યાવાનર્થ ઉદપાને સર્વતઃ સમ્પ્લુતોદકે ।
તાવાન્સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ ॥ ૪૬॥
યાવાન્—કંઈપણ; અર્થ:—હેતુ; ઉદપાને—પાણીના કૂવાથી; સર્વત:—સર્વથા; સમ્પ્લુત ઉદકે—મોટા જળાશયથી; તાવાન્—તે જ પ્રમાણે; સર્વેષુ—બધાં; વેદેષુ—વેદો; બ્રાહ્મણસ્ય—પરબ્રહ્મને જાણનારા; વિજાનત:—પૂર્ણ જ્ઞાની.
Translation
BG 2.46: જે જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ કુદરતી રીતે, વિશાળ જળાશયોથી પરિપૂર્ણ થઈ જાય છે. બરાબર એ જ પ્રમાણે, જેણે પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે તેને માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે.
Commentary
વેદોમાં સમાવિષ્ટ ૧૦૦,૦૦૦ મંત્રો, કર્મકાંડો, સાધનાઓ, પ્રાર્થનાઓ, અનુષ્ઠાનો અને જ્ઞાનના રત્નોનું વર્ણન કરે છે. આ સર્વનો ઉદ્દેશ્ય કેવળ એક જ લક્ષ્ય માટે છે—આત્માનું ભગવાન સાથે જોડાણ થાય.
વાસુદેવપરા વેદા વાસુદેવપરા મખાઃ
વાસુદેવપરા યોગા વાસુદેવપરાઃ ક્રિયાઃ
વાસુદેવપરં જ્ઞાનં વાસુદેવપરં તપઃ
વાસુદેવપરો ધર્મો વાસુદેવપરા ગતિઃ (ભાગવતમ્ ૧.૨.૨૮–૨૯)
“સર્વ વૈદિક મંત્રો, કર્મકાંડી ક્રિયાઓ, આધ્યાત્મિક સાધનાઓ, યજ્ઞો, જ્ઞાનનું સંવર્ધન તથા કર્તવ્ય-પાલન આ બધાનું લક્ષ્ય આત્માને ભગવદ્ ચરણો સુધી પહોંચવામાં સહાયરૂપ થવાનું છે.”
આમ છતાં, જેમ ઔષધિની વટીને સ્વાદિષ્ટ બનાવવા માટે તેનાં પર સાકર લગાડવામાં આવે છે તેમ સાંસારિક રુચિ ધરાવતા લોકોને આકર્ષિત કરવા માટે વેદો પણ સાંસારિક પ્રલોભનો આપે છે. તેનો અંતર્નિહિત હેતુ આત્માને ધીમે ધીમે સંસારથી વિરક્ત કરવાનો અને ભગવાનમાં અનુરક્ત થવા સહાયરૂપ થવાનો હોય છે. આ પ્રમાણે, જે મનને ભગવાનમાં અનુરક્ત રાખે છે તેઓ સ્વત: વૈદિક મંત્રોના પ્રયોજનને સિદ્ધ કરે છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવને શિખામણ આપે છે:
આજ્ઞાયૈવં ગુણાન્ દોષાન્ મયાઽઽદિષ્ટાનપિ સ્વકાન્
ધર્માન્ સન્ત્યજ્ય યઃ સર્વાન્ માં ભજેત સ સત્તમઃ (ભાગવતમ્ ૧૧.૧૧.૩૨)
“વેદો મનુષ્ય માટે વિવિધ સામાજિક તથા કર્મકાંડી વિધિ-વિધાનોનું સૂચન કરે છે. પરંતુ જેઓ તેનો અંતર્ગત હેતુ ગ્રહણ કરે છે અને સર્વ મધ્યવર્તી ઉપદેશોનો અસ્વીકાર કરીને, સંપૂર્ણ હૃદયપૂર્વક તેમનો મારા પ્રત્યેનો ધર્મ પરિપૂર્ણ કરે છે, હું તેમને સર્વોત્કૃષ્ટ ભક્તો માનું છું.”