ—હું ક્યાં હતો અને અત્યારે હું ક્યાં છું? મેં મારી યૌગિક સિદ્ધિઓ દ્વારા પચાસ શરીરો ધારણ કર્યા અને હજારો વર્ષો સુધી પચાસ પત્નીઓ સાથે જીવન વ્યતીત કર્યું. છતાં, ઇન્દ્રિયોને તૃપ્તિની અનુભૂતિ ન થઈ; તેઓ કેવળ અધિક ભોગ માટે તરસતી રહી. મારા પતનમાંથી બોધ લો અને આ દિશામાં સાહસ ના કરવા સચેત થઈ જાઓ.”