Bhagavad Gita: Chapter 2, Verse 59

વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ ।
રસવર્જં રસોઽપ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે ॥ ૫૯॥

વિષય:—ઇન્દ્રિયભોગના વિષયો; વિનિવર્તન્તે—રોકવું; નિરાહારસ્ય—સ્વયંને દૂર રાખવાનો અભ્યાસ; દેહિન:—દેહધારી જીવ માટે; રસવર્જમ્—રસાસ્વાદનો ત્યાગ  કરીને; રસ:—સ્વાદ; અપિ—જો કે; અસ્ય—તેનો; પરમ્—અત્યંત ઉત્કૃષ્ટ; દૃષ્ટ્વા—અનુભવીને; નિવર્તતે—નિવૃત્ત થાય છે.

Translation

BG 2.59: મુમુક્ષુઓ ઇન્દ્રિયોને તેના વિષયભોગોથી ભલે દૂર રાખે, પરંતુ ઇન્દ્રિયોના વિષયભોગમાં રસ તો અકબંધ રહે છે. જો કે, જેઓ પરમેશ્વરની અનુભૂતિ કરી લે છે, તેઓ માટે આ રસ સમાપ્ત થઇ જાય છે.

Commentary

ઉપવાસ રાખીને જો કોઈ ખાવાનો ત્યાગ કરી દે તો ઇન્દ્રિયોની ઈચ્છાઓ દુર્બળ થઇ જાય છે. એ જ પ્રકારે, માંદગીમાં વ્યક્તિની વિષયભોગમાં રુચિ ઓછી થઈ જાય છે. આ વિરક્તિની અવસ્થા ક્ષણિક હોય છે, કારણ કે ઈચ્છાનું બીજ મનમાં વિદ્યમાન હોય છે. પુન: જયારે ઉપવાસ સમાપ્ત થઈ જાય છે અથવા તો માંદગી દૂર થઈ જાય છે ત્યારે ઈચ્છા પુન: જાગૃત થઈ જાય છે.

ઈચ્છાનું બીજ શું છે? તે ભગવાનના દિવ્ય આનંદની પ્રાપ્તિ માટેની આત્માની આંતરિક પ્રકૃતિ છે કે જે ભગવાનનો અતિ સૂક્ષ્મ અંશ છે. જ્યાં સુધી આ દિવ્યાનંદની પ્રાપ્તિ નહિ થાય ત્યાં સુધી આત્મા કદાપિ તૃપ્ત નહિ થાય અને સુખની શોધ અવિરત ચાલુ રહેશે. સાધક (આધ્યાત્મિક મુમુક્ષુ) કદાચ પોતાની સંકલ્પ શક્તિ દ્વારા બળપૂર્વક તેમની ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખે પરંતુ આવું નિયંત્રણ અલ્પકાલીન હોય છે; કારણ કે, તે ઇચ્છાઓની આંતરિક જ્વાળાઓને બુઝાવતી નથી. આમ છતાં જયારે આત્મા ભગવદ્ ભક્તિમાં લીન થાય છે અને દિવ્ય આનંદની પ્રાપ્તિ કરે છે ત્યારે તે ઉચ્ચતમ રસની અનુભૂતિ કરે છે, જેની તેને અનંત જન્મોથી ઝંખના હોય છે. તૈત્તિરીય ઉપનિષદ્દ કહે છે:

                     રસો વૈ સઃ રસં હ્યેવાયં લબ્ધ્વાઽઽનન્દી ભવતિ (૨.૭.૨)

“ભગવાન પૂર્ણાનંદ છે. જયારે આત્મા ભગવદ્-પ્રાપ્તિ કરે છે તે આનંદમય થઈ જાય છે.” પશ્ચાત્ મનુષ્યમાં પ્રાકૃતિક રીતે નિકૃષ્ટ ઇન્દ્રિયભોગ માટે વિરક્તિ ઉત્પન્ન થાય છે. ભક્તિથી ઉદ્ભવતી આ વિરક્તિ દૃઢ અને અવિચળ હોય છે.

આમ, ભગવદ્ ગીતા ઈચ્છાઓના શુષ્ક દમનનું શિક્ષણ નથી આપતી; તેના બદલે, ઈચ્છાઓને ભગવાન તરફ દિશામાન કરીને ઈચ્છાઓના ઊર્ધ્વીકરણના સુંદર માર્ગનો ઉપદેશ આપે છે. સંત રામકૃષ્ણ પરમહંસે આ સિદ્ધાંતને અતિ ભાવપૂર્ણ રીતે અભિવ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે: “ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માટેનો પ્રેમ છે અને જે નિકૃષ્ટ છે, તે સ્વત: સમાપ્ત થઈ જાય છે.”