Bhagavad Gita: Chapter 2, Verse 19

ય એનં વેત્તિ હન્તારં યશ્ચૈનં મન્યતે હતમ્ ।
ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હન્તિ ન હન્યતે ॥ ૧૯॥

ય:—જે; એનમ્—આને; વેત્તિ—જાણે છે; હન્તારમ્—હણનારો; ય:—જે; ચ—અને; એનમ્—આને; મન્યતે—માને છે; હતમ્—હણાયેલો; ઉભૌ—બંને; તૌ—તેઓ; ન—કદી નહીં; વિજાનીત:—જાણે છે; ન—કદી નહીં; અયમ્—આ; હન્તિ—હણે છે; ન—નહીં; હન્યતે—હણાય છે.

Translation

BG 2.19: જે આત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે, તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો.

Commentary

મૃત્યનો ભ્રમ એટલે ઉત્પન્ન થાય છે કારણ કે, આપણે સ્વયંને શરીર માનીએ છીએ. આ અંગે રામચરિત માનસ નિમ્નલિખિત સમજૂતી આપે છે:

                              જૌં સપનેં સિર કાટૈ કોઈ, બિનુ જાગેં ન દૂરિ દુ:ખ હોઈ

“જો સ્વપ્નમાં આપણું માથું કપાઈ જતું જોઈએ, તો તેની પીડાનો અનુભવ આપણે ત્યાં સુધી કરીએ છીએ, જ્યાં સુધી જાગ્રત થતા નથી.” સ્વપ્નમાં બનેલી ઘટના ભ્રમ છે, પરંતુ જ્યાં સુધી આપણે જાગૃત થઈને ભ્રમને દૂર કરતાં નથી, ત્યાં સુધી તે પીડાનો અનુભવ યાતના આપતો રહે છે. એ જ રીતે, સ્વયંને શરીર માનવાના ભ્રમમાં આપણે મૃત્યુના ભયનો અનુભવ કરીએ છીએ. પ્રબુદ્ધ જીવાત્મા કે જેમનો આ ભ્રમ દૂર થઈ જાય છે, તેમનો મૃત્યુ માટેનો ભય પણ નષ્ટ થઇ જાય છે.

કોઈ પૂછી શકે છે કે, જો કોઈ કોઈને મારી શકતું નથી તો ખૂનને  શા માટે દંડનીય અપરાધ માનવામાં આવે છે? આનો ઉત્તર એ છે કે, શરીર આત્માનું વાહન છે અને કોઈ જીવિત પ્રાણીના વાહનનો નાશ કરવો એ હિંસા છે, જે નિષિદ્ધ છે. વેદો સ્પષ્ટપણે સૂચવે છે: ‘મા હિંસ્યાત્ સર્વભૂતાનિ’  અર્થાત્, ‘કોઈપણ પ્રત્યે હિંસા આચરવી જોઈએ નહીં.’ વાસ્તવમાં, વેદોમાં તો પ્રાણીની હત્યાને અપરાધ ગણવામાં આવ્યો છે. આમ છતાં, એવા કેટલાંક પ્રસંગો છે, જ્યાં નિયમ બદલાયો છે અને હિંસા પણ આવશ્યક બની છે. ઉદાહરણ તરીકે, જયારે સાપ ડંખવા આવતો હોય અથવા કોઈ ઉપર પ્રાણઘાતક શસ્ત્રથી આક્રમણ કરવામાં આવે, કે કોઈનો જીવનનિર્વાહ છીનવી લેવામાં આવે, તો એવા સંજોગોમાં સ્વ-રક્ષણના હેતુથી થતી હિંસા સ્વીકાર્ય  છે. યુદ્ધની આ વર્તમાન પરિસ્થિતિમાં, અર્જુન માટે શું ઉચિત છે - હિંસા કે અહિંસા અને શા માટે? જેમ-જેમ ભગવદ્ ગીતાનો સંવાદ આગળ વધશે, તેમ તેમ શ્રી કૃષ્ણ અર્જુનને આ અંગે વિસ્તારપૂર્વક સ્પષ્ટીકરણ આપશે. અને આ સ્પષ્ટીકરણની વ્યાખ્યાનમાળામાં, આ વિષય ઉપર પ્રકાશ પાથરવા અમૂલ્ય દિવ્યજ્ઞાન પ્રગટ કરવામાં આવશે.